Abtak Media Google News

વહીવટીદારના રાજમાં લોકોની સરળતા માટે ૨૪ કલાકમાં વ્યવસ્થાની ઉભી નહીં કરાય તો ઉગ્ર આંદોલનની કોંગ્રેસની ચીમકી

આજથી કોર્પોરેશન માં વહીવટદાર શાસન આવી ગયું છે.કોર્પોરેટરો હવે પૂર્વ બની ગયા છે.તેમની પાસે હવે આવક કે મરણના દાખલા આપવાની સત્તા રહી નથી ત્યારે તંત્ર દ્રારા ત્રણેય ઝોન કચેરી અને તમામ વોર્ડ ઓફિસેથી લોકોને તમામ પ્રકારના દાખલા મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ તેવી માંગણી કોંગ્રેસ દ્રારા કરવામાં આવી છે.રાજકોટમાં થોડા સમય પહેલા જ નવા પાંચ ગામો મનપાએ ભળ્યા છે.આ ઉપરાંત શહેરના ૧ થી ૧૮ વોર્ડના નાગરિકોને તમામ જગ્યાએ આવકના દાખલા ઉપયોગમાં લેવાતા હોય તેમજ આ દાખલાઓ વગર અરજદારોના કામો અટકી જતા હોય છે અને શહેરમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય ત્યારે ૬૦ વર્ષથી ઉપરની ઉમર વાળા વ્યક્તિઓને લાગુ પડતા વિસ્તારના સ્થાનિક કોર્પોરેટર દ્વારા મરણના દાખલાની નોંધ માટે દાખલો કાઢી આપવામાં આવતો હોય છે ત્યારે આજથી મહાપાલિકાના વહીવટદાર તરીકે કારોભાર મ્યુનિસિપલ કમિશનરે સંભાળ્યો છે ત્યારે આ બાબતોનો વ્યવહારુ ઉકેલ લાવવો અત્યંત જરૂરી છે.અલગ અલગ વિસ્તારમાંથી લોકોની આવકના દાખલા અને મરણ નોંધના દાખલા તેમજ આધારકાર્ડમાં આઇડેન્ટિફિકેશન અને શાળા-કોલેજોના ફોર્મમાં સ્કોલરશીપ માટે સહી સિક્કા કરવા માટેના ફોન અને રૂબરૂ આવ્યા હોય તેમજ આ તમામ પ્રક્રિયામાં નાગરિકો હેરાન પરેશાન ન થાય તેના માટે  મહાપાલિકાની ત્રણેય ઝોન કચેરીઓ ખાતે અથવા દરેક વોર્ડ ઓફિસે ઉપરોક્ત તમામ પ્રકારના દાખલાઓની વ્યવસ્થા કરવા અને સત્વરે વ્યવહારુ ઉકેલ લાવવા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલને પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ રજૂઆત કરી છે.

તેઓએ વધુ વધુમાં જણાવ્યું છે કે, આ અંગે  આગામી ૨૪ કલાકમાં  નીતિવિષયક નિર્ણય લેવામાં નહી આવે અને લોકો હેરાન થશે તો તેની જવાબદારી કમિશનરની રહેશે અને આ અનુસંધાને કોંગ્રેસે નાછુટકે ગાંધીચિંધ્યા રાહે આંદોલન કરવાની ફરજ પડશે જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.