સવારે અરજી કરો સાંજે નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવી છે:ગોવિંદભાઇ પટેલ

કોર્પોરેશન દ્વારા  વોર્ડ નં.14 અને 15માં રહેતા શહેરીજનોના માટે સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે વોર્ડ નં.14 અને 15માં રહેતા શહેરીજનોના લાભાર્થે આઠમાં તબકકાના સેવાસેતુનો કાર્યક્રમ સોરઠીયાવાડી ગાર્ડન પાસે આવેલ ગુજરાત કામદાર કલ્યાણ સેન્ટર, કોઠારીયા કોલોની ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલએ પ્રાસંગિક ઉદબોધન કરતા જનાવ્યુ હતું કે, દર પાંચ વર્ષે લોકો ચૂંટાયેલી સરકાર દ્વારા કરવામાં આવેલ કાર્યોના લેખા જોખા થકી મુલવણી કરતા હોય છે. અગાઉની સરકાર અને વર્તમાન સરકારની કામગીરીનો અનુભવ કરી, આગામી સરકાર ચૂંટવા નિર્ણય કરતા હોય છે. વર્તમાન સરકાર પંડિત દીનદયાલ ઉપાધ્યાયે ચીંધેલા માર્ગ પર ચાલીને છેવાડાના માનવીની ચિંતા કરે છે અને લોકોના ઘર સુધી તમામ સુવિધા પહોંચે તે રીતે એક જ મંચ હેઠળ સવારે અરજી કરો અને સાંજે તેનો નિકાલ થાય તે મુજબ આયોજનબદ્ધ કામગીરી કરે છે.

ઇઝરાયેલ જેવો ટચુકડો દેશ જે ચોતરફ દુશ્મનોથી ઘેરાયેલો છે ત્યાના નાગરિકોની રાષ્ટ્રભાવના સામે કોઈ દુશ્મન દેશ તેની સામે નજર પણ ઊંચી કરી શકતો નથી અને તેના ફળ સ્વરૂપે આજે સમગ્ર દુનિયાને વૈજ્ઞાનિક ખેતી શીખવે છે. ભારતને ગુલામીની સાંકળોમાંથી મુક્ત કરાવવા વર્ષો સુધી સેંકડો ભારતીયોએ પોતાના જીવની આહૂતિ આપેલ છે, તે શહીદોને આજે આપણે વિસરતા જઈએ છીએ. આપણા દેશની આવતીકાલની પેઢીમાં વીરતાના બીજ રોપાય અને દેશપ્રેમનો ભાવ જાગે તે ખુબ જ અગત્યનું છે.

મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે વર્તમાન સરકાર દ્વારા લોકોના હિતને ધ્યાનમાં રાખીને લોકોને સુવિધા આપવાની સાથોસાથ સમયની પણ બચત થાય તે માટે પોતાના ઘરથી નજીક એક જ સ્થળેથી 57 થી પણ વધુ સરકારી સેવાઓ/યોજનાઓ અંગે માહિતી, માર્ગદર્શન તેમજ સરળતાથી લાભ મળી રહે તે મુજબનું સેવાસેતુનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા કોર્પોરેશન સહિતની તમામ સરકારી કચેરીઓ ખુબ સારા પ્રયત્નો કરી રહી છે ત્યારે આ બધી જ સેવાઓનો લાભ તમામ નાગરિકો બહોળા પ્રમાણમાં મેળવે તે માટે અપિલ કરૂ છું.

જુદીજુદી સરકારી યોજનાઓના લાભાર્થીઓને આર્થિક સહાયના પ્રતિકરૂપે ચેક, પ્રમાણપત્રો, કાર્ડ વગેરે એનાયત કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે  શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ડેપ્યુટી મેયર ડો. દર્શિતા શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર, તેમજ શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, નાયબ મ્યુનિ. કમિશનર આશિષકુમાર, સી.કે. નંદાણી, મ્યુનિ.સેક્રેટરી ડો. રૂપારેલીઆ, આસી. કમિશનર એચ.કે.કગથરા, વી. એસ. પ્રજાપતિ, ડે.સેક્રેટરી એચ.ડી.લખતરીયા, પી.એ. ટુ ચેરમેન સ્ટે.કમિટી એચ.જી.મોલીયા, આરોગ્ય અધિકારી ડો.જયેશ વંકાણી, નાયબ આરોગ્ય અધિકારી ડો. મનિષ ચુનારા તેમજ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.