Abtak Media Google News

બાળોતિયાથી બળેલુ… પાકિસ્તાનનું લોકતંત્ર વધુ એકવાર અંધાધૂંધી અને રાજકીય અરાજકતા તરફ આગળ વધી રહ્યું હોય તેમ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી સામે અવાજ ઉઠાવનારા રાજકીય નેતાઓની પોલીસે ધરપકડનો દૌર શરૂ કરી દેવાતા પોલીસની આ કામગીરીને લોકતંત્રના અવાજ દબાવવા સમાન ગણાવાઈ રહી છે. પોલીસે રવિવારે અયાઝ લાસારી અને સિંધ તરક્કી પસંદ પાર્ટીના નેતાઓને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી સામે અવાજ ઉઠાવવા બદલ અટકાયતમાં લીધા હતા.

વધુ એકવાર રાજકીય વિરોધ કરનારાઓ સામે બળપ્રયોગનો શરૂ થયેલો દૌર, રાજકીય અસ્થિરતા ભણી આગળ વધતું પાકિસ્તાન

પાકિસ્તાનમાં સિંધમાં પ્રાદેશીક સ્વતંત્ર્તા અને રાજકીય સાવકાપણાનો મુદ્દો ઘણા લાંબા સમયથી સરકાર સામે માથાનો દુ:ખાવો બની રહ્યો છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી સાથે લાંબા સમયથી સિંધ તરક્કી પસંદ પક્ષના નેતાઓ વચ્ચે રાજકીય ખેંચતાણ ચાલી રહી છે.

સિંધમાં લોકતંત્ર અને પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને ઘણા લાંબા સમયથી આંદોલન અને વિરોધનો માહોલ ઉભો થઈ રહ્યો છે. કેટલાંક જુથો અને નેતાઓએ તો અલગ સિંધની માંગણી પણ મુકી દીધી છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી સામે વારંવાર સિંધમાંથી બળવાના સુર ઉઠતા રહે છે. છેલ્લા કેટલાંક સમયથી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના વિરોધમાં સિંધમાં રાજકીય આગેવાનો આગળ પડતા ભાગ લઈ રહ્યાં છે. રવિવારે સ્થાનિક પોલીસે અગાઉથી જ એકશન પ્લાન ઘડીને પૂરી તૈયારી કરી લીધી હોય તેમ સિંઘ તરક્કી પસંદ પક્ષના અગ્રણીના નેતાઓની ધરપકડનો દૌર શરૂ કર્યો હતો.

અયાઝ લાસારી અને અન્ય આગેવાનોને કોઈપણ જાતની આગોતરી જાણકારી કે, ધરપકડની નોટિસ આપ્યા વગર અટકાયતમાં લઈ લીધા હતા. નાગરિક સુરક્ષા ધારા અન્વયે આ ધરપકડ થઈ હોવાનું સ્થાનિક સત્તાવાળાઓએ જાહેર કર્યું છે. સિંધ તરક્કી પસંદ પક્ષના બે ડઝન જેટલા નેતાઓને જેલમાં ધકેલી દેવાના મુદ્દે પાકિસ્તાનનું રાજકારણ વધુ એકવાર ગરમાવા પામ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.