અમરેલી: બે દિવસ પહેલા અમરેલી-સાવરકુંડલા નેશનલ હાઈવે પર એક અજાણ્યા વાહનની ટક્કરે ત્રણ વર્ષના સિંહબાળનું મોત થયું હતું. આ ઘટનામાં ફરાર થઈ ગયેલા વાહન ચાલકને આખરે વનવિભાગે ઝડપી પાડ્યો છે.
ગત 24મી એપ્રિલના રોજ વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ આ દુર્ઘ*ટના બની હતી. એક અજાણ્યા વાહન ચાલકે સિંહબાળને કચડી નાખતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. લીલીયા વનવિભાગને આ ઘટનાની જાણ થતા તાત્કાલિક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સિંહબાળના મૃ*તદે*હનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
આ ગંભીર ઘટનાને પગલે લીલીયા વનવિભાગે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તત્કાલ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન અમરેલીથી સાવરકુંડલા વચ્ચે આવતા પેટ્રોલ પંપો, હોટલો અને અમરેલી નેત્રમ સહિત કુલ 9 જેટલા સ્થળોના સીસીટીવી કેમેરાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત, રસ્તામાં આવતા ગામડાઓમાં પણ પૂછપરછ કરવામાં આવી હતી.
સઘન તપાસના અંતે, વનવિભાગને GJ 3 BT 7795 નંબરનો ડુંગળી ભરેલો ટ્રક અકસ્માત સર્જનાર વાહન હોવાની શંકા ગઈ હતી. આથી, વનવિભાગે ટ્રક માલિક અને ડ્રાઈવરની પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન અને ટ્રકમાં સિંહબાળ સાથે અ*ક*સ્મા*ત થયો હોવાના પુરાવા મળતા અમરેલી વનવિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. આજે કુકાવાવ રોડ પરથી ટ્રક અને ટ્રક ચાલકની અટકાયત કરવામાં આવી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અહેવાલ: પ્રદીપ ઠાકર