Abtak Media Google News

જૂનાગઢના શક્કર બાગ ઝુમાંથી ઘુડખરની એક જોડી, ચૌશીંગાની એક જોડી અને વરૂ માદાને લવાયા: હાલ તમામ પ્રાણીઓ ક્વોરેન્ટાઇન હેઠળ

 

અબતક, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લાલપરી રાંદરડા તળાવના કાંઠે અઢળક કુદરતી સાંનિધ્યમાં બનાવવામાં આવેલા પ્રદ્યુમન પાર્કમાં સહેલાણીઓ માટે ઘુડખર અને ચૌશીંગા પ્રાણીનું આગમન થઇ ગયુ છે. હાલ તમામ પ્રાણીઓને વેટરનરી ઓફિસરની દેખરેખ હેઠળ ઝૂ ખાતે ક્વોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. ક્વોરેન્ટાઇન પિરિયડ પૂર્ણ થયા બાદ પ્રાણીઓને મુલાકાતી માટે પ્રદર્શિત કરવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને બાગ-બગીચા તથા ઝૂ સમિતિના ચેરમેન અનિતાબેન ગૌસ્વામીએ જણાવ્યું હતું કે સક્કરબાગ ઝુ, જૂનાગઢ ખાતેથી દુર્લભ પ્રાણી ઘુડખર જોડી 01 (નર-1, માદા-1), ચૌશિંગા જોડી 01 (નર-1, માદા-1) તથા વરૂ માદા-01 લાવવામાં આવેલ છે.

હાલ રાજકોટ પ્રાણી ઉદ્યાન ખાતે જુદી જુદી 57 પ્રજાતિઓનાં કુલ 456 વન્યપ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે. વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી, ન્યુ દિલ્હી તથા રાજ્ય સરકાર દ્વારા રાજકોટ પ્રાણી ઉદ્યાન, ઇન્દ્રોઝડા નેચર પાર્ક, ગાંધીનગર તથા સક્કરબાગ ઝૂ જુનાગઢ વચ્ચે વન્યપ્રાણી વિનીમય કરવા મંજુરી આપવામાં આવેલ હતી. જે અંતર્ગત પ્રથમ તબ્બકે રાજકોટ પ્રાણી ઉદ્યાન ખાતેથી રોયલ બેંગાલ સફેદ વાઘ જોડી 01 (નર તથા માદા)ને ઇન્રો રાડા નેચર પાર્ક, ગાંધીનગર ખાતે આપવામાં આવેલ હતા. જેના બદલામાં સક્કરબાગ ઝૂ જુનાગઢ ખાતેથી રાજકોટ પ્રાણી ઉદ્યાન ખાતે દુર્લભ પ્રાણી ઘુડખર જોડી 01 (નર-01, માદા-01), ચૌશિંગા જોડી 01 (નર-01, માદા-01) તથા વરૂ માદા – 01 લાવવામાં આવેલ છે. આ તમામ પ્રાણીઓને હાલ વેટરનરી ઓફીસરની દેખરેખ હેઠળ ઝૂ ખાતે ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવેલ છે.

ઘુડખરને ઓછી વસ્તી વાળા પ્રાણીની કેટેગરીમાં સમાવેશ કરવામાં આવેલ છે. ગુજરાત વનવિભાગ દ્વારા વર્ષ 2020ની વસ્તી ગણતરી મુજબ હાલ 6082 જેટલા ભારતીય ઘુડખર ભારતમાં એકમાત્ર ગુજરાતના ઘુડખર અભયારણ્ય, કચ્છનું નાનું રણ અને તેની આસપાસના વિસ્તારમાં જોવા મળે છે. ઘુડખર ભારતના ઝડપી દોડનારા પ્રાણીઓમાનું એક છે. જે કલાકના 50 થી 55 કિલોમીટરની ઝડપે સહેલાઇથી દોડી શકે છે. ઘુડખર ગધેડા કરતા કદમાં મોટું તથા ઘોડા કરતા કદમાં નાનું, સફેદ શરીર ઉપર બદામી-કથ્થાઇ રંગના ધાબા ધરાવે છે. સામાન્ય રીતે કુદરતી અવસ્થામાં તેઓ 20 થી 22 વર્ષ સુધીનું આયુષ્ય ધરાવે છે.

ચૌશીંગા પ્રાણીને પણ ઓછી વસ્તી વાળા પ્રાણીની કેટેગરીમાં સમાવેશ કરવામાં આવેલ છે. આ એક માત્ર એવું હરણ છે. જેને માથાના ભાગે ચાર શિંગડા હોય છે, જેથી તેને ચૌશિંગા કહે છે. ગુજરાતના ડુંગરાળ જંગલ પ્રદેશ અને ખુલ્લી તથા ઢોળાવાળી ઝાડીવાળા પ્રદેશોમાં જોઇ શકાય છે. તેનો વજન આશરે 18 થી 22 કિ.ગ્રા. સુધી હોય છે અને 10 થી 12 વર્ષનું આયુષ્ય ધરાવે છે.

ઉપરોક્ત પ્રાણીઓનો ઉમેરો થતા હવે રાજકોટ પ્રાણી ઉદ્યાન ખાતે જુદી જુદી 59 પ્રજાતીઓના કુલ 461 વન્યપ્રાણી-પક્ષીઓ થયેલ છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.