ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન,જાણો શું છે એક બોક્સની કિંમત

સૌરાષ્ટ્રમાં નંબર વન ગણાતા ગોંડલ શાકભાજી અને ફ્રુટ માર્કેટ યાર્ડમાં છેલ્લા બે ત્રણ દિવસથી મીઠી મધુર અને ફળોની રાણી ગણાતી કેસર કેરીનું આગમન થવા પામ્યું છે.આ વર્ષે બજારમાં કેસર કેરીનું આઠથી દસ દિવસ વહેલુ આગમન થવા પામ્યું છે.કેસર કેરીની સિઝનની શરૂઆતથી જ સ્વાદ પ્રેમીઓ માટે કેરીની સારી આવક જોવા મળી છે.હાલમાં ગોંડલ માર્કેટ યાર્ડમાં કંટાળા,જસાધાર,ઉના,તાલાલા સહિતના પંથકમાંથી કેસર કેરીની આવકો જોવા મળી છે.ત્યારે યાર્ડમાં કેસર કેરીની સિઝનના પ્રારંભ સાથે કેરીના 1200થી 1500 બોક્સની આવક થવા પામી છે.

આ સાથે જ કેરીની હરાજીમાં 10 કિલો કેસર કેરીના બોકસના ભાવ રૂપિયા 800/-થી લઈને 1400/- સુધીના બોલાયા હતાં.ખેડૂતો અને વેપારીઓના જણાવ્યા મુજબ આ વર્ષે કેસર કેરીની સિઝન વહેલી શરૂ થવાની સાથે લાંબી ચાલે તેમ છે.તો બીજી તરફ સિઝનના પ્રારંભની સાથે કેસર કેરી પકવતા ખેડૂતોને કેરીના સારા એવા ભાવ મળી રહ્યાં છે.ઉનાળાની ગરમી વચ્ચે ગોંડલ માર્કેટ યાર્ડમાં ભલે ધીમીગતિએ કેસર કેરીનું આગમન થવા પામ્યું છે.તેમ છતા સ્વાદ પ્રેમીઓ માટે કેસર કેરીની સિઝન કેટલી લાંબી ચાલશે અને ફળોની રાણી કેવો અને કેટલો સમય સુધી સ્વાદ પીરસશે એ તો આગામી દિવસો જ બતાવશે.