ઇંગ્લેન્ડ પહોંચીને રૂમમાં પૂરાઇ ગઇ ટીમ ઇન્ડિયા, સામે આવ્યો વીડિયો

બુધવારે મોડી રાતે ઇંગ્લેન્ડની ધરતી પર ભારતીય ક્રિકેટની પુરુષ અને મહિલા ટીમે ઉતરણ કરી લીધું છે. અંદાજે ચાર મહિના સુધી ટીમ ઇન્ડિયા વિદેશ રહેશે અને વિવિધ સીરિઝમાં રમશે. સૌથી પહેલા 18 જુને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ન્યૂઝિલેન્ડ સામે ગ્રાઉન્ડ પર ટકરાશે. લંડન પહોંચ્યા બાદ તુરંત મોટાભાગના ક્રિકેટરોએ પોતપોતાના સોશિયલ મીડિયા પર અપડેટ આપવાનું શરૂ કરી દીધું હતું. BCCIએ તો ભારતીય ક્રિકેટ ટીમનો ભારતથી ટેક ઓફ કર્યાથી લઇને ઇંગ્લેન્ડ પહોંચવા સુધીનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં દેખાઇ રહ્યું છે કે ભારતીય ક્રિકેટરોએ લાંબા પ્રવાસ દરમિયાન શું શું મસ્તી કરી.

ઇંગ્લેન્ડ પહોંચ્યા બાદ ભારતીય ટીમને ત્રણ દિવસ સુધી ફરજિયાત ક્વોરન્ટાઇન નિયમોનું પાલન કરવું પડશે. ત્યારબાદ ધીમી ધીમે ચાર લેવલમાં ટ્રેનિંગ પહેલા સતત કોરોના ટેસ્ટનો સામનો પણ કરવો પડશે. એટલું નહીં આ ક્વોરન્ટાઇન નિયમોને કારણે ભારતીય ક્રિકેટ ટીમને વર્લ્ડ ચેમ્પિયનશીપ પહેલા પ્રેક્ટિસ કરવાનો સમય પણ નહીં મળે. કારણ કે હજુ ત્રણ દિવસ સુધી ભારતીય ક્રિકેટ ટીમને ક્વોરન્ટાઇન રહેવું પડશે. આ દરમિયાન તેઓ એકબીજાને મળી શકશે નહીં. તેઓ માત્ર પોતાના જ રૂમમાં રહી શકશે.

ભારતીય ક્રિકેટ ટીને લઇને ચાર્ટર વિમાન હેમખેમ ઇંગ્લેન્ડ પહોંચી ગયું છે. એરપોર્ટ પર ઉતરતાની સાથે જ ટીમ બે કલાકની બસમાં મુસાફરી કરી સાઉથેમ્ટન પહોંચી ગઇ છે. આ હોટેલ એક પ્રકારે સ્ટેડિયમની અંદર જ છે. અહીં દરેક ખેલાડીને પર્સનલ રૂમ આપવામાં આવ્યા છે. ભારતીય ટીમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાયનલ રમ્યા બાદ ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સીરિઝ રમવાની રહેશે. તો ભારતીય ક્રિકેટની મહિલા ટીમને ઇંગ્લેન્ડ સામે એક ટેસ્ટ, ત્રણ વન-ડે અને ત્રણ ટી20 ઇન્ટરનેશનલ મેચ રમવાની છે.

ભારતીય ક્રિકેટ બોર્ડએ ભારતીય ટીમની ચાર્ટેડ વિમાનની મુસાફરી દરમિયાનનો એક વીડિયો શેર કર્યો છે જેમાં ખેલાડીઓ સાથે હળવાશભરી વાતો કરવામાં આવી હતી. આ દરમિયાન અક્ષર પટેલે કહ્યું કે મેં ખુબ સારી ઉંઘ કરી, હવે અમારે પૃથકવાસ (આઇસોલેશન)માં રહેવાનું છે. અમને કહેવામાં આવ્યું છે કે આગામી ત્રણ દિવસ સુધી એક-બીજાને મળી શકશું નહીં.