Abtak Media Google News
છાત્રોના ઘડતરમાં આજની શિક્ષણ પધ્ધતિ ઉણી ઉતરી છે: 1968, 1986 બાદ હાલ 2020માં નવી શિક્ષણ નીતિ આવી પણ આજે પણ લોકો 1960 થી 1980ના ગાળાને શ્રેષ્ઠ શિક્ષણનો ગાળો ગણે છે

 

આગળ વધવું છે કે વિકાસ કરવો હોય તો શિક્ષણ મેળવો. આજના યુગમાં નોલેજ જ કરન્સી છે, પાવર છે. ભણેલ-ગણેલ માણસ જ આજની દુનિયામાં ચાલી શકે છે. દેશનો વિકાસ પણ તેના શિક્ષણ ઉપર નિર્ભર છે. મા-બાપો પણ હવે શિક્ષણની મહત્તા સમજવા લાગ્યા છે પણ હજી ઘણા લોકો સંતાનોને ભણાવતા નથી. ગરીબી કે આર્થિક સંકળામણને કારણે મા-બાપો કામના સ્થળે સંતાનને લઇ જાય છે. ઝુપડપટ્ટી વિસ્તારના બાળકો ભણવા જ જતાં નથી. બાળ મજૂરીનો ઉદ્ભવ પણ આજ કારણે વધી રહ્યો છે. આજે પણ છોકરીઓને ધો.7 પછી ઉઠાડી લે છે.જૂના યુગમાં એટલે કે 1980 સુધીએ સમય મુજબ બરોબર હતું પણ ઇન્ફરર્મેશન ટેકનોલોજીનો યુગ, ટીવી, મોબાઇલ કે કોમ્પ્યૂટરનો યુગ શરૂ થતાં શિક્ષણમાં બદલાવ આવ્યો. આજે કોમ્પ્યૂટર શિક્ષણ વગર એક ડગલું પણ આગળ ન વધી શકાય. આજે તો ખાનગી શિક્ષણ એટલું જોર પકડ્યું છે કે સરકારી શાળા તૂટવા લાગી છે. મા-બાપ પણ દેખાદેખીમાં કશું જોયા વગર મોંઘી દાટ ફી ભરીને રાતોરાત બાળકને હોંશિયાર બનાવવા મહેનત કરી રહ્યા છે. ખરેખર તો આવી શાળામાં ક્વોલીફાઇડ શિક્ષકો પણ હોતા નથી. આજે પણ 6 થી 14 વર્ષના શાળાએ ન જતા, શાળા બહારનાં બાળકોને અર્થ કરી, શોધીને તેને ફરી નિશાળે બેસાડવાના પ્રોજેક્ટ ચાલે છે.કોઇપણ દેશનાં વિકાસ તે દેશના શિક્ષણ પરથી આંકી શકાય છે. દેશનું મોટું બજેટ શિક્ષણ અને આરોગ્ય પાછળ જ ખર્ચાય છે. ભણતર સાથે ગણતર હોવું જરૂરી છે. આપણાં દેશમાં શિક્ષણ ઉપર બહુ જ ઓછું કામ થયું છે. આઝાદી પછીનાં બે દશકા બાદ 1968માં શિક્ષણમાં પ્રથમ પરિવર્તન કરાયુંને બાદમાં બીજા બે દશકાએ 1986માં શિક્ષણ નિતીમાં બદલાવ આવ્યો. આ ઉપરાંત હાલ 2020માં નવી શિક્ષણ નિતી આવી જો કે તેનો અમલ આવનારા બે વર્ષોમાં થશે.

આઝાદી બાદ આપણાં દેશમાં બે દશકા સુધી શિક્ષણનો વ્યાપ ખૂબ જ ઓછો હતા, જો કે બંધારણમાં 6 થી 14 વર્ષના તમામ બાળકોને મફ્ત, ફરજીયાત પ્રાથમિક શિક્ષણની વાત કરી છે. 1968થી બીજા તબક્કાના બદલાવમાં લોકોને શિક્ષણની મહત્તા સમજાઇને લોકો ભણવા લાગ્યા. આ ગાળામાં કલા, વાણિજ્ય અને વિજ્ઞાન જેવા પ્રવાહો અમલમાં હતા. જે બાદમાં દેશે પ્રગતીકરણ ઉલ્ટા થઇ ગયા એટલે કે વિજ્ઞાન-વાણિજ્યા અને કલા થઇ ગયું. જીવન જીવવાની કલા આર્ટ્સના શિક્ષણથી મળતી હતી. આમ થવાથી ભણતરમાંથી જીવનનું ગણતર નીકળી ગયું. આજે તો ધો.8નો વિદ્યાર્થી પણ આપણી માતૃ ભાષામાં કડકડાટ વાંચી નથી શકતો.સરકારી શાળાઓ જ પહેલ હતી. ધીમેધીમે ખાનગી શાળાઓનો પગ પેસારો થતાં શિક્ષણમાં ફીનું આગમન થઇ ગયું. પહેલાના જમાનામાં “સોટીવાગે ચમચમ-વિદ્યા આવે રમઝમ” વાત હતી, આજે તો સરકારી પરિપત્ર જ છે કે બાળકોને શિક્ષા ન કરવી.

અગાઉ તો નાના ધોરણમાં મૌખિક પરિક્ષાનું મહત્વ હતુંને સંગીત-ચિત્ર, રમતગમતના પણ માર્ક અપાતા હતા. આજે પણ જે લોકો 1960 થી 80ના દાયકા વચ્ચે ભણેલા છે તે બધી જ રીતે હોંશિયાર છે અને એની તોલે આજનો એમબીએનો સ્ટુડન્ટ પણ ન આવે. વગર કોચીંગ બાળક બધી કલામાં પારંગત શાળા વાતાવરણમાં જ થઇ જતો.પહેલાનાં શિક્ષકો પુરી નિષ્ઠા-લગનથી ભણાવતા અને હા ત્યારે તેનો પગાર છ રૂા. જ હતો. શાળાંત કે મેટ્રીક પાસને એ જમાનામાં આરામથી નોકરી મળી જતી હતી. બાદમાં પી.ટી.સી.ને બી.એડ. બાદ આજે ટીચર ટ્રેનિંગ કોર્ષ આવી ગયો છે. પણ પહેલા જેવી શિક્ષણની પધ્ધતી, ભણાવવાની ટેકનીક, સહઅભ્યાસિક પ્રવૃતિ વિગેરેને કારણે ખરા અર્થમાં બુનિયાદી શિક્ષણ હતું જેમાં બાળકોનો પ્રારંભથી પાયો પાક્કો થઇ જતો હતો. માત્ર એકડીયાની ચોપડીમાંથી બાળક ઘણું શીખી જતો હતો. ગણિત જેવા વિષયો ક્યારેય અઘરા લાગ્યા ન હતા.

Screenshot 20 2

બદલાતા યુગમાં વિજ્ઞાન પ્રવાહને મહત્વ મળતા મા-બાપો કલા શિક્ષણને સામાન્ય ગણવા લાગ્યા છે: માસ્તરને બદલે સાહેબ કે સર શબ્દ ચલણમાં આવ્યો ત્યારથી શિક્ષણ પ્રથા ઉણી ઉતરી છે

આપણો સમાજ પરિવર્તનશીલ છે બદલાતા સમય સાથે શિક્ષણમાં નવી તરાહ ઉમેરાતી ગઇ 11મું મેટ્રીક ગણાતુંને પછી 10 કરની તરાહ ચાલુ થતા ધો.10 બોર્ડ થયુંને 12મું બોર્ડ થયું જેને કોલેજના ચારને બદલે ત્રણ વર્ષ થઇ ગયા છે. આજે 24 વર્ષે ભણીગણીને બહાર આવે ત્યારે છાત્રો સામે તેની કારકિર્દીના હજારો સવાલો ઉભા જોવા મળે છે. 1980ના દાયકા બાદ અંગ્રેજી શિક્ષણના યુગે જોર પકડ્યુંને ટકાનું મહત્વ વધી ગયું. આજે ભલે આપને લાગે કે શિક્ષણમાં આમુલ પરિવર્તન આવ્યું છે પણ વાસ્તવિકતા જુદી છે. ગાંધીજીએ કહ્યું છે: “બાળક અથવા મનુષ્યના શરીર-મન અને આત્મામાં જે શ્રેષ્ઠ છે તેને બહાર કાઢવું તે શિક્ષણ” અને આવુ કરી શકે તે સાચો શિક્ષક જે કૃષ્ણ મુર્તિ કહે છે “સમગ્ર જીવન જીવી શકે એવી સુસંવાદી વ્યક્તિઓ પેદા કરવીએ શિક્ષકનું સર્વોત્તમ કાર્ય છે. આજના યુગની શાળાઓ-શિક્ષણ, શિક્ષકો જોઇને જુના લોકો “સ્કૂલ ઇઝ ડેડ” જેવા શબ્દો બોલે છે. આજે ચારે કોર શિક્ષણના હાટડા ખુલી ગયા છે. ગોખણીયા જ્ઞાનનો યુગ આવી ગયો છે. ટકા બાદ હવે પી.આર. કે ગ્રેડના જંગલમાં છાત્રોને વાલી ખોવાઇ ગયા છે. પહેલાના જમાનામાં આજના જેવું ભારેખમ દફ્તર જ ન હતું, પિરીયડ પધ્ધતી જ ન હતી છતાં બાળકને બધું જ આવડતું હતું. એ જમાનામાં ભૌતિક સુવિધા નામે કશું જ નહીંને આવી ટેકનોલોજી કે અદ્યતન સાધનો પણ ન હતા છતાં વિદ્યાર્થીનો સંર્વાંગી વિકાસ થઇ જતો. આજે જ્ઞાનનો ભંડાર પણ ઘણીવાર નકામો લાગે છે. ખરા અર્થમાં જોઇએ તો એ જ ભાર વગરનું ભણતર હતું. શિક્ષણનું ટ્રેસ ન હતું કોઇ છાત્ર આપઘાત ન કરતો કારણ આનંદમય-પ્રવૃત્તિમય શિક્ષણ પધ્ધતી હતી.

બહુ જુના સમયમાં બાલમંદિર કે આજના પ્લે હાઉસ જેવું કશું જ ના હતું. આ બધુ છેલ્લા સાડા ત્રણ દાયકામાં આવ્યું. પાંચ વર્ષ પૂર્ણ થયે મા-બાપ ધો.1માં નામ નોંધાવી દેતા. આજે 3 વર્ષના બાળકોનાં પ્રવેશમાં મા-બાપ અને બાળકનું ઇન્ટરવ્યું આપવું પડે છે, આવા ડિંડક આ યુગમાં ચાલી રહ્યા હોય ત્યાં બાળકના મનોવિજ્ઞાનને કોણ સમજે. મસમોટી ફીનો યુગ આવ્યો પહેલા વાલીઓને આવી કશી ચિંતા ન હતી. પહેલો પ્રાથમિક બપોરને હાઇસ્કૂલ સવારે ભણાવાતીને શનિવારે અડધો દિવસ હોય.

વરસની બે જ પરીક્ષા છ માસિક અને વાર્ષિકની સિસ્ટમ હતી

જ્હોન ડોલ્ટનની સ્વાધ્યાય પધ્ધતી અને ગાંધી વિચાર પ્રસારને પરિણામે નઇ તાલિમ તથા બુનિયાદી શિક્ષણ આવ્યું હતું. આ પધ્ધતિમાં છાત્રોને સર્વકળાઓનું શિક્ષણ મળી જતું હતું. શિક્ષણના ગોલ્ડન યુગમાં દફ્તર હળવું ફૂલ હતું. ત્યારનાં બચપણનાં દિવસોનો આનંદ, ધિંગા મસ્તી, મુક્તહાસ્યની સાથે ક્યારેય ભણી-ગણીને મોટા થઇ જતાં એ જ ખબર ના પડતી.આજે તો અંગ્રેજી શાળામાં ભણતા બાળકને માતૃભાષામાં પોતાનું નામ લખતા પણ નથી આવડતું.

શિક્ષણ પધ્ધતીમાં લાઇફ સ્કિલને વિશેષ મહત્વ આપો

આજના યુગમાં લાઇફ સ્કિલ એટલે કે જીવન કૌશલ્યોને વિશેષ મહત્વ આપવાનો સમય પાકી ગયો છે. બાળકના રસ-રૂચિ આધારિત અભ્યાસો હોવા જોઇએ. સમસ્યા ઉકેલ, સ્વવિકાસ કે નિર્ણયશક્તિ જેવી લાઇફ સ્કીલ છાત્રો હસ્તગત કરે તેવી શિક્ષણ પધ્ધતી હોવી જોઇએ. આજના પુસ્તિકીયા જ્ઞાનમાં આપણે આ મહત્વની બાબત ભૂલી ગયા છીએ. કલા શિક્ષણનું પણ મહત્વ હોવાથી છાત્રોનો સોળે કલાએ સંર્વાંગી વિકાસ થવો જરૂરી છે. બાળકને જે ભણવું કે શીખવું છે તે તેને મળે એવી શિક્ષણ પધ્ધતી હોવી જોઇએ. જીવન કૌશલ્યોનો છાત્રોમાં વિકાસ થશે તો જ તેનો સંર્વાંગી વિકાસ શક્ય બનશે. શાળા સંકુલ-શિક્ષકોએ આ બાબતે વિશેષ રસ લઇને કાર્ય કરવાની જરૂર છે. ઝડપથી સમજ કેળવાય તે માટેના શૈક્ષણિક રમકડાં થકી છાત્રોને શિક્ષણ મળે તેવી વ્યવસ્થા હોવી જોઇએ. બાળક જાતે સમસ્યા ઉકેલી શકે એવી ક્ષમતા સિધ્ધી મેળવે એ સૌથી શ્રેષ્ઠ શિક્ષણ પધ્ધતિ ગણી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.