Abtak Media Google News

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી-આર્ટ ઓફ લિવિંગ દ્વારા સાયન્સ સીટીમાં અદભૂત કાર્યક્રમ

દેશના યુવા ધનને નશાથી બચાવીને મજબુત રાષ્ટ્ર નિર્માણનું સ્વપ્નું સાકાર થઇ શકે અમદાવાદમાં આર્ટ ઓફ લિવિંગ, ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સીટી, ૠ20 સમિટ ના સંયુક્ત ઉપક્રમે “આઝાદી કા અમૃત મહોત્સવ” યોજના ના ભાગરૂપે “ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા” કાર્યક્રમનું આયોજન 15 માર્ચ ના રોજ સાયન્સ સીટી-અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.

આ દિશામાં, ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીની પ્રેરણાથી, આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા, 2019 માં “ડ્રગ્સ-ફ્રી ઇન્ડિયા” કેમ્પેઇન નો આરંભ કરવામાં આવ્યો હતો જેમાં પ્રખ્યાત બોલીવુડ અભિનેતા સંજય દત્ત એ, સ્વાનુભવ રજૂ કરીને પોતાનો સહયોગ આપ્યો હતો. કપિલ શર્મા, વરુણ ધવન, પરિણીતિ ચોપરા સહિત ફિલ્મ-ટીવી ના અનેક કલાકારોએ આ ઉદાત્ત કાર્યની પ્રશંસા કરીને, પોતાની ઉપસ્થિતિ દ્વારા સહયોગ આપ્યો હતો.

પ્રસ્તુત કાર્યક્રમમાં, ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી, કેબિનેટ મિનિસ્ટર-ઇન્ડસ્ટ્રી, સિવિલ એવિએશન, રૂરલ ડેવલપમેંટ શ્રી બળવંતભાઈ રાજપૂત, રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ  સંઘવી, અંદાજિત 5000 થી પણ વધુ યુવા-છાત્ર નેતાઓ, જીટીયુ ના કુલપતિ સહીત રાજ્યની યુનિવર્સીટીઓ ના વાઇસ ચાન્સેલર્સ, તથા ગુજરાતના અગ્રણી અને નામાંકિત વિવિધ ક્ષેત્રોના મૂર્ધન્ય કલાકારો: સાઈરામ દવે, ઓસમાન મીર, કિર્તીદાન ગઢવી, ગીતાબેન રબારી, આદિત્ય ગઢવી, કિંજલ દવે, જીગરદાન ગઢવી, હિતુ કનોડિયા, ભક્તિ કુબાવત, યતિ ઉપાધ્યાય ગઢવી, સ્મિત પંડ્યા, મોનલ ગજ્જર, મિતાલી મહંત, આરજે દિપાલી, આરજે સિડ, ધારા શાહ, અલ્પાબેન પટેલ, આંચલ શાહ, મીરાંદે શાહ, જગદીશ ત્રિવેદી, મલ્હાર ઠાકર, નીતુ જૈન તથા અન્ય કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ નો પ્રારંભ ગુજરાત ના ખ્યાતનામ કલાકારો ધારાબેન શાહ અને મિતાલી મહંત એ, કંઠ્ય સંગીતની સુંદર કૃતિઓ દ્વારા કર્યો. લવ યુ જિન્દગી ની પ્રસ્તુતિ સાથે, Say No to drugs, Say yes to life, happiness and enthusiasmનો  તેમણે સંદેશ આપ્યો. આરજે સીડ અને આરજે દિપાલી એ પ્રેરણાદાયી વક્તવ્ય દ્વારા યુવાઓમાં ઉત્સાહનો સંચાર કર્યો. મીરાંદે શાહ અને જિગરદાન ગઢવીએ પોતાની સુંદર રચનાઓ રજૂ કરી.

ત્યાર બાદ પ્રખ્યાત બોલીવુડ કલાકાર મનોજ જોશી એ જણાવ્યું કે આજે ભારત પાસે સૌથી વધુ માત્રામાં યુવા ધન છે. અને એટલે જ તેને નિર્બળ બનાવવા આ દૂષણ વધુ ને વધુ ફેલાવાઈ રહ્યું છે. તેમણે વિદ્યાર્થીઓને મંત્ર આપ્યો કે – ચલો, ભારત કો વિકસિત બનાયે, નશે કો પૂરે દેશ સે ભગાયે! પ્રખ્યાત બોલીવુડ કલાકાર સંજય દત્ત એ વિડીયો મેસેજમાં જણાવ્યું કે ડ્રગ્સ ને ના કહો. તમારો મિત્ર આવીને કહે તો પણ દ્રઢતાપૂર્વક ના કહો. દોસ્ત કહેશે કે બધા લે છે, તું પણ લે, -, તેને સાંભળો નહીં, સ્પષ્ટ ના કહો. તે કહેશે એક વાર માં શું થાય- તેને સ્પષ્ટ ના કહો. હું જાણું છું કે એક વાર માં જ આદત લાગે છે. એટલે જ કહું છું, મત સુનો- સ્પષ્ટ ના કહો.

જીટીયુના રજિસ્ટ્રાર શ્રી કે. એન. ખેર પોતાનાં સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે જી20 સમિટમાં જ્યારે આપણો દેશ અધ્યક્ષ સ્થાને છે, ત્યારે આર્ટ ઓફ લિવિંગ અને જીટીયુ ના સંયુક્ત ઉપક્રમે ડ્રગ-ફ્રી ઈન્ડિયા અભિયાન નો પ્રારંભ કરતાં હું હર્ષની લાગણી અનુભવું છું.

કીર્તીદાનભાઈ ગઢવી, ઓસમાન મીર, મલ્હાર ઠાકર, હીતુ કનોડિયા, કિંજલ દવે તથા ગીતાબેન રબારી એ પોતાની કલાની ઝલક રજૂ કરી. જીટીયુ ના વાઇસ ચાન્સેલર ડો. પંકજરાય પટેલ એ પણ આર્ટ ઓફ લિવિંગના સેવા કાર્યોની પ્રશંસા કરી હતી તથા યુવાનોને ડ્રગ્સના ક્ષણિક અનુભવ કરતાં, સેવા જેવાં અન્ય સ્ત્રોતમાંથી ચિરસ્થાયી પ્રસન્નતા મેળવવા માટે કાર્યો કરવા સૂચન કર્યું હતું.

ત્યારબાદ કેબિનેટ મિનિસ્ટર-ઇન્ડસ્ટ્રી, સિવિલ એવિએશન, રૂરલ ડેવલપમેંટ  બળવંતભાઈ રાજપૂત એ આર્ટ ઓફ લિવિંગની સેવાઓને બિરદાવી હતી તથા ગુજરાત સરકાર ને પણ આર્ટ ઓફ લિવિંગ એ અનુદાન આપ્યું છે તે માટે આભાર વ્યક્ત કર્યો હતો.

પૂજ્ય ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી એ ઉપસ્થિત બધા વિદ્યાર્થીઓને શપથ લેવડાવ્યા કે નશા ના કરેંગે, ના કરને દેંગે તેમણે જણાવ્યું કે પરિવારમાં થી એક વ્યક્તિ નશો કરે છે તો સમગ્ર પરિવાર દુખી થાય છે.

રાજ્યના ગૃહ મંત્રી  હર્ષભાઈ સંઘવીએ ગુરુદેવ શ્ર્રી શ્રી રવિશંકરજી પ્રતિ આભાર વ્યક્ત કરીને, ગુજરાત સરકારનાં કાર્યોની પણ પ્રશસ્તિ કરી. તેમણે જણાવ્યું કે દરિયાઈ માર્ગે થતી ડ્રગ્સની તસ્કરીને રોકીને, દોઢ વર્ષમાં 5300 કરોડનું ડ્રગ્સ સરકારે પકડીને યુવાનોની જિંદગી ધૂળ-ધાણી થતી અટકાવી છે. ગત વર્ષમાં ગુજરાત સરકારે 800 જેટલા વિદ્યાર્થીઓને ડ્રગ્સ લેતા પકડ્યા છે, પરંતુ પોલીસને હવાલે કરવાને બદલે, તેમનાં માતા-પિતા સાથે બેસીને આ સમસ્યાનું નિરાકરણ કર્યું છે. નશાની ગંભીર અસરો વિષે તેમણે યુવાનોને સાવચેત કર્યા અને ડ્રગ્સ ફ્રી ઈન્ડિયા અભિયાનમાં જોડાઈ જવા પ્રેરણા આપી.કાર્યક્રમના સમાપન પછી ગુજરાતની અગ્રણી યુનિવર્સિટીઓ ના કુલપતિઓ ની બેઠક યોજાઇ હતી, જેમાં યુવા વિકાસ, વિદ્યાર્થીઓમાં નશાકીય પ્રવૃત્તિ ને રોકવાના ઉપાયો તથા પર્યાવરણ સુરક્ષા અંગેની વિશદ ચર્ચા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.