Abtak Media Google News

નાટક ફિલ્મોના સફળ કલાકારોની સફળતા પાછળ તેનો પ્રારંભનો મુશ્કેલી ભર્યો સમય તેને ઘણુ શીખવે છે. કોકોનેટ થિયેટરની એકેડેમીક સેશનમાં વિવિધ કલાકારો પોતાના અનુભવો શેર કરીને યુવા કલાકારોને માર્ગદર્શન આપી રહ્યા છે. છેલ્લા બે માસથી ચાલી રહેલ શ્રેણી-3 માં આગામી દિવસોમાં જાણિતા કલાકારો આવવાના છે.

કોકોનટ થિયેટર પ્રસ્તુત ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણી

રોજ સાંજે 6 કલાકે આ શ્રેણી‘અબતક’ના સોશિયલ મીડિયાના ફેસબુક પેઇજ લાઇવ નિહાળી શકો છો

જીવન એક સંઘર્ષ છે પણ એ સંઘર્ષને આનંદ સાથે અપનાવીને  હસતા હસતા કેમ જીવવું તેનું જીવંત ઉદાહરણ એટલે ગુજરાતી રંગભૂમિને પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર  ભીમ વાકાણી. ગઇકાલે કોકોનટ થિયેટરના ચાય વાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સિઝન 3 માં  ભીમ વાકાણી પધાર્યા. લેખક-દિગ્દર્શક અભિનેતા તરીકે ગુજરાત સરકારના ગૌરવ પુરસ્કાર વિજેતા ભીમભાઇ એ “નસ નસમાં નાટક અને રગ રગમાં રંગમંચ” એ વિષય પર લાઈવ સેશન કર્યું.

એક સરસ મજાની મૌલિક કવિતા સાથે શરૂઆત કરી, ઘરની પરિસ્થિતિ સારી ન હોવા છતાંય સ્ટ્રગલ કરીને કેવી રીતે નાટકોમાં કામ મેળવ્યું, બેકસ્ટેજ થી શરૂઆત કરી, પડદા પાછળ નાના નાના કામો કરતા નાટકોમાં એકાદ એન્ટ્રી થી શરૂઆત કરી. અને પોતાના મનમાં અભિનેતા બનવાનો શોખ જીવંત રાખ્યો. નાટકોમાં કામ મેળવવતા ધીમે ધીમે આગળ વધ્યા,  ગુજરાતી રંગભૂમિના લગભગ દરેક મોટા કલાકારો સાથે અભિનય કરવાની તક મળી.

 

વિશ્વ આખામાં જેમની દીકરી દિશા વાકાણી ’દયાબેન’ તરીકે પ્રખ્યાત છે એમના પિતા ભીમ વાકાણી ની વાતો માં આજે જરાય અભિમાન કે ગર્વ ન્હોતો. સામાન્ય કલાકારની જેમ એ ભાવવિભોર બનીને નસ નસમાં નાટક વિશે બોલી રહ્યા હતા, અને રગ રગ માં રંગમચ વહેતુ દેખાતું હતું. પોતાની ભૂલ સહજ રીતે સ્વીકારી ને કઈ રીતે આગળ વધવું, ના અટકે તે નાટક , શો મસ્ટ ગો ઓન ના નિયમને જીવનમાં ઉતારી ચૂકેલ ભીમભાઈ ના વક્તવ્ય પરથી આજે ઘણું શીખવા મળ્યું ખૂબ જ નિખાલસ ભાવે એમનાં નાટકો ના પ્રસંગો અને સંવાદો પ્રેક્ષકો સામે રજૂ કર્યા.

સાથે જ સમગ્ર પરિવાર જે રંગભૂમિના સમર્પિત છે એની પણ વાતો કરી બાળનાટકો થી માંડી પ્રાયોગિક અને પછી વ્યવસાયીક રંગભૂમિ પર કઈ રીતે આગળ વધ્યા એની નાની નાની વાતો ભીમ ભાઈએ કરી. ગુજરાતમાં જ્યારે રાયોટસ થયા હતા એ દરમિયાન પણ પંચમહાલના જંગલોમાં સરકાર તરફથી સમગ્ર પરિવાર નાટક ભજવવા જતા જેમાં માત્ર પાંચસો રૂપિયા મળતા. ત્યારે પત્ની શિક્ષક હતા જે શાળા નું કામ પતાવી બસમાં કે ખટારામાં સફર કરતા જંગલોમાં સમયસર નાટક ભજવવા પહોંચી જતાં. ખૂબ બધી સ્ટ્રગલ ભીમભાઇ એ પોતાના જીવનમાં કરી છે. એ વિશેની એમણે ખૂબ જ ઉત્સાહપૂર્વક અને આનંદથી વાતો કરી. એમના અનુભવો સાંભળીને આજની યુવા પેઢીને લાગે કે અમારી સ્ટ્રગલ તો કંઈ જ નથી. ભીમ ભાઈ ને ખરેખર સલામ છે.

દરેક યુવાનોએ નિર્માતા-દિગ્દર્શક કે રંગમંચના કોઈપણ કલાકાર એ ભીમભાઈ નું આજનું સેશન ખરેખર શાંતિથી જોવું જોઈએ જે તમે કોકોનટ થિયેટરના ફેસબુક પેજ ઉપર જોઈ શકશો.જો તમને અભિનયમાં કે નાટકના કોઈપણ વિભાગમાં ઇન્ટરેસ્ટ હોય તો તમારે આ સેશન જોવું જ જોઈએ.ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને તથા રંગભૂમિ સાથે સંકળાયેલા મહાનુભાવોને જોવા અને સાંભળવા કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6:00 વાગ્યે લાઈવ જોઈ શકો છે. આવનારા મહેમાનોમાં યઝદી કરંજીયા, જયેન્દ્ર મહેતા, ઉત્કર્ષ મઝુમદાર જેવા રંગભૂમિનાં પ્રખ્યાત મહેમાનોને લાઈવ જોઈ શકશો. તો આજે જ કોકોનટ થિયેટરનાં ફેસબુક પેજ ને લાઈક એન્ડ ફોલો કરીને મનગમતાં કલાકારોને માણી શકો છો.

આજે જાણીતી અભિનેત્રી જયશ્રી પરીખ

Img 20210610 Wa0030

‘રંગભૂમિએ મને શું શીખવ્યું’ આ વિષય ઉપર કોકોનેટ થિયેટરની ‘ચાય વાય અને રંગમંચ’ શ્રેણીના એકેડેમીક પાર્ટમાં ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા જાણીતી અભિનેત્રી જયશ્રી પરીખ આજે સાંજે 6 વાગે લાઇવ આવીને પોતાના અનુભવો સાથે દર્શકોના પ્રશ્ર્નોના જવાબો  પણ આપશે. ગુજરાતી તખ્તાને સંગ આ શ્રેણીમાં દરરોજ નામાંકિત કલાકારોને લાઇવ જોવા સાંભળવાનો અનેરો મોકો છે જેને કારણે યુવા કલાકારોને સારુ માર્ગદર્શન મળી રહ્યું છે. ઘણા નાટકોમાં ઉત્કૃષ્ટ અભિયન કરનાર આ કલાકારને માણવાનું ચુકશો નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.