Abtak Media Google News
ગુરૂકુલના અમૃત મહોત્સવ નિમિતે
150 વીઘા જગ્યામાં અદ્ભૂત પ્રદર્શન: દર્પણ, ફાનસ અને ઝુમરનો ઝળહળાટ તેમજ ગુફા, ફલાવર સર્કલ, તળાવ, ફુવારા આર્ટગેલેરી વગેરેનું આકર્ષણ

નીલકંઠની યાત્રા સાથેનો લાઈટ અને સાઉન્ડ શો

સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય સંદેશ મુજબ શાસ્ત્રીજી મહારાજ  ધર્મજીવનદાસજીસ્વામીએ સ્થાયેલ સ્વામિનારાયણ ગુરુકુલ, રાજકોટ સંસ્થાને 75 વર્ષ પૂર્ણ થતા તા. 22 થી 26 ડિસેમ્બર 2022 સુધી રાજકોટની મવડી ચોકડી નજીક આવેલ મવડી- કણકોટ રોડ પર ઐતિહાસિક અમૃત મહોત્સવનું આયોજન કરાયેલ છે. તે પર્વે મહોત્સવ સ્થળ સહજાનંદનગર ખાતે અમૃત સાગર સાંસ્કૃતિક પ્રદર્શન યોજાનાર છે. પ્રદર્શનનું ઉદઘાટન તા.10 ડિસેમ્બર સાંજે થશે.

અપરંપાર આકર્ષણ ધરાવતા અમૃત સાગર પ્રદર્શનનો સમય તા.11 થી 26 ડિસેમ્બર સુધી દરરોજ સવારે 10 થી સાંજના  8 વાગ્યા સુધીનો રહેશે. શૈક્ષણિક સંસ્થાઓ તરફથી આવતા વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ પ્રદર્શની નિશુલ્ક   રહેશે . તેમજ 5 થી 12 વર્ષ સુધીના અન્ય બાળકો માટે શુલ્ક રૂપિયા 30 અને 12 વર્ષ થી મોટી ઉંમરના મુલાકાતઓ માટે વ્યક્તિદીઠ પ્રવેશ ફી રૂપિયા 50 રહેશે. પ્રવેશ શુલ્ક તરીકે થનાર આવક ગુરુકુળ ની વિદ્યા પ્રોત્સાહન પ્રવૃત્તિમાં વપરાશે. ગુરુકુળ દ્વારા ગુજરાતના આદિવાસી વિસ્તારમાં વિદ્યાર્થીઓને વિનામૂલ્ય ભણાવવામાં આવે છે.

પ્રદર્શનમાં આવતા લોકોને તા.22 થી 26 ડિસેમ્બર સુધી દરરોજ સવારે  6 થી રાત્રે  10 વાગ્યા સુધી યજ્ઞ દર્શન, જળાભિષેક, સત્સંગ કથા શ્રવણ વગેરેનો લાભ મળશે. સમગ્ર આયોજનને આચાર્ય  રાકેશપ્રસાદદાસજી મહારાજના રૂડા આશીર્વાદ મળ્યા છે.

આબાલ વૃદ્ધ સૌને ગમે તેવા પ્રદર્શ

નનો સહ પરિવારનો લાભ લેવા ગુરુવર્ય   દેવકૃષ્ણદાસજી સ્વામી અને મહંત સ્વામી  દેવપ્રસાદદાસજી સ્વામીએ ભાવભીનું આમંત્રણ પાઠવ્યુ છે.

કલાકૃત રમણીય પ્રવેશદ્વાર

અમૃત સાગર સાંસ્કૃતિક પ્રદર્શનમાં પ્રવેશતાની સાથે જ રમણીય કલાકૃત પ્રવેશ દ્વાર ઉષ્માભર્યું સ્વાગત કરશે. પ્રવેશતાની સાથે જ 25 ફૂટ ઊંચા સુવર્ણમંડિત કલાકૃત કળશ મંદિરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય દર્શન થશે. આગળ વિશાળ હરિયાળા બગીચામાં અમૃત મહોત્સવનો મોનોગ્રામ તથા સેલ્ફી પોઈંટ હશે..

લાઈટ એન્ડ સાઉન્ડ શો અને ગુરૂકુલ સંસ્કૃતિ મંડપ

180 ડિગ્રી મેપિંગ પ્રોજેક્શન લાઈટ એન્ડ સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ અને ભારતીય શાસ્ત્રીય સંગીત નૃત્ય સાથે ભગવાન શ્રી સ્વામિનારાયણના યુવા સ્વરૂપ શ્રી નીલકંઠવર્ણીની 12,000 કિલોમીટરની રોમાંચક પદયાત્રા તેમજ લીલા ચરિત્ર દર્શન કરાવાશે.

આ મંડપમાં આજની અર્થ અને કામમાં સંકુચિત થયેલી શિક્ષણ પદ્ધતિની જગ્યાએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની વિશાળ દ્રષ્ટિ ધરાવતી ’ગુરુકુલ સંસ્કૃતિ’ પ્રસ્થાપિત થાય તેવા શુભ હેતુથી ગુરુકુલ પરંપરાના દર્શન કરાવાશે. જેમાં વશિષ્ઠ, સાંદિપની જેવા  ઋષિમુનિ – આચાર્યોના આશ્રમોમાં શીખવવામાં આવતી શસ્ત્રકળા, કાષ્ટકળા, નૃત્ય કળા, સંગીત કળા, શિલ્પ કળા જેવી 64 કળાઓના અદભૂત દર્શન કરાવાશે. વળી આપણી એ ભવ્ય શૈક્ષણિક પદ્ધતિઓ કે જેમાંથી એક સામાન્ય બાળક પણ મહામાનવ સુધીની સફર કરી શકતો. જે શિક્ષણ પદ્ધતિએ ભારતને વિશ્વગુરુ તરીકે પ્રસ્થાપિત કર્યો હતો. તેવી ’ગુરુકુલ સંસ્કૃતિ’ નું  સ્કલ્પ્ચરો, પેઇન્ટિંગ્સ, કલાકૃતિઓ તેમજ વિવિધ સ્થાપત્યો દ્વારા દર્શન કરાવાશે.

પ્રાચીન વિદ્યાપીઠો અને ગુરૂકુળના સ્થાપકનું જીવનદર્શન

આ ડોમમાં ભારતની એ ભવ્ય અને સુવિકસિત શિક્ષણ પદ્ધતિ કે જેમાં દેશ દુનિયાના લાખો બાળકો જીવન વિકાસના પાઠો શીખવા માટે આવતા. તેના કેન્દ્ર સમી નાલંદા , તક્ષશિલા અને વલ્લભી વિદ્યાપીઠના દર્શન કરાવાશે. સાથે ભારતની એ ભવ્ય ધરોહરનો નાશ કરવા માટે પાશ્ચાત્ય સંસ્કૃતિના ઈરાદાપૂર્વકના આક્રમણો અને તેનાથી થયેલ નુકશાન પ્રદર્શીત કરાવાશે.

આ ડોમમાં 20 મી સદીના એક મહાન યુગ પુરુષના દર્શન કરાવાશે. કે જેમણે લુપ્તપ્રાય બનેલી ભારતીય સંસ્કૃતિની ધરોહર એવી ગુરુકુલ પરંપરાને પુન:જીવિત કરી. 1948માં રાજકોટ ખાતે સ્થપાયેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના સ્થાપક, સ્વામિનારાયણીય સંત વિભૂતિ સદવિદ્યા, સદ્ધર્મ રક્ષક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનું જીવન દર્શન કરાવાશે. તેમજ ભગવાન શ્રી સ્વામિનારાયણની આજ્ઞા અને ઉપાસનામાં આજ સુધી અણીશુદ્ધ રહેલ એવા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતોના જીવન દર્શન કરાવાશે.

અર્વાચીન ગુરુકુલ સંસ્કૃતિ, પ્રાકૃતિક ખેતી મંડપ

આ ડોમમાં 360 ડિગ્રી મેપિંગ પ્રોજેક્શન અને સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમનો તમે રોમાંચ માણી શકશો. હાલ રોજના 1 એક રૂપિયા જેવી નજીવી ફીમાં  ’શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન’ માં સંતો દ્વારા કરવામાં આવતા બાળકોના સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓ જોવા મળશે. એ સાથે બાળકોના જીવન શિલ્પના ઘડવૈયા એવા સંતોના જીવન દર્શન કરાવવામાં આવશે. તેમજ સંસ્થાની ધાર્મિક , સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓને પ્રદર્શિત કરાશે.

ઈસ્વીસન 1960ના દશકા દરમિયાન ભારતમાં અનાજની અછત થઈ. એના કારણે હરિયાળીક્રાંતિ દ્વારા રાસાયણિક ખાતરો તેમજ દવાઓનો ભરપૂર ઉપયોગ થવા લાગ્યો. ઉત્પાદન અનેકગણું વધ્યું પરંતુ સાથે સાથે કેન્સર, હાર્ટએટેક, ડાયાબીટીસ જેવા ભયંકર રોગો પણ વધ્યા. જેનું નુકસાન આજે સમગ્ર જીવ સૃષ્ટિએ ભોગવવું પડે છે. પરિણામે ફરીથી પ્રાકૃતિક ખેતીની જરૂરિયાત ઊભી થઈ. આ પ્રાકૃતિક ખેતી ભવિષ્યમાં સમગ્ર જીવ સૃષ્ટિ માટે અમૃત સમાન બની રહે તેવા હેતુથી આ ડોમમાં પ્રાકૃતિક ખેતી વિશેની માહિતીઓ તેમજ ફાયદાઓ પ્રદર્શિત કરાયા છે.

છપૈયા અયોધ્યા દર્શન અને ઐતિહાસીક ઝાલરીયો પથ્થર

બાળ લીલા દર્શન દ્વારા 240 વર્ષ પહેલાનું ભગવાન શ્રી સ્વામિનારાયણનું જન્મસ્થાન તેમજ જ્યાં બાળ લીલાઓ કરી હતી તેવી આધ્યાત્મિક નગરી  જેવા પવિત્ર તીર્થ સ્થાનોની પ્રતિકૃતિ સ્વરૂપ છપૈયા અને અયોધ્યા નગરીનું નિર્માણ કરાયું છે.જેમાં જે તે સમયની સંસ્કૃતિને  ઉજાગર કરતા પૌરાણિક ગ્રામ્ય સંસ્કૃતિને તરોતાજા કરતા પ્રવેશ દ્વાર, મંદિરો, સરોવરો, મકાનો, ખેતર-વાડીઓ , વૃક્ષ-વેલીઓ, જે તે સમયની રીત ભાતો અને પહેરવેશોના સ્થાપત્યો દ્વારા ભવ્ય ગ્રામ્યસંસ્કૃતિ દર્શન સાથે ભગવત બાળ લીલાઓનું સ્મરણ કરાવશે.

ભગવાન શ્રી સ્વામિનારાયણ 200 વર્ષ પહેલા સૌરાષ્ટ્રના બાબરા નજીકના કરિયાણા ગામ પધારેલા. અહીં કાળુભાર નદીને કિનારે પર્વત પર વિચરતા હતા. સંધ્યા આરતી સમય થતાં ભકતોએ કહ્યું : ઝાલરટાણું – આરતીનો સમય થયો છે. ભગવાન કહે : આપણે અહીં જ આરતી કરીએ. ભકતો કહે. અહીં ઝાલર – બેલ નથી. શું વગાડીશું ? ભગવાનને કહ્યું.: આ પત્થર વગાડો , એ ઝાલર જેમ વાગશે. ભક્તોએ વિસ્મય ભાવે મોટા પથ્થરને નાના પત્થર પર ડંકાની જેમ વગાડ્યો તો પત્થરમાંથી ઝાલર – બેલ જેવો અવાજ આવ્યો. ! આજે તમે પણ આ પથ્થરને વગાડશો તો પથ્થરમાંથી ઝાલર જેવો અવાજ આવશે! તમને ઝાલરીયા પથ્થરના દર્શન તેમજ ઝાલરનો નાદ સાંભળવા મળશે.

મહિલા ઉત્કર્ષ મંડપ અને જ્ઞાન જયોતિ મંડપ

’જ્યાં નારીઓનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે.’ અને જે સંસ્કૃતિમાં ’નારી તું નારાયણી’ એમ નારીને નારાયણ તુલ્ય બિરુદ મળ્યું, એવી સનાતન હિન્દુ સંસ્કૃતિએ મહિલા સન્માનને આદિકાળથી અનેરું સ્થાન આપ્યું છે. અને તેમાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયના વિકાસ અને વિસ્તારમાં મહિલાઓનું યોગદાન પુરુષો કરતાં સવાયું રહ્યું છે. તેમને ધ્યાનમાં રાખીને મહિલા ઉત્કર્ષની તેમજ ગર્ભ સંસ્કારની યથાયોગ્ય માહિતી મળી રહે તેવા હેતુથી આ મંડપ પ્રદર્શિત કરાયો છે. આ મંડપમાં 100 -100 ફૂટની વિશાળ જગ્યામાં 360  એંગલથી લગાવેલ દર્પણ અને 150 જેટલા  જ્યોતિર્ધર ફાનસો તેમજ ઝુમ્મરો દ્વારા દિવ્ય પ્રકાશિત જ્ઞાન જ્યોતિની અનુભૂતિ  કરાવાશે.

 ઇલ્યુઝન પાર્ક

બાળકો તેમજ યુવાનો ના મનોરંજનાર્થે આ ખંડમાં  હેરત પમાડનારા, દ્રષ્ટિ ભ્રમ કરનારા મેજીક ઈલ્યુઝનો, ગમ્મત સાથે જ્ઞાન મળે તેવા પ્રયોગો તેમજ અંધશ્રદ્ધાથી ભ્રમિત કરનાર ઘટનાઓના વૈજ્ઞાનિક ખુલાસાઓ સાથે મોરલ પૂરું પાડનાર અભ્યાસોના વર્ણન આ ખંડમાં કરવામાં આવ્યા છે.

તદુપરાંત યુવા જાગૃતિ માટે ’વ્યસનમુક્તિ ટેલીફિલ્મ’, પરિવારની એકતા માટે ’પારિવારિક ટેલીફિલ્મ’ બાળકો માટે વિજ્ઞાન જગતની તર્ક વિતર્કથી વણાયેલી અદભૂત રચનાઓ વડે સજ્જ ’સાયન્સ સીટી’ વિદ્યુત પ્રકાશિત માનવસર્જિત બગીચો એટલે કે ’ગ્લો ગાર્ડન’  ટોય ટ્રેન, ફ્લાવર ટ્રેન, ઝૂલતો પુલ, વિવિધ સ્કલ્પ્ચરોથી ઘડાયેલ ભગવત દર્શન તેમજ લીલા ચરિત્ર દર્શન કરાવતી વિશાળ ગુફાઓ, 50 ડ્ઢ 50 ફૂટનું આકર્ષક ગ્રીન હવાઈ જહાજ, નાળીયેરીની હરિયાળી તથા વનરાઈઓથી ઘેરાયેલ 25 વીધામાં પથરાયેલ આબાલ વૃદ્ધ સૌ કોઈને થનગનાવતો આનંદ મેળો, અલ્પાહાર માટે સહજાનંદ પ્રસાદમ. સાત્વિક પ્રેરણાદાયી સાહિત્ય તથા પૂજા સામગ્રીઓનો ધાર્મિક સ્ટોર્સ વગેરેની પણ વ્યવસ્થા કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.