અરવિંદ કેજરીવાલ રાત્રે ગુજરાતમાં કાલે રાજકોટમાં વેપારીઓ સાથે બેઠક

રાજકોટ એરપોર્ટ પર આગમન થયા બાદ સોમનાથ જવા રવાના થશે: કાલે સોમનાથમાં ધ્વજા રોહણ, બપોરે રાજકોટમાં જીએસટી સંદર્ભે વેપારીઓ સાથે બેઠક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે. તેમ-તેમ આમ આદમી પાર્ટીના કન્વિનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ગુજરાતમાં આંટાફેરા વધી રહ્યા છે. આજથી ફરી કેજરીવાલ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. દરમિયાન આગામી 1લી ઓગસ્ટે ફરી તેઓ ગુજરાતમાં આવશે અને સોમનાથમાં એક જંગી જાહેરસભા સંબોધશે.

ગત 21મી જુલાઇના રોજ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેઓ ચાર જ દિવસના ટૂંકા અંતરાલ બાદ ફરી રાજ્યના ફરી એકવાર મહેમાન બની રહ્યા છે.

આજે સાંજે તેઓ હિમાચલ પ્રદેશથી રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચશે. અહીં ટૂંકુ રોકાણ કર્યા બાદ તેઓ ચાર્ટડ ફ્લાઇટમાં કેશોદ પહોંચશે. જ્યારે બાય રોડ તેઓ સોમનાથ પહોંચશે. સોમનાથમાં રાત્રિ રોકાણ કર્યા બાદ તેઓ સવારે સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવશે. આવતીકાલે બપોરે તેઓ રાજકોટના વેપારીઓ સાથે જીએસટી સહિતના પ્રશ્ર્નોને લઇ બેઠક યોજશે. વેપારીઓને પડતી મુશ્કેલીઓ તેઓ સાંભળશે.દરમિયાન આગામી 1લી ઓગસ્ટના રોજ ફરી એકવાર અરવિંદ કેજરીવાલ ગુજરાતની મૂલાકાતે આવશે. તેઓ સોમનાથ મહાદેવને શીશ ઝૂકાવી ધ્વજા રોહણ કર્યા બાદ સોમનાથથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વ્યૂગલ ફૂંકશે. સોમનાથમાં જંગી જાહેરસભા સંબોધશે.