અમદાવાદમાં 12 જૂનના રોજ ખૂબ જ દુખદ પ્લેન ક્રેશ થવાની ઘટના બની હતી. અમદાવાદથી લંડન જતું પ્લેન ઉડતાની સાથે જ માત્ર એક જ મિનિટ જેટલા ટૂંકા સમયમાં ક્રેશ થઈ ગયું હતું. જે ઘટનામાં એક મુસાફરને બાદ કરતાં તમામના મોત નિપજ્યાં હતા. તેમજ આ મુસાફરોમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ દુખદ મોત નીપજ્યું છે. એક સાથે 200થી વધુ લોકોના મોતની ઘટનાથી આખું ગુજરાત હિબકે ચડ્યું છે. તેમજ રાજ્યભરમાં ઠેર ઠેર દિવંગતોને શ્રધ્ધાંજલિ પાઠવવામા આવી હતી.
રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અવસાન બાદ અંતિમ યાત્રા અને પ્રાર્થના સભા યોજાઇ હતી, જેમાં રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યાં હતા. પ્રાર્થના સભામાં આવેલ તમામએ વિજયભાઈને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.
View this post on Instagram
માત્ર ભાજપના જ નહીં પરંતુ અન્ય પાર્ટીના રાજકીય આગેવાનો પણ શ્રધ્ધાંજલિ પાઠવવા પહોંચ્યા હતા. જેમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે વિજયભાઈ રૂપાણીને શ્રધ્ધાંજલિ પાઠવતા જણાવ્યું હતું કે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ક્રેશ થવાની ઘટના બની હતી. વિમાની દુર્ઘટના ખૂબ જ ભયાનક ઘટના હતી. આ ઘટનામાં વિજયભાઈ રૂપાણી પણ સ્વર્ગે સિધાવ્યા છે. વિજયભાઈને ચાહવાવાળા ગુજરાત અને સમગ્ર દેશમાં મોટી સંખ્યામાં લોકો છે. ત્યારે તેમના મૃત્યુથી ચાહકોને ખૂબ મોટો ધક્કો લાગ્યો છે. અત્યારે હું શ્રધ્ધાંજલિ સભામાં તેમણે શ્રધ્ધાંજલિ અર્પણ કરવા પહોંચ્યો છું. તેમના ધર્મપત્ની, પુત્ર અને અન્ય પરિવારજનોને મળ્યો હતો. અને મારી સંવેદના પ્રગટ કરી હતી. તેમજ હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેમની આત્માને શાંતિ આપે અને ભગવાનના ચરણોમાં તેમને સ્થાન આપે.