વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટ રૂપે ૬ઠ્ઠી કડીમાં ૩૯ MOU  સાથે કુલ ૧૩૫ MOU થયા

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-VGGS પૂર્વે પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટ રૂપે MOUની દર સોમવારે યોજાતી શૃંખલાની ૬ઠ્ઠી કડી પૂર્ણ.

દર સોમવારે યોજાતી શ્રૃંખલા માં ૬ઠ્ઠી કડીમાં ૩૯ MOU  સાથે કુલ ૧૩૫ MOU થયા.

ઇજનેરી સહિતના વિદ્યાર્થીઓને રિસર્ચ એન્ડ ટ્રેનિંગ-ફોરેન્સીક સાયન્સ રિલેટેડ પ્રોગ્રામ- ત્રણ આદિજાતિ જિલ્લાના પોલીસ કર્મીઓના માનસિક શારીરિક સ્વાસ્થ્ય માટેના કોર્ષ ડિઝાઇન અંગેના- આયુર્વેદ અને હોમીયોપેથી માં શોધ સંશોધન સહિત ના એમ.ઓ.યુ થયા

૬ઠ્ઠી શૃંખલામાં ૭ જેટલા સ્ટ્રેટેજિક એમ.ઓ.યુ નો સમાવેશ

આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની પ્રગતિ તથા સફળતાને વિશ્વમાં ઉજાગર કરનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ૧૦મું સંસ્કરણ જાન્યુઆરી ૧૦ થી ૧ર – ર૦૨ર દરમ્યાન યોજાવાનું છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત આયોજનમાં ર૦૦૩થી શરૂ થયેલી આ વાયબ્રન્ટ સમિટે ગુજરાતને ગ્લોબલ ડેસ્ટીનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કર્યુ છે.

વાયબ્રન્ટ સમિટની આગામી ૧૦મી એડીશનના પૂર્વાધરૂપે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્યના ઉદ્યોગ વિભાગે દર સપ્તાહના પ્રથમ દિવસ એટલે કે સોમવારે વિવિધ ક્ષેત્રોમાં સૂચિત રોકાણો માટેના MOU કરવાનો ઉપક્રમ શરૂ કર્યો છે.

                આ સોમવારે તદઅનુસાર પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટ અન્વયે ૬ઠ્ઠી કડીમાં ૩૯ MOUs સંપન્ન થયા હતા.

શિક્ષણ મંત્રી શ્રી જિતુભાઇ વાઘાણી અને ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતીમાં ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ આ MOU સંબંધિત રોકાણકારો સાથે પરસ્પર એક્સચેન્જ કર્યા હતા.

આ સૂચિત રોકાણો માટેના જે ૩૯ એમ.ઓ.યુ થયા તેમાં ગુજરાત જલ સેવા તાલીમ સંસ્થાએ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ માટેના, ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી અને ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી વચ્ચે ફોરેન્સીક સાયન્સ રિલેટેડ પ્રોગ્રામ તેમજ સ્કીલ્ડ હ્યુમન રિસોર્સિસના સ્ટ્રેટેજિક MOU થયા હતા.

ઉદ્યોગ ક્ષેત્રે રોકાણો ઉપરાંત રાજ્યની શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી અને પંચમહાલ-ગોધરા મહીસાગર જિલ્લા પોલીસ વચ્ચે પોલીસ સ્ટાફના માનસિક-શારીરિક સ્વાસ્થ્ય અને જાહેર વહીવટ તેમજ કાનૂની ક્ષેત્રે સ્કીલ ડેવલપમેન્ટના MOU થયા હતા.

આ ઉપરાંત સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીએ રિસર્ચ એન્ડ ઇનોવેશન સેન્ટર ફોર સસ્ટેઇનેબલ એનર્જી અને ટેક્નોલોજી રિસર્ચ માટેના MOU તથા સેન્ટ્રલ ઇન્સ્ટીટયુટ ઓફ પેટ્રોકેમિકલ્સ એન્જીનીયરીંગ એન્ડ ટેક્નોલોજી દ્વારા સરકારી પોલિટેકનીક તથા ડિગ્રી ઇજનેરી કોલેજોના વિદ્યાર્થીઓને તાલીમ કાર્યક્રમના MOU થયા હતા.

                અમરેલીમાં એરપોર્ટ ફલાઇંગ ટ્રેનિંગ ઇન્સ્ટીટયુટ માટેના MOU પણ આ ૬ઠ્ઠી કડીમાં સંપન્ન થયા હતા.

આ સ્ટ્રેટેજિક MOU ઉપરાંત કેપ્ટીવ જેટી પ્રોજેક્ટ, કેપ્ટીવ સોલાર પાવર પ્લાન્ટ, રાજ્યમાં પ્રથમ લિથીયમ રિફાઇનરી વિકસાવવાના, ગ્રીન રિન્યુએબલ હાઇડ્રોજન ફેસેલીટી માટેના, જંતુનાશક ઇન્ટરમીડીયેટસ, સિન્થેટિક ઓર્ગેનિક કેમિકલ્સ પ્લાન્ટ, નેનો સેટેલાઇટ માટે સંશોધન કેન્દ્ર વગેરેના MOU પણ થયા હતા.

આ MOU દ્વારા રાજ્યમાં આવનારા રોકાણો તથા ઉદ્યોગોને પરિણામે ગુજરાતની વૈશ્વિક વિકાસ યાત્રામાં પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શનમાં નવી ગતિ આવશે. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ સાકાર થશે તેવો વિશ્વાસ શિક્ષણ મંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે આ સોમવારે યોજાયેલી કડી ના ૩૯ એમ ઓ યુ સાથે સમગ્રતયા કુલ ૧૩૫ એમ. ઓ યુ અત્યાર સુધીમાં  રાજ્યમાં વિવિધ ક્ષેત્રોમાં સૂચિત રોકાણો માટે થયા છે

મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, શિક્ષણ અગ્ર સચિવ શ્રી હૈદર તેમજ વરિષ્ઠ સચિવો અને MOU કરનારા ઉદ્યોગ ગૃહોના-સંસ્થાઓના પ્રતિનિધિઓ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.