જાણે સમગ્ર જંતુ પ્રજાતિઓ મનુષ્યની પાછળ પડી ગયા છે…

(ઇબોલા, નિપાહ અને હવે 2019માં કોરોના! જરાક ધ્યાનથી અભ્યાસ કરશો તો માલૂમ પડશે કે છેલ્લા અમુક વર્ષોમાં વિશ્વભરમાં ફેલાયેલાં કેટલાક ખતરનાક વાઇરસનું મૂળ જન્મસ્થાન ચામાચીડિયું છે. પરંતુ અહીં એ પ્રશ્ન થવો પણ સ્વાભાવિક છે કે, શા માટે ચામાચીડિયામાંથી જ માનવજાતને અવનવા રોગો મળી રહ્યા છે? અન્ય પ્રાણીઓના શરીરમાં પણ વાઇરસ અને બેક્ટેરિયા હોય જ છે, તો પછી ફક્ત ચામાચીડિયા જ કેમ માનવજાતના નિકંદનનું કારણ બની રહ્યા છે?)

(ચીનના વુહાનની માર્કેટમાં ચામાચીડિયાનું વેચાણ ખોરાક રૂપે નહોતું થતું! આમ છતાં વૈજ્ઞાનિકોનું માનવું છે કે કોરોના મૂળ ચામાચીડિયામાંથી જ ફેલાયો છે. એક લોજિક મુજબ, ચામાચીડિયામાંથી કોરોના મરઘા તેમજ અન્ય પ્રાણીઓમાં ટ્રાન્સફર થયો છે, જેને આરોગવાથી માનવશરીર પણ એનો ભોગ બન્યું છે)

સમગ્ર ભારત દેશ એકજૂઠ થઈને કોરોના સામે લડત આપી રહ્યો છે. નાતજાતના ભેદભાવ ભૂલીને લોકો એકબીજાની મદદ કરી રહ્યા છે. નાગરિકતા સંશોધન બિલ અંગેના વિવાદો અને કેન્ડલ માર્ચ વિસરાઈ ગઈ છે. દેશનું વાતાવરણ ફરી એક વખત ઠંડુ થઈ રહ્યું છે. એમ માનો ને કે કોરોના ભારત માટે શાંતિપ્રેરક પૂરવાર થયું છે. કોરોનાએ ભારતને વધારે પડતું નુકશાન નથી પહોંચાડ્યુ એની પાછળ ઘણા કારણો જવાબદાર છે. મૂળે તો આપણી સરકાર ઘણી જ સમયસર ચેતી ગઈ છે. જે કામ અમેરિકા અને ચીને કરવું જોઈતું હતું, એ મોદી સરકારે કર્યુ છે. સાર્ક દેશો સાથેની વીડિયો કોન્ફરન્સમાં 10 મિલિયન ડોલરનું ફંડ ફાળવીને ભારત સાચા અર્થમાં વિશ્વગુરૂ સાબિત થયું છે. અહીંનું વાતાવરણ કોરોના માટે માફક નથી. વિદેશીઓની સતત અવરજવર હોવા છતાં એરપોર્ટ અને ટ્રાન્સપોર્ટેશનના અન્ય માધ્યમો પર જે રીતે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે, એ સરાહનીય છે. 30 માર્ચ સુધી શાળા-કોલેજ, જીમ, સ્વિમિંગ પૂલ, મોલ્સ બંધ રાખવાના સરકારના નિર્ણયને લોકો અગમચેતી સ્વરૂપે સ્વીકારી રહ્યા છે. ભારતીયો આને 15 દિવસનું મિનિ વેકેશન માની રહ્યા છે. પરિવાર સાથે સમય પસાર કરવાની આનાથી વધુ સારી તક બીજે ક્યાં મળી શકવાની હતી? વળી, ડોક્ટર્સનું પણ સાફ કહેવું છે કે કોરોનાથી ડરવાની બિલકુલ જરૂર નથી. તાવ-શરદી કે ફ્લુના અન્ય વાઇરસની જેમ કોરોના આવે છે, અસર કરે છે અને ચાલ્યો જાય છે. તેની અસરકારકતા એવા લોકો માટે જાનલેવા છે, જેમની મેડિકલ હિસ્ટ્રી નબળી છે. એના વિશે વારંવાર વાત કરવાનો કોઈ મતલબ નથી. આજનો મારો મુદ્દો આ તમામ જાનલેવા વાઇરસના ઉદ્ભવ સ્થાન સાથે જોડાયેલો છે. નિપાહ, ઇબોલા અને કોરોના વાઇરસના ઉદ્ભવસ્થાન અંગે શાંતિથી બેસીને વિચારીએ તો સમજાય કે ચામાચીડિયાની પ્રજાતિઓમાં દોષિત પૂરવાર થઈ છે.

આ પહેલીવાર નથી કે માનવજાત પર ચામાચીડિયાને કારણે આપદા આવી હોય! 1967ની સાલમાં જર્મનીમાં ફેલાયેલા માર્બર્ગ વાઇરસનો મૂળ સ્ત્રોત પણ ચામાચીડિયા હોવાનો વૈજ્ઞાનિકોએ ખુલાસો કર્યો હતો. 2014ની સાલમાં દક્ષિણ આફ્રિકામાં હાહાકાર મચાવી ચૂકેલા ઈબોલા વાઇરસના મૂળિયા ચામાચીડિયાની ઘણી બધી ગુફાઓ, વૃક્ષો અને ઇમારતોમાં મળી આવ્યા હતાં. 2018માં ભારતમાં વ્યાપી ચૂકેલાં નિપાહ વાઇરસે ઘણા માણસોનો ભોગ લીધો હતો, જેની પાછળ ચામાચીડિયાને જવાબદાર માનવામાં આવે છે.

હકીકત તો એ છે કે, ચામાચીડિયા પણ માણસોની માફક સસ્તન પ્રાણી છે. આને કારણે માનવજાત પર અવનવા વાઇરસનો મારો રહેવો એ સ્વાભાવિક બાબત બની જાય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, વાઇરસના રહેઠાણ માટે ચામાચીડિયાનું શરીર અને માનવદેહ એ સૌથી શ્રેષ્ઠ વસવાટ છે! વાઇરસને ઉછરીને મોટા થવા અને પોતાની અસરકારકતા ફેલાવવા માટે આવું અનુકૂલન ધરાવતાં શરીરો જ વધારે માફક આવે છે. વળી, ચામાચીડિયું એવો જીવ નથી, જે આપણી રોજબરોજની જિંદગી સાથે સંકળાયેલો હોય. માણસજાત સાથે લગભગ દરરોજ સંપર્કમાં આવતાં ગાય, ભેંસ, ભૂંડ અને કૂતરા જેવા પ્રાણી-પશુના શરીરમાં વસતા વાઇરસ અથવા બેક્ટેરિયા સામે આપણે રક્ષણ પ્રાપ્ત કરી લીધું છે. ઓરી, અછબડા, શીતળા, ટીબી વગેરે આના ઉદાહરણો ગણી શકાય.

ચામાચીડિયું માનવજાતની વચ્ચે રહેવાને બદલે દૂરના પ્રદેશોમાં રહેવાનું વધુ પસંદ કરે છે. સિંહ, વાઘ કે અન્ય જંગલી પ્રાણીઓની માફક તે વધારે પડતી ભીડભાડવાળી જગ્યાથી દૂર રહે છે. આથી ચામાચીડિયાની અંદર ઉછરી રહેલાં વાઇરસ પણ આને લીધે ઘાતક બની જાય છે. કોઇપણ માનવ અથવા પ્રાણી-પશુ (જેમકે, મરઘા) સાથે સંપર્કમાં આવતાં તેમની અંદર વસવાટ ધરાવતાં વાઇરસને રહેઠાણ માટે એક નવું શરીર મળી જાય છે. ત્યારબાદ માંસાહાર આરોગતાં માણસો આ વાઇરસને પોતાના પેટમાં ઠાલવીને માનવજાતને સંક્રમિત કરી શકે છે.

ચામાચીડિયાઓ તડકામાં વધુ બહાર નથી નીકળી શકતાં, આથી વાઇરસને પોતાનું ઘર બનાવવા માટેનો છૂટો દૌર મળી જાય છે. વળી વૈજ્ઞાનિકોએ પૂરવાર પણ કર્યુ છે કે ચામાચીડિયાની રોગપ્રતિકારક શક્તિ અને શરીરતંત્ર એવા પ્રકારનું છે, જે આવા વાઇરસને આશરો આપવાની સાથોસાથ એમની ખરાબ અસરો સામે લડત પણ આપી શકે છે. આમ જોવા જઈએ તો વાઇરસની હાનિકારક અસરોથી ચામાચીડિયાના શરીરને વાસ્તવમાં કોઇ જ નુકશાન નથી પહોંચતું. ઉલ્ટું, એના સંપર્કમાં આવનારા અન્ય જીવોમાં આ વાઇરસ ટ્રાન્સમિટ થઈને પોતાની વિનાશકતા દેખાડવાનું શરૂ કરે છે. એક અભ્યાસ મુજબ, ચામાચીડિયાના શરીરમાં ઉછરી રહેલાં વાઇરસની કાર્યક્ષમતા વધુ ધારદાર થાય છે, જેના પરિણામે બહારના વાતાવરણમાં તેના ફેલાવાનો દર અને ઝડપમાં પણ વધારો થયેલો જોવા મળે છે. આ કારણોસર અન્ય સસ્તન જીવો, જેમની રોગપ્રતિકારક શક્તિ આટલી પ્રબળ નથી એમને આ વાઇરસની અસર થતાંવેંત તેઓ મૃત્યુને ઘાટ ઉતરી શકે છે અથવા ગંભીર બિમારીનો ભોગ બની શકે છે, જેની દવા હજુ સુધી શોધી શકાઈ નથી.

વાયરલ કરી દો ને !

પેલા ચામાચીડિયા, ને હવે ડેન્ગ્યૂના મચ્છર…આમ કરીને હવે ખબર નહીં બીજા કેટલા જંતુઓ જાનહાનિ કરી દેશે !