મગજના ચેતાતંતુઓને નુકસાન થતા જ દર્દી ડિમેન્શિયાનો ભોગ બને છે

ડિમેન્શિયા રોગથી અનેક લોકો અજાણ, જાગૃતાનો જોવા મળી રહ્યો છે અભાવ

માનવ શરીરમાં જો કોઈ પણ પ્રકારનો સહેજ પણ બદલાવ થાય તો ઘણા ખરા રોગ માનવ શરીરમાં પ્રવેશી જતા હોય છે કોઈક રોગ લોકોની જીવનશૈલીમાં બદલાવ થવાના કારણે થતો હોય તો કોઈક રોગ ઉંમર વધવાના કારણે જોવા મળતો હોય છે ત્યારે આજે આપણે એવા રોગની વાત કરવા જઈ રહ્યા છીએ કે જે ઉંમર વધતાની સાથે લોકોમાં તેનું પ્રમાણ જોવા મળે છે.

ડિમેન્શિયા એક એવો રોગ છે જે મગજમાં ચેતાતંતુઓને નુકશાન થવાના કારણે વ્યક્તીમાં વિવિધ પ્રકારના લક્ષણો જોવા મળે છે. આ લક્ષણોના સમુહને ડિમેન્શિયા નામ આપવામાં આવ્યું છે.

જ્યારે કોઈ વ્યક્તિની યાદશક્તિ ઓછી થાય અથવા તો તે કોઈ નજીકની વાત ભૂલવા લગે અથવા વિચારશક્તિ કે તાર્કીક્શક્તિ ઓછી થાય તો તેને ડિમેન્શિયા થવાના ચાન્સ વધી જતાં હોય છે. યાદશક્તિ ઓછી થવાના કારણે ચિંતાની, દુખની કે ગુસ્સાની લાગણી અનુભવવી. જાણીતા વાતાવરણમાં પણ અજાણ્યું લાગવું, ગફલતમાં રહેવું. ડિમેન્શિયા(ભૂલવાની બીમારી) ઘણા બધા કારણોસર થાય છે, પણ મુખ્ય કારણ અલ્ઝાઈમર્સ ડીસીઝ છે.

વાસ્ક્યુલર ડિમેન્શિયા. બીજા ક્રમે છે. વધુ પડતું બ્લડ પ્રેસર, હૃદય રોગ, રક્તમાં વધુ પડતું ચરબીનું પ્રમાણ અને ડાયાબીટીસ હોવાના કારણે વાસ્ક્યુલર ડીમેન્શિયા થવાનું જોખમ વધારે છે.

અનેક બીમારીઓને કારણે વ્યક્તિનું મગજ બરાબર ચાલી શક્તું નથી. જ્યારે આવી કોઈ બીમારી થાય ત્યારે તેને યાદ રાખવામાં, વિચારવામાં, બોલવામાં અને રોજીંદી બાબતો કરવામાં તકલિફ થાય છે. તેઓ એવું કરશે કે બોલશે જે બીજાઓને વિચિત્ર લાગે. તેઓ પહેલા હતા એવા વ્યક્તિ નથી. આવી અનેક તકલિફોને ડોક્ટરો ડિમેન્શિયા તરીકે જાણે છે. મોટા ભાગના લોકો જેઓને ડિમેન્શિયા હોય છે તેઓને આલ્ઝાઈમર્સ ડિઝિઝ અથવા નસનું ડિમેન્શિયા હોય છે, પણ બીજા અનેક જાતના ડિમેન્શિયા પણ હોય છે

ડિમેન્શિયાની સારવાર અત્યંત જટિલ છે

ડિમેન્શિયાની સારવાર ઘણી જટિલ છે. તેને સંપૂર્ણરૂપે મટાડી શકાય તેવી શક્યતા ઘણી ઓછી છે પણ જો બીમારીનું નિદાન શરૂઆતના તબક્કામાં થઇ જાય તો તેને વધતી અટકાવી શકાય છે. મુખ્યત્વે બે પ્રકારની સારવાર કરી શકાય.

ડિમેન્શિયાના દર્દીની સારવાર દરમ્યાન કુટુંબી લોકોની જવાબદારી પણ વધુ

જે દર્દી ડિમેન્શિયાનો ભોગ બનેલું હોય તેની સાર સંભાળ રાખવા માટે કુટુંબી લોકોની જવાબદારી પણ ખૂબ જ વધુ હોય છે જેમાં તેઓએ સર્વપ્રથમ દર્દીની બીમારી વિશે જાણવું જરૂરી છે અને તેની  ક્ષમતાને જાણી અને તેને અનુરૂપ અપેક્ષા રાખવી જોઈએ. રોજીંદી ક્રિયાઓ માટેનું સરળ સમયપત્રક બનાવો અને તેને અનુસરવુ જરૂરી છે.દર્દી સાથે પ્રેમથી વાત કરવી, ગુસ્સો ન કરવો, દર્દીની સમજ શક્તિ ઓછી છે તેનું ધ્યાન રાખવું, પૌષ્ટિક આહાર અને સ્વસ્થ આરોગ્ય દર્દીની સારવાર માટે અતિ અગત્યના છે.

દર્દીને જરૂર પડે સહકાર આપવો જોઉએ  પણ અમુક ક્રિયાઓ તેમને જાતે કરવા દેવી જરૂરી છે.  વધુ પડતી સાર-સંભાળ ન લો. તેમને હળવાશની પળો માણવા દેવી જોઈએ, ફરવા લઇ જાવા જોઈએ, ફિલ્મ જોવા લઇ જાઓ, હસી-મજાક કરો. તમામ ક્રિયાઓ કુટુંબીજનો દ્વારા ગંભીરતાથી કરવામાં આવે તો આ રોગને અટકાવી શકાય છે.

ડિમેન્શિયાનું જોખમ ઘટાડી શકાય?

ડિમેન્શિયાનું જોખમ ઘટાડવા દરેક લોકોએ નિયમિત કસરત કરવી જોઈએ જેમાં દરરોજ 30 મિનીટ ચાલવું કે તરવું, ઘરના રોજીંદા કામોમાં મદદ કરવી તો આ જોખમ ઘટાડી શકાય છે. સાથોસાથ સ્વસ્થ આહાર લેવો જોઈએ જેમાં  લીલા શાકભાજી અને ફળ લેવા હિતાવહ છે અને  ચરબીવાળા ખોરાકથી દુર રહેવું એ પણ એટલુંજ જરૂરી છે. મગજ તંદુરસ્ત રાખવામાં માટે  ક્રોસવર્ડ અને સુડોકુ જેમી રમતો રમવી જોઈએ અને  રસપ્રદ પુસ્તક   વાંચવા જોઈએ.ધૂમ્રપાનના સેવનથી પણ  દુર રહેવું આવશ્યક છે.એટલુંજ નહીં દરેક લોકોએ સામાજિક પ્રવૃતિઓમાં કાર્યરત રહેતાની સાથેજ બધાને મળવું જોઈએ, મિત્ર બનાવા જોઈએ.

ડિમેન્શિયાના દર્દીમાં આ  લક્ષણો જોવા મળે છે

 • જુના અથવા તાજા બનવાઓ યાદ ન રહે
 • નિર્ણયશક્તિ ઓછી થવી.
 • બોલતી વખતે સાચો શબ્દ યાદ ન આવે.
 • દિવસ-રાત, તારીખ અને વારનું ભાન ન હોય.
 • પોતાની ચીજ-વસ્તુઓનું ધ્યાન ન હોય.
 • રોજીંદી ક્રિયામાં મુશ્કેલી અનુભવવી જેવી કે રસોઈ બનાવવી.
 • નામ ભૂલી જવા, ચહેરો ઓળખવામાં તકલીફ પડવી.
 • વ્યક્તિત્વ અને મૂડમાં ફેરફાર થવો.
 • ઉદાસીનતા રહેવી.
 • રસ્તા ભૂલી જવા.
 • એકની એક વાત વારંવાર કરવી.

લોકોની જીવન શૈલી પણ ડિમેન્શિયા રોગને નોતરી શકે છે : ડો.પાર્થ લાલચેતા

ડોક્ટર પાર્થ લાલચેતાએ ડિમેન્શિયા રોગ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે લોકોની જીવનશૈલી આ રોગને નોતરી શકે છે. બીમારીથી ન પીડાવવા માટે લોકોએ તેમના સ્વાસ્થ્ય ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે અને સ્ટ્રેસ ડિપ્રેશન થી દૂર રહેવું એટલું જ આવશ્યક છે. આ કાર્ય કરવામાં કોઈ લોકો સફળ થાય તો તેઓ આ રોગથી બચી શકે છે. તેમના જણાવ્યા મુજબ નાના વયના લોકોમાં પણ આ રોગ થઈ શકે છે ત્યારે જો લોકો તેના માનસિક સ્વાસ્થ્યની ચિંતા સારી રીતે કરે તો તેઓ આ ગંભીર રોગથી બચી શકે છે અને પોતાનું જીવન ખૂબ જ સારી રીતે જીવે છે. આ તબક્કે માત્રને માત્ર જરૂર રહે છે કે જો કોઈ પણ માનવ શરીરમાં ભુલાઈ જવું જેવી કોઈ ઉભી થાય તો સીધો જ ડોક્ટરનો સંપર્ક સાધવો જોઈએ.

મુખ્યત્વે 65 વર્ષથી વધારે ઉમરવાળી વ્યક્તિઓમાં ડિમેન્શિયા જોવા મળે : ડો. સારિકા પાટીલ

ડોક્ટર સારિકા પાટીલે વિષસ્મૃતિ રોગ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે મુખ્યત્વે 65 વર્ષથી ઉપરના વ્યક્તિઓમાં આ રોગ વધુને વધુ જોવા મળે છે કારણ કે તેઓના ચેતાતંતુઓમાં ઘસારો થવાના કારણે તેઓની યાદશક્તિને ઘણી અસર પહોંચે છે. આ પ્રકારના દર્દીઓની સંભાળ રાખવા માટે કુટુંબીજનોએ આગળ આવવું ખૂબ જ જરૂરી છે અને જે લોકો ઈચ્છે છે કે તેઓને આ ગંભીર રોગ ન થાય તો તેઓએ પોતાનું સામાજિક જીવન ખૂબ વધારવું જોઈએ જેથી લોકો સાથે સતત સંપર્કમાં રહેવાથી જે તાણ અનુભવવામાં આવતો હોય તે ન થાય અને તેમના જે ચેતાતંતુઓ છે તે જાગ્રત રહે. ડોક્ટર સારિકા પાટીલે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્ર અને રાજકોટમાં આ પ્રકારના કેસો વધુ સામે આવી રહ્યા છે પરંતુ લોકોની જે જાગૃતતા આવી જોઈએ તે હજુ જોવા મળતી નથી.