નવું નાણાંકીય વર્ષ શરૂ થતા જ જૂનાગઢ યાર્ડ જણસની આવકથી  છલકાયું

જુનાગઢ માર્કેટીંગ યાર્ડમાં  નવું નાણાંકીય વર્ષ શરૂ થતા એપ્રિલ માસના શરૂઆતના 6 જ દિવસમાં  1,03,000 ગુણી જણસની આવક થતા શુક્રવાર 3 વાગ્યા સુધી યાર્ડમાં જણસી ના થપેથપાં લાગી ગયા છે, ત્યારે ધાણા, ચણા અને તુવેર ન લાવવા યાર્ડ દ્વારા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે.

જુનાગઢ માર્કેટિંગયાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરી પી.એસ. ગજેરાના જણાવ્યા અનુસાર નવા નાણાંકીય વર્ષના કારણે બંધ રખાયેલ યાર્ડ ફરી શરૂ થતાં, 2 એપ્રિલથી યાર્ડમાં વિવિધ જણસીની આવક થઇ રહી છે. અને માત્ર 6 દિવસમાં 1,03,000 ગુણી જણસી આવી છે. પરિણામે યાર્ડમાં હવે જણસ રાખવા માટેની પુરતી જગ્યા ન હોવાથી શુક્રવાર 3 વાગ્યા સુધી ધાણા, ચણા અને તુવેર યાર્ડમાં ન લાવવા ખેડૂતોને અપીલ કરાઇ છે.

અત્યાર સુધીમાં આવક થયેલ જણસની વાત કરીએ તો, ધાણા  38,000 ગુણી, ઘઉં 26,800 ગુણી, ચણા 20,200 ગુણી અને તુવેર 18,000 ગુણીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જીરૂ, તલ તેમજ અન્ય પાકોની આવક પણ થઇ રહી છે. અને હવે યાર્ડમાં જગ્યા નથી જેથી હરરાજી થાય અને જગ્યા થાય તે પ્રમાણે માલ મંગાવાશે. ત્યારે ખેડૂતોએ પોતાની જણસ લાવતા પહેલા કમિશન એજન્ટનો સંપર્ક કરવાનો રહેશે અને  અજેન્ટો કહે તે પછી જ માલ યાર્ડમાં લાવવા અપીલ કરવામાં આવી છે.