Abtak Media Google News

કડીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના જન્મદિન નિમીતે યોજાયેલા વિવિધ સેવાકીય કાર્યક્રમોમાં હાજરી આપી: સાંજથી બે દિવસ સુરેન્દ્રનગરમાં ધામા

મહારાષ્ટ્રમાં સત્તાધારી પક્ષ શિવસેનાથી નારાજ થઇ ગુજરાતમાં સુરતમાં આવેલા બાગી ધારાસભ્યો બાય એર સુરત જ ગુવાહાટી પહોચતાની સાથે જ પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલનો રોલ જાણે પુરો થઇ ગયો હોય તેવું લાગી રહ્યું છે. મંગળવારે પોતાના તમામ કાર્યકમો રદ કરી દેનાર પાટીલ આજથી ફરી સંગઠાત્મક વ્યહુ રચનામાં પરોવાય ગયા છે આજે સવારે તેઓએ મહેસાણામાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. દરમિયાન સાંજથી વન-ડે વન ડિસ્ટીકટ કાર્યક્રમ અંતગત બે દિવસ માટે સુરેન્દ્રનગર જીલ્લાની મુલાકાતે આવી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં શિવસેનાના બાગી ધારાસભ્યોનું સુરતમાં આગમન થવા પાછળ ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલનો મોટો રોલ માનવામાં આવે છે. ગઇકાલ આખો દિવસ તેઓ રાજકીય ઉતર-ચઢાવમાં સતત વ્યસ્ત રહ્યા હતા. દરમિયાન કાલે રાત્રે શિવસેનાના બાગી ધારાસભ્યોને ચાર્ટર્ડ  ફલાઇટ  મારફત ગુવાહાટીમાં મોકલી દેવામાં આવતાની સાથે જ પાટીલ હળવા ફુલ થઇ ગયા છે.

તેઓ આજથી ફરી પક્ષના વિવિધ કાર્યક્રમોમાં વ્યસ્ત થઇ ગયા છે આજે સવારે તેઓએ મહેસાણાના કડી ખાતે રાજયના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલના જન્મદિન નિમિતે યોજાયેલા મહા રકતદાન કેમ્પ, ઉપરાંત કડી અને મહેસાણામાં વિવિધ સેવાકીય કાર્યક્રમોમાં હાજરી આપી હતી. આજે સાંજે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ વન-ડે વન ડિસ્ટ્રીકટ કાર્યક્રમ અંતર્ગત બે દિવસ માટે સુરેન્દ્રનગર જીલ્લાની મુલાકાત લેશે સાંજે  સુરેન્દ્રનગરમાં ઉપસના સર્કલથી એમ.પી. શાહ કોલેજ સુધી યોજનારા રોડ શો અને બાઇક રેલીમાં હાજરી આપશે. ત્યારબાદ રાત્રે 8.30 કલાકે સંગઠનના હોદેદારો અને ચૂંટાયેલા  જન પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાશે.

આવતીકાલે ગુરૂવારે સુરેન્દ્રનગરમાં પાટીલનો દિવસ દરમિયાન ભરચકક કાર્યક્રમ રહેશે સવારે 9 કલાકે સર્કિટ હાઉસ ખાતે કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે ત્યારબાદ સંતો-મહંતો, સાહિત્યકારો, કલાકારો અને ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ સાથે બેઠક, દિવ્યાંગ, ગંગા સ્વરૂપા બહેનો, વિવિધ યોજનાના લાભાર્થીઓ અને શ્રમીકો સાથે બેઠક, સંઘ પરિવારના આગેવાનો સાથે બેઠક, શિક્ષકો, નિવૃત અધિકારીઓ, કર્મચારીઓ સાથે બેઠક, સહકારી આગેવાનો, ખેડુત આગેવાનો, વિવિધ સમાજના આગેવાનો, સ્વૈચ્છીક સંગઠનોના પ્રતિનિધિ સાથે સંવાદ, સરપંચ સંવાદ કાર્યક્રમ અને ડોકટર, સી.એ. વકીલો, એન્જીનીયરો, ઉઘોગપતિઓ વેપારીઓ તથા બીલ્ડરો સાથે બેઠક યોજાશે.

શિવસેનાના બાગી ધારાસભ્યોની મહેમાન ગતિ કરવામા બે દિવસ ખુબ જ વ્યસ્ત રહેલા પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ આજથી ફરી સંગઠાત્મક કાર્યક્રમોમાં વ્યસ્ત બની ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.