કોરોનાનો ધમાસાણ શાંત થતાં ‘પ્રાણવાયુ’ની માંગમાં સતત ઘટાડો, સિવિલમાં ઓક્સિજનનો વપરાશ આટલો ઘટ્યો !!

0
78

કોરોના વાયરસની બીજી લહેરએ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ધમાસાણ મચાવી દીધો છે. કેસ ઝડપભેર વધતા કૃત્રિમ ‘પ્રાણવાયુ’, રેમડેસિવિર ઇન્જેકશન તેમજ બેડ સહીતની સુવિધાઓ માટે લોકો ચોતરફ ભટકી રહ્યા હતા. પરંતુ હવે, વાયરસની બીજી લહેર તેની સર્વોચ્ચ સપાટીએ પહોચ્યા બાદ તેનો ગ્રાફ નીચે સરકતા વાયરસનો ધમાસાણ શાંત થયો છે. જેના પગલે રેમડેસિવીરની રામાયણ, કૃત્રિમ પ્રાણવાયુની પડાપડી તેમજ બેડની હાડમારીનો અંત આવ્યો છે. કોરોનો સંક્રમણના ડરના કારણે ગુજરાતની જનતા જાગી જતાં કોરોના ભાગ્યો છે. લોકોએ સંયમ જાળવી સ્વયમ શિસ્તનું પાલન કરતા કોરોનાની ચેઇન તુટવા લાગી છે. એમાં પણ ખાસ કૃત્રિમ ‘પ્રાણવાયુ’ની માંગમાં સતત ઘટાડો થતા સરકાર, સ્થાનિક તંત્ર ઉપરાંત બાટલાની વહેંચણી કરતા સેવાભાવી લોકોએ પણ રાહતનો શ્ર્વાસ લીધો છે.

ખુશખબર: સિવિલમાં ઓક્સિજનનો વપરાશ દૈનિક 50 ટનથી ઘટીને 43 ટન થયો

રાજકોટ જિલ્લામાં કોરોના સંક્રમણને કાબુમાં લેવાના રાજય સરકારના વ્યાપક પ્રયાસો તથા જિલ્લા વહીવટીતંત્ર અને જનપ્રતિનિધિઓ સહિત લોકજાગૃતિને લીધે રાજકોટમાં પરિસ્થિતી સુધરી રહી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાયના નોડલ ઓફિસર ડો. જે.કે. નથવાણીએ જણાવ્યું હતું કે, થોડા દિવસો પહેલાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન વપરાશ વધીને 50 ટન  ઉપર પહોંચી ગયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી પરિસ્થિતિ સ્થાયી બનતા છેલ્લા 24 કલાક દરમિયાન ઓક્સિજનનો વપરાશ ઘટીને 43 ટન થયો છે. જે છેલ્લા કેટલાક દિવસોની સાપેક્ષમાં ઓછો છે. હાલ દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબોએ જણાવ્યું હતું કે, સ્ટેબલ બનતી જતી પરિસ્થિતીમાં સખત લોકજાગૃતિની જરૂર છે. લોકો ડબલ માસ્ક પહેરે, સોશિયલ ડીસ્ટન્સ રાખે તેમજ કામ વગર બહાર ન નીકળે અને વારંવાર હાથ સાફ કરે તે ખૂબ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here