Abtak Media Google News

માંગ્યા મેઘ સવાયા સાબિત થયા

  • છેલ્લા 24 કલાકમાં રાજ્યના 227 તાલુકાઓમાં મેઘમહેર: સૌથી વધુ દાંતીવાડામાં આઠ ઈંચ, પાલનપુરમાં છ ઈંચ વરસાદ: સૌરાષ્ટ્રના
  • વંથલીમાં ચાર, માણાવદર-ધોરાજીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો જયારે રાજકોટના જેતપુરમાં ચાર અને ઉપલેટામાં બે ઈંચ વરસાદ
  • હવામાન વિભાગની આગાહી મુજબ કાલથી વરસાદનું જોર ઘટશે   આજે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, મોરબી, જામનગર, દ્વારકા અને રાજકોટમાં ભારે વરસાદની આગાહી

આ વર્ષ તો જાણે સવાયું સાબિત થયું હોય તેમ માંગ્યા મેઘ સવાયા સાબિત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમા સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ 100 ટકાને પાર થઇ ગયો છે. શ્રાવણ માસમાં જ નદી-નાળાઓ છલકાઈ જતા આગતર તો ઠીક પાછતર પણ પાકું થઇ ગયું છે. હજુ તો શ્રાવણ અળધો જ પૂરો થયો છે ત્યાં તો રેકોર્ડબ્રેક વરસાદ વરસ્યો છે. જો કે છેલ્લા 8 વર્ષનો સૌથી વધુ વરસાદ 15 ઓગષ્ટ સુધીમાં જ વરસી ગયો છે પણ રાજ્યભરમાં એક પણ જગ્યાએ નુકશાન થયું નથી. હજુ ભાદરવો આખો બાકી છે ત્યાં રાજ્યમાં અત્યાર સુધી 94 ટકા વરસાદ થયો છે. જે ગયા વર્ષ કરતાં 154 ટકા વધારે છે. ગયા વર્ષે આ સમય સુધી 37 ટકા વરસાદ હતો. રાજ્યના જળાશયોમાં હાલમાં પૂરતા પાણીનો સંગ્રહ થઇ ગયો છે. પાણીની સમસ્યા દૂર થઇ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના 251માંથી 47 તાલુકાઓમાં 40 ઇંચથી પણ વધારે વરસાદ છે. 126 તાલુકાઓમાં 20થી 40 ઇંચ સુધી વરસાદ છે. માત્ર બે તાલુકાઓમાં 10 ઇંચથી ઓછો વરસાદ છે. સૌથી વધારે વરસાદ વલસાડના કપરાડામાં સિઝનમાં કુલ 138 ઇંચ થયો છે. ધરમપુરમાં 113 ઇંચ વરસાદ થયો છે. 8 તાલુુકાઓમાં 80 ઇંચથી પણ વધારે વરસાદ થયો છે. કચ્છ જિલ્લામાં 146 ટકાથી પણ વધારે વરસાદ છે. છેલ્લા 30 વર્ષમાં 11 વર્ષ સારો વરસાદ થયો છે. જેમાં 1994 (49 ઇંચ), 1997 (38 ઇંચ), 2003 (39 ઇંચ), 2005 (45 ઇંચ), 2006 (49 ઇંચ), 2007 (45 ઇંચ), 2010 (42 ઇંચ), 2013 (47 ઇંચ), 2019 (39 ઇંચ), 2020 (45 ઇંચ) વરસાદ થયો હતો. આ વર્ષે અત્યાર સુધીમાં જ 35 ઇંચ વરસાદ થઇ ચૂક્યો છે.

30 વર્ષનો રેકોર્ડ તૂટવાની સંભાવના છે.રાજ્યમાં સારા વરસાદને પગલે વાવેતરમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 3 વર્ષના વાવેતરની સરખામણીએ 91% વાવેતર થઇ ગયું છે. રાજ્યમાં સરેરાશ 86.31 લાખ હેક્ટર વિસ્તારમાં થતા વાવેતરની સામે અત્યાર સુધી 78.88 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થઇ ગયું છે. રાજ્યના કૃષિ નિયામકની કચેરી દ્વારા વાવેતર માટે જાહેર કરાતા વીકલી રિપોર્ટમાં આ વિગતો બહાર આવી છે. ઉત્તર ગુજરાતમાં 14.46 લાખ હેક્ટર, મધ્ય ગુજરાતમાં 14,57 લાખ હેક્ટર, સૌરાષ્ટ્રમાં 37.78 લાખ હેક્ટર, દક્ષિણમાં 6.84 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર પૂર્ણ થઇ ગયું છે. ગયા વર્ષે આ સમય સુધી રાજ્યમાં 78.83 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું.

સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની સટાસટી, નદીઓમાં ઘોડાપુર

સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે. રાજકોટ સહિત મોટાભાગના શહેરોમાં 1 થી લઇ 4 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી જિલ્લાના વડીયામાં આવેલ નદીનો ચેકડેમ ઓવરફ્લો થયો હતો. ચેકડેમ ભરાઇ જતા ખેડૂતોને ખૂબ જ ફાયદો થશે. અમરેલીને પાણી પહોંચાડનારો સુરવો ડેમ 70 ટકા ભરાઇ ગયો છે. જૂનાગઢની વાત કરીએ તો સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે દામોદર કુંડમાં ભારે પૂર જેવી સ્થિતિ છે. ભારે વરસાદથી હસ્નાપુર ડેમ ઓવરફ્લો થયો છે.

રાજકોટના જેતપુરમાં પણ વરસાદ દે ધનાધન વરસ્યો હતો. ધોરાજીમાં પણ ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારો પાણી-પાણી થઇ ગયા હતા. ધોરાજીની સકુરા નદીમાં ઘોડાપુર સર્જાયું હતું. ધોરાજીનો ભાદર-2 ડેમ ફરી ઓવરફ્લો થયો છે. ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને સાવચેત કરાયા છે. મોરબીમાં ફૂલકી નદી બે કાંઠે વહેતી થઇ છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ફૂલકી નદીમાં પૂર જેવો માહોલ છે. આ ઉપરાંત જામનગર-માળીયા હાઇવે પર વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. સિઝનમાં બીજી વખત વાહન વ્યવહાર ખોરવાયો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં જાણે મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે ત્યારે હજુ વરસાદનો ત્રીજો રાઉન્ડનો બાકી જ છે એટલે કે આ વર્ષે વરસાદ તમામ રેકોર્ડ તોડે તે લગભગ નક્કી છે.

નર્મદા ડેમની સપાટી 135.20 મીટરે પહોંચી: 5.44 લાખ ક્યુસેક પાણી છોડાશે

ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમમાં સતત પાણીની આવક વધી રહી ત્યારે આજે મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી 7.15 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે, પરંતુ નર્મદા, વડોદરા અને ભરૃચ જિલ્લાના 108 ગામોમાં નર્મદાના પૂર વ્યાપક તબાહી ન સર્જે તે માટે તંત્ર દ્વારા 5.44 લાખ ક્યુસેક પાણી છોડવા નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરવાસમાંથી સતત નવા નીરની આવક વધવાને કારણે સરદાર સરોવર ડેમની સપાટી વધી છે. હાલ ડેમની જળસપાટી 135.20 મીટર પહોંચી છે. ડેમમાં 7.45 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે. ઉપરવાસના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યુ છે. જેથી ડેમના 23 દરવાજા 3.5 મીટર સતત 4 દિવસથી ખોલવામાં આવ્યા છે. નર્મદા નદીમાં કુલ 5.60 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. જેથી ડેમ પર આવેલા તમામ પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યા છે.

349 જળાશયો સંપૂર્ણ ભરાઈ ગયા, 30 ડેમમાં 90 ટકા

હજુ ચોમાસાનો ત્રીજો રાઉન્ડ તો બાકી છે ત્યાં જ રાજ્યના મોટાભાગના ડેમો સંપૂર્ણ ભરાઈ ગયા છે. રાજ્યના 49 જળાશયોમાં 100 ટકા પાણી છે. 30 ડેમમાં 90ટકાથી વધારે છે. 16 જળાશયોમાં 80થી 90ટકા પાણી છે. 17 ડેમમાં 70થી 80ટકા પાણી છે. 95 જળાશયોમાં 70 ટકાથી પણ ઓછું પાણી છે. સરદાર સરોવરને બાદ કરીએ તો, ગુજરાતના જળાશયોમાં 71 ટકા જળસંગ્રહ છે.

છેલ્લા 24 કલાકમાં ક્યા કેટલો વરસાદ

જિલ્લો              તાલુકો              વરસાદ

બનાસકાંઠા        દાંતીવાડા          8 ઇંચ

બનાસકાંઠા        પાલનપુરા          6 ઇંચ

જૂનાગઢ            જૂનાગઢ            4.5 ઇંચ

અમરેલી             વડીયા               4 ઇંચ

જૂનાગઢ            વંથલી               4 ઇંચ

રાજકોટ             જેતપુર               4 ઇંચ

રાજકોટ             ધોરાજી              3.5 ઇંચ

કચ્છ                 લખપત             3 ઇંચ

જૂનાગઢ            વિસાવદર          3 ઇંચ

રાજકોટ             ઉપલેટા             2 ઇંચ

જૂનાગઢ            કેશોદ                2 ઇંચ

જૂનાગઢ            મેંદરડા               2 ઇંચ

અમરેલી             બાબરા             2 ઇંચ

મોરબી              માળીયા            2 ઇંચ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.