Abtak Media Google News

બરવાળા, પાલિતાણા, રાણપુરમાં ૪ ઈંચ, મહુવામાં સાડા ત્રણ, તળાજા, બોટાદમાં ૩ ઈંચ, મેંદરડા, સિંહોરમાં અઢી ઈંચ, ઘોઘા અને તાલાલામાં ૨ ઈંચ વરસાદ: સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદ ચાલુ

અષાઢ મહિનાના આરંભ સાથે જ મેઘરાજાએ સૌરાષ્ટ્ર પર અનરાધાર હેત વરસાવવાનું શરૂ કરી દીધું છે. સોરઠ પંથકમાં જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેમ સાંબેલાધારે વરસાદ વરસ્યો છે. રવિવારે મેઘરાજાએ ભાવનગર જિલ્લા પર મહેર ઉતારી હતી. જેસરમાં મુશળધાર ૯ ઈંચ અને ભાવનગરમાં ૬ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. આગામી પ દિવસ સુધી સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

ગુજરાતમાં ચોમાસું જોરદાર રીતે સક્રિય થઈ ગયું હોય તેમ છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૩૧ જિલ્લાના ૧૯૯ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. શનિવાર સવારથી રવિવાર સવાર સુધી સોરઠ પંથકમાં અનરાધાર વરસાદ વરસતા જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય જવા પામી છે.

જોકે રવિવાર સોરઠમાં મેઘરાજાએ વિરામ લેતા સોરઠવાસીઓએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. ભાવનગર, અમરેલી, બોટાદ, ગીર-સોમનાથ, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં મેઘરાજાએ કૃપા વરસાવી હતી. ભાવનગરના જેસરમાં અનરાધાર ૯ ઈંચ વરસાદ વરસી જતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય જવા પામી છે.

ભાવનગર

છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાવનગરમાં બારે મેઘ ખાંગા થયા હોય તેઓ વરસાદ વરસ્યો હતો. શહેરમાં ૧૩૧ મીમી, ગારીયાધારમાં ૧૩ મીમી, ઘોઘામાં ૫૨ મીમી, જેસરમાં ૧૨૫ મીમી, પાલિતાણામાં ૯૪ મીમી, સિંહોરમાં ૬૧ મીમી, તળાજામાં ૭૬ મીમી, ઉમરાળામાં ૩૮ મીમી, વલ્લભીપુરમાં ૩૬ મીમી વરસાદ વરસ્યો હતો.

બોટાદ

બોટાદ જિલ્લામાં પણ રવિવારે મેઘરાજાએ મહેર ઉતારી હતી. બરવાળા તાલુકામાં ૧૦૫ મીમી, રાણપુરમાં ૯૪ મીમી, બોટાદમાં ૬૯ મીમી, ગઢડામાં ૨૩ મીમી વરસાદ વરસ્યો હતો.

અમરેલી

અમરેલી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમરેલી શહેરમાં ૩૮ મીમી, બગસરામાં ૧૨ મીમી, ધારીમાં ૧૨ મીમી, જાફરાબાદમાં ૩૨ મીમી, ખાંભામાં ૨૧ મીમી, લીલીયામાં ૨૭ મીમી, રાજુલામાં ૩૮ મીમી, સાવરકુંડલામાં ૨૪ મીમી, વડીયામાં ૧૨ મીમી વરસાદ પડયો છે.

ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા આઠ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગીરગઢડામાં ૪૧ મીમી, કોડીનારમાં ૨૦ મીમી, સુત્રાપાડામાં ૨૩ મીમી, તાલાલામાં ૫૧ મીમી, ઉનામાં ૩૦ મીમી અને વેરાવળમાં ૧૯ મીમી વરસાદ વરસ્યો હતો.

જુનાગઢ

જુનાગઢમાં શનિવારે સવારથી રવિવાર સુધી અનરાધાર વરસાદ બાદ રવિવારે આખો દિવસ મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. ભેંસાણમાં ૮ મીમી, જુનાગઢ ૧૩ મીમી, કેશોદમાં ૧૮ મીમી, માળીયાહાટીનામાં ૧૫ મીમી, માણાવદરમાં ૩ મીમી, માંગરોળમાં ૭ મીમી, મેંદરડામાં ૭૩ મીમી, વંથલીમાં ૧૨ મીમી, વિસાવદરમાં ૧૭ મીમી વરસાદ પડયો છે.

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં પણ રવિવારે વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. ચોટીલામાં ૧૪ મીમી, ચુડામાં ૨૦ મીમી, દશાળામાં ૮ મીમી, લખતરમાં ૧૩ મીમી, લીંબડીમાં ૩૭ મીમી, થાનગઢમાં ૨૧ મીમી, વઢવાણમાં ૭ મીમી વરસાદ પડયો છે.

રાજકોટ

રાજકોટ જિલ્લામાં ધોરાજી તાલુકામાં ૫ મીમી, ગોંડલમાં ૧૧ મીમી, જામકંડોરણામાં ૩ મીમી, જસદણમાં ૧૨ મીમી, કોટડાસાંગાણીમાં ૧૨ મીમી, રાજકોટ શહેરમાં ૫ મીમી અને વિંછીયામાં ૧૬ મીમી વરસાદ વરસ્યો છે.

મોરબી

મોરબી જિલ્લામાં રવિવારે મેઘરાજાએ હળવું હેત વરસાવ્યું હતું. હળવદમાં ૧૩ મીમી, મોરબીમાં ૩ મીમી, ટંકારામાં ૧૧ મીમી, વાંકાનેરમાં ૬ મીમી વરસાદ પડયો હતો. જામનગર, દેવભુમિ દ્વારકા અને પોરબંદરમાં મેઘરાજાનું જોર ઓછું રહ્યું હતું. સૌરાષ્ટ્ર ઉપરાંત ઉતર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. ઉતર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લામાં હળવા ઝાપટાથી લઈ ૩ ઈંચ સુધી વરસાદ પડયો હતો. જયારે પૂર્વ મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં હળવા ઝાપટાથી લઈ સાડા ચાર ઈંચ સુધી વરસાદ વરસ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે મેઘરાજાએ વિશેષ હેત દાખવ્યું હોય તેમ છેલ્લા ૧૫ દિવસથી લાગ લગાટ વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં રવિવારે શ્રીકાર મેઘમહેર ઉતરી હતી. ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. દક્ષિણ ગુજરાતમાં અડધાથી લઈ ૭ ઈંચ સુધી વરસાદ રવિવારે વરસ્યો છે.

  સૌરાષ્ટ્રમાં કયાં કેટલો વરસાદ

જેસર૯ ઈંચ
ભાવનગર૬ ઈંચ
બરવાળા૪ ઈંચ
પાલિતાણા૪ ઈંચ
રાણપુર૪ ઈંચ
મહુવા૩॥ ઈંચ
તળાજા૩ ઈંચ
બોટાદ૩ ઈંચ
મેંદરડા૨॥ ઈંચ
સિંહોર૨॥ ઈંભ
ઘોઘા૨ ઈંચ
તાલાલા૨ ઈંચ

 

કોડીનારમાં ૪૧ ઈંચ: મોસમનો ૧૦૪ ટકા વરસાદ

સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. કોડીનારમાં છેલ્લા ૪ દિવસમાં ૪૧ ઈંચ જેટલો વરસાદ વરસી જતા અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે. જળબંબાકાર જેવી પરિસ્થિતિનું સર્જન થવા પામ્યું છે.મેઘમહેર મેઘકહેરમાં ફેરવાઈ ગઈ છે.

મોસમનો ૧૦૪ ટકા વરસાદ વરસી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. કોડીનારમાં ચોમાસાની સીઝનમાં એવરેઝ ૯૭૩ મીમી વરસાદ પડે છે હજી જુલાઈ માસ અડધો માંડ વિત્યો છે ત્યાં કોડીનારમાં ૧૦૧૫ મીમી વરસાદ વરસી ગયો છે. મોસમનો કુલ ૧૦૪.૨૭ ટકા વરસાદ વરસી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ગીર-સોમનાથ જિલ્લામાં અત્યારસુધીમાં મોસમનો કુલ ૭૪.૫૭ ટકા વરસાદ વરસી ગયો છે. ભારે વરસાદના કારણે હવે સોરઠવાસીઓ મેઘરાજાને ખમૈયા કરવા વિનવી રહ્યા છે.

સૌરાષ્ટ્રમાં હજી પાંચ દિવસ મુશળધાર વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાત અને તેની સાથે જોડાયેલા વિસ્તારમાં દરિયાઈ સપાટીથી ૨.૧ કિ.મીથી ૫.૮ કિમી ઉંચાઈ પર અપરએર સાયકલોનીક સરકયુલેશન સર્જાયું છે તેની અસરતળે આગામી પાંચ દિવસ સુધી રાજયભરમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, આણંદ, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, ભાવનગર, જુનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, દિવ, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે. અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ પડી શકે છે. આગામી ૨૦મી જુલાઈ સુધી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.