Abtak Media Google News

નવરાત્રીના નવલા નવ દિવસોમાં શકિતની આરાધના માટે આઠમનું વિશેષ અને અનોખું મહત્વ હોય છે. આઠમના દિવસે માતાજીની ખાસ પુજા, આરાધના, હોમ, હવન, યજ્ઞ કે ઉપવાસ-જાપ દ્વારા માતાજીની ભકિત કરવામાં આવે છે. આઠમના દિવસે દેવીની ઉપાસના કરવાથી ચમત્કારીક કૃપા પ્રાપ્ત થાય છે.

ભાગવત અનુસાર આઠમના હોમ, હવન અને યજ્ઞનો વિશેષ મહિમા છે. ભગવાન શ્રી રામચંદ્રજીએ આઠમના દિવસે વિશેષ હોમ-હવન કરી માતાજીને પ્રસન્ન કરી તેમના શુભ આશિષ મેળવ્યા હતા. જે ભકતો નવરાત્રી દરમિયાન નવદિવસ જો પુજા, ભકિત, તપ, જપ, ઉપવાસ કે હોમ, હવન કરી શકયા ન હોય તેઓ જો માત્ર આઠમની પુજા અને ઉપાવસ કરે તો તેને માતાજીની અનન્ય કૃપા અને અલૌકિક સિદ્ધિ પ્રાપ્ત થાય છે.

આજે આઠમના દિવસે સૌરાષ્ટ્ર-કચ્છના દરેક શકિતપીઠોમાં માતાજીનું વિશેષ પૂજન કરવામાં આવે છે. બહુચર માતાજી, અંબાજીમાતા સહિતના વિવિધ મંદિરોમાં આઠમ નિમિતે માતાજીનો અદભુત શણગાર, પુજા, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. શકિતપીઠોમાં આઠમ અને નોમ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડે છે. માતાજીના કેટલાક સ્થાનો પર મેળા જેવો માહોલ જોવા મળે છે.

આ ઉપરાંત રાજયમાં પાવાગઢ, મોટા અંબાજી, ખેડબ્રહ્માના અંબાજી, પાવાગઢના મહાકાળી મંદિર, ચોટીલાના ચામુંડા માઁ, ભાવનગર તેમજ કચ્છના આશાપુરા તેમજ રાજકોટ સ્થિત આશાપુરા માતાજીના મંદિરોમાં આજે આઠમ નિમિતે વિશેષ પુજા, હવન અને યજ્ઞનું વિશેષ આયોજન કરવામાં આવે છે. તમામ શકિત પીઠોમાં આજે શ્રદ્ધાળુઓ માટે હર્ષોલ્લાસ સાથે ધર્મોલ્લાસનો માહોલ છવાય જશે. આજે કેટલાક કુટુંબ પરિવારોમાં પણ તેમની કુળદેવીનું વિશેષ પુજા-અર્ચન કરવામાં આવે છે.

ઉપરાંત યથાશકિત મુજબ માતાજીને નૈવૈદ્ય ધરાવવામાં આવે છે. માઈ ભકતો આજે વિશેષ રીતે માતાજીનું પુજન-અર્ચન કરશે. ઉપરાંત આજે આઠમના દિવસે સરસ્વતી આહવાન, દુર્ગાષ્ટમી, મહાગૌરીપુજા તથા સંધી પુજાનું પણ વિશેષ મહત્વ છે. આજના આઠમના દિવસે ગુલાબી રંગ શુભ ગણાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.