Abtak Media Google News

સફારી પાર્કમાં પ્રાણીઓ માટે નાઇટ શેલ્ડર, પાણીના પોન્ડ ઉપરાંત વોચ ટાવર અને ઇન્ટરનલ રોડ પણ બનશે: મુલાકાતીઓને ખાસ વાહનમાં બેસાડી સફર કરાવાશે

મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા આજે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટમાં આગામી નાણાકીય વર્ષમાં પ્રદ્યુમન પાર્ક ઝૂની પાછળના ભાગે રાંદરડા નર્સરી તરફના રસ્તે મહાપાલિકાની અંદાજે 20 હેક્ટરથી વધુની જમીન પર એશિયાટીક લાઇન સફારી પાર્ક બનાવવાનો પ્રોજેક્ટ પણ સૂચવવામાં આવ્યો છે. જેના માટે આગામી દિવસોમાં સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી પાસે મંજૂરી મેળવવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનરે જણાવ્યું હતું કે લાઇન સફારી પાર્ક માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નીતિ-નિયમ મુજબ પ્રથમ 2.75 મીટર ઉંચાઇની કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવશે તથા પાંચ મીટર ઉંચાઇની ચેઇનલીંક જાળીની દિવાલ બનાવવામાં આવશે. સફારી પાર્કમાં પ્રવેશ માટે ટુ વે ગેઇટનું નિર્માણ કરવામાં આવશે. પાર્કમાં પ્રાણીઓ માટે નાઇટ શેલ્ડર અને પાણીના પોન્ડ બનાવવામાં આવશે. ઉપરાંત અંદર વોંચ ટાવર, ઇન્ટરર્નલ રોડ બનશે. સફારી પાર્કમાં પ્રાણીઓને ખૂલ્લામાં પ્રદર્શિત કરવામાં આવશે અને મુલાકાતીઓને ખાસ પ્રકારના વાહનમાં બેસાડીને તેની સફર કરવામાં આવશે. ઝૂ ઓથોરિટીની મંજૂરી મળ્યા બાદ એશિયાટીક લાઇન સફારી પાર્ક પ્રોજેક્ટ શરૂ કરાશે. ચાલુ નાણાકીય વર્ષમાં આ માટે બે કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

પ્રદ્યુમન પાર્કમાં હિપોપોટેમસ લવાશે

અઢળક કુદરતી સૌર્દ્યના સાંનિધ્યમાં બનાવવામાં આવેલા કોર્પોરેશન સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂમાં હાલ 60 પ્રજાતિના 521 પ્રાણીઓ અને પક્ષીઓ વસવાટ કરી રહ્યાં છે. દર વર્ષે અંદાજે સાડા પાંચ લાખ લોકો ઝૂની મૂલાકાતે આવી રહ્યાં છે. હાલ ઝૂમાં નવા પ્રાણીઓ અને પક્ષીઓ માટે આઇસોલેશન વોર્ડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ઝૂમાં માર્મોસેટ (વાંદરા) અને કોયપુ (વિશાળ કદના ઊંદર), પ્રાણી માટે પાંજરાનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. ઝૂ ઓથોરિટી માટે હિપોપોટેમસને રાખવાની પણ મંજૂરી માંગવામાં આવી છે. જે મળતાની સાથે જ પાંજરાનું બાંધકામ પણ શરૂ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.