વિધાનસભા જંગ! અંતિમ ઘડીએ પ્રચારમાં લગાવાતું એડીચોંટીનું જોર

  • બીજા તબક્કાની 93 બેઠકો પર આજથી પ્રચાર પડઘમ થશે બંધ
  • ભાજપના સ્ટાર પ્રચારકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, સ્મૃતિ ઇરાની, પરસોત્તમ રૂપાલા, ગજેન્દ્રસિંહ શેખાવતનો
  • સતત ઝંઝાવાતી લોક સંપર્ક: કોંગ્રેસના જગદીશ ઠાકોર,અઝરૂદ્દીન અને આપના ભગવંત માન પ્રચારમાં
  • બીજા તબક્કામાં 2,52,58,730 મતદારો માટે 26,409 મતદાન મથકો તૈયાર

ગુજરાત વિધાનસભા ચૂંટણી જંગના બીજા તબક્કા માટેનો પ્રચાર આજે છેલ્લાં દિવસે ચરમસીમાએ પહોંચ્યો છે. સાંજે પાંચ વાગ્યે પૂરા થનારા પ્રચારમાં છેલ્લી ઘડી સુધી મતદારોને રિઝવવા રાજકીય પક્ષો દ્વારા એડીચોંટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. રેલી, જાહેર સભા અને ડોર ટુ ડોર પ્રચારમાં કોઇ જ કચાશ ન રહે તે માટે ગુજરાતના ચૂંટણી સંગ્રામના ત્રણ મહારથી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકો છેલ્લી ઘડી સુધી પ્રચાર કરવા માટે મેદાનમાં ઉતરી ગયા છે.

ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન માટે 833 ઉમેદવારો મેદાનમાં છે. મુખ્ય સ્પર્ધા ભાજપ, કોંગ્રેસ અને ‘આપ’ વચ્ચે છે. બીજા અને અંતિમ તબક્કામાં મધ્ય અને ઉત્તર ગુજરાતના 14 જિલ્લાઓની 93 બેઠકો પર મતદાન થશે. જેમાંથી 6 બેઠકો અનુસૂચિત જાતિ અને 13 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે.

અંતિમ તબક્કાના પ્રચારમાં ભાજપના સ્ટાર પ્રચારકોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાંકરેજ, સોજીત્રા અને અમદાવાદમાં રોડ-શો સહિતના જન સંપર્કના કાર્યક્રમો, જનમેદનીને સંબોધન કર્યું હતું. ગૃહમંત્રી અમિત શાહ મહેસાણા, વિજાપુર, અમદાવાદ જ્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની, પરસોત્તમ રૂપાલા, ગજેન્દ્રસિંહ શેખાવતની રેલીઓએ છેલ્લી ઘડીના પ્રચાર કાર્યમાં ધૂમ મચાવી હતી. કોંગ્રેસના જગદીશ ઠાકોર, પૂર્વ ક્રિકેટ કેપ્ટન મહમંદ અઝરૂદ્ીને અમદાવાદમાં લોક સંપર્ક જારી રાખ્યો છે. આપના નેતા, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના ચાર રોડ-શોએ આપના કાર્યકરોમાં જુસ્સો વધાર્યો છે.

અંતિમ તબક્કામાં 2,52,58,730 મતદારોના મતદાન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન માટે 26,409 મતદાન મથકો કાર્યરત કરવામાં આવ્યા છે અને 8મી ડિસેમ્બરે પરિણામ આવશે. ગુજરાતમાં છેલ્લી ઘડીના ચૂંટણી પ્રચારમાં કોઇ કચાશ ન રહે તે માટે ત્રણેય બળીયા બરાબરના લોક સંપર્કમાં લાગી ગયા છે.