Abtak Media Google News

અસરગ્રસ્ત તમામ 769 ગામોમાં વીજળી પૂર્વવત કરાઈ:રાજ્યના 21 જળાશયો 100 ટકાથી વધુ અને 30 જળાશયો 70 થી 100 ટકા ભરાયા

મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે રાજ્યમાં પડી રહેલા વરસાદની પરિસ્થિતિ અંગે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, આજે રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. પરંતુ હજી પણ જૂનાગઢ, ગીર સોમનાથ, ડાંગ, વલસાડ અને નવસારીમાં ભારે થી અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. રાજ્યનું વહીવટી તંત્ર હજુ સ્ટેન્ડ ટૂ છે અને નાગરિકોના જાનમાલની સુરક્ષા અને સલામતી માટે સુસજજ છે.મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે ગઇકાલે હવાઇ નિરીક્ષણ બાદ છોટા ઉદેપુરના બોડેલી ખાતે નાગરિકોને મળીને દુખમાં સહભાગી થઇને તેમના પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે વહિવટી તંત્રને સુચનાઓ આપી હતી. આ ઉપરાંત નવસારીમાં પણ આશ્રયસ્થાનો માં આશ્રય લઇ રહેલા સ્થાનિક અસરગ્રસ્તોની મુલાકાત લઇને તેમના ખબર અંતર પુછી તેમના માટે ભોજન સહિતની જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સુચનાઓ આપી હતી. એટલુ જ નહિ, અસરગ્રસ્ત વિસ્તારોમાં યુધ્ધના ધોરણે સર્વે કરીને સહાય-કેશડોલ આપવા વહિવટી તંત્રને સુચનાઓ આપી હતી.

મંત્રી ત્રિવેદીએ જળાશયોની વિગતો આપતા કહ્યુ હતુ કે, રાજ્યમાં વરસી રહેલા વરસાદને પરિણામે જળાશયોમાં પાણી ભરાઈ રહ્યા છે ત્યારે રાજ્યના 21 જળાશયો 100 ટકાથી વધુ ભરાઈ ગયા છે. તે ઉપરાંત 30 જળાશયો 70 થી 100 ટકા, 27 જળાશયો 50 થી 70 ટકા, 51 જળાશયો 25 થી 50 ટકા અને 77 જળાશયો 25 ટકાથી ઓછા ભરાયા છે. રાજ્યના જળાશયો કુલ સંગ્રહ શક્તિના 46.25 ટકા ભરાયા છે અને સરદાર સરોવર કુલ સંગ્રહ શક્તિના 48 ટકા ભરાયા છે.

રાજ્યમાં અસરગ્રસ્ત જિલ્લાઓમાં 18 એનડીઆરએફની પ્લાટુન અને 21 એસડીઆરએફની ટીમ ડીપ્લોય કરવામાં આવી છે, જ્યારે એનડીઆરએફની બે ટીમો અને એસડીઆરએફની પાંચ ટીમો રિઝર્વ રાખવામાં આવી છે. અત્યાર સુધીમાં 575 નાગરિકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો, સ્થાનિક પોલીસ તંત્ર અને વહિવટી તંત્ર દ્વારા સ્થાનિક યુવાઓના સહયોગથી કચ્ચ જિલ્લામાં ભુજ, નખત્રાણા, લખપત, અબડાસા, મુંદ્રા અને માંડવી તાલુકાના વિવિધ ગામોમાં પાણીમાં ફસાયેલા અંદાજે 110 થી વધુ નાગરિકોને તેમજ ચાર અબોલ પશુઓને રેસ્ક્યુ કરીને બચાવી લીધા હતા. આ સફળ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડનાર સ્થાનિકો, એનડીઆરએફ -એસડીઆરએફની ટીમો, સ્થાનિક પોલીસ તંત્ર અને વહિવટી તંત્ર અભિનંદનને પાત્ર છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 83 માનવ મૃત્યુ નોંધાયા છે જેમાં સૌથી વધુ મૃત્યુ વીજળી પડવાથી થયા છે. છેલ્લા 24 કલાકમાં 14 માનવ મૃત્યુ થયા છે જેમાં બેના ઝાડ પડવાથી, બેના વીજળી પડવાથી અને 9ના પાણીના વહેણમાં ડુબી જવાથી મૃત્યુ થયા છે. એક પણ મૃત્યુ વહીવટી તંત્રના વાંક કે નિષ્કાળજીના પરિણામે થયા હોવાનું ધ્યાને આવ્યું નથી.

મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 31,035 નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. જે પૈકી 21,094 નાગરિકો હજુ આશ્રયસ્થાનોમાં છે જ્યારે 9,848 નાગરિકો પાણી ઓસરતા પરત ઘરે ફર્યા છે. તે તમામ માટે ભોજન સહિતની તમામ વ્યવસ્થાઓ પૂરી પાડી યોગ્ય માવજત કરવામાં આવી છે.તેમણે ઉમેર્યું કે, રાજ્યના ગામોમાં કાર્યરત 14,610 એસટી બસના રૂટમાંથી માત્ર 138 ગામોના રૂટ બંધ કરવામાં આવ્યા છે તેમાં પણ 14 રૂટ પૂર્વવત થઈ ગયા છે જ્યારે 124 રૂટ આજે સાંજ સુધીમાં પૂર્વવત થઈ જશે. તેવી જ રીતે 18 હજારથી વધુ ગામો પૈકી માત્ર 769 ગામોમાં વીજ પુરવઠો બંધ થયો હતો. તે તમામ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે. આ માટે પણ જી.યુ.વી.એન.એલના અધિકારીઓને મંત્રીશ્રીએ અભિનંદન આપ્યા હતા.

તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં થયેલા વરસાદના કારણે 51 સ્ટેટ હાઈવે અને અન્ય માર્ગો, 483 પંચાયત મળી કુલ 537 માર્ગો સુરક્ષાની દ્રષ્ટિકોણથી વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે જ્યારે કચ્છમાંથી પસાર થતા નેશનલ હાઈવે-41, નવસારી નેશનલ હાઈવે-64 અને ડાંગમાંથી પસાર થતો નેશનલ હાઈવે બંધ કરાયો છે તે ખુબ જ ઝડપથી  પૂર્વવત થઈ જશે.મંત્રીએ રાજ્યના નાગરિકોને અપીલ કરતાં કહ્યું છે કે, રસ્તા પરથી વહેતા પાણીના વહેણને ઓળંગવાનો પ્રયાસ કરી બિનજરૂરી જોખમ ખેડવું નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.