Abtak Media Google News

 

એક માનવ મૃત્યુ, ચાર પશુઓના મોતમાં સહાય : મકાન, ઝૂંપડાઓને થયેલ નુક્શાનીના સર્વે બાદ બે કિસ્સામાં કાર્યવાહી હાથ ધરાઈ

ગત સપ્તાહે સોંરાષ્ટ્ર સહિત રાજકોટ જિલ્લામાં પણ સચરાચર વરસાદ પડ્યો હતો. અન્ય જિલ્લાની સરખામણીમાં રાજકોટ જિલ્લામાં આ વરસાદી તારાજીમાં ઓછા પ્રમાણમાં જાન માલને નુકશાની થવા પામી હતી. આ વરસાદી તારાજીમાં એક માનવ મૃત્યુ અને છ જેટલાં પશુઓના મોત નિપજ્યાનું નોંધાયું હતું. તેમજ 31 જેટલાં ઝૂંપડાઓ અને કાચા મકાનોને નુકશાની થયાનું સર્વેમાં નોંધાયું હતું.

વરસાદી નુકશાનીમાં લોધિકા તાલુકાના મેટોડા ગામે વીજળી પડતાં એક પરપ્રાંતીયનું મોત નોંધાતાં તેમને 4 હજારની સહાય અને જેતપુરના ચારણીયા ગામે 1 બળદના મોતમાં 25 હજાર, ઉપલેટાના ઢાંક ગામે 1 ભેંસના મોતમાં 30 હજાર, વીંછીયામાં 1 ગાય, 1 પાડી એમ 2 પશુના મોતના કિસ્સામાં 46 હજાર આમ, 1 લાખ 1 હજારની સહાય જિલ્લા પંચાયતના જુદા જુદા શાખા હેડ તળે સહાય અને 2 મકાનની નુકસાનીમાં 8,400 ની સહાય ચૂકવાઈ હોવાનું જિલ્લા પંચાયતના કાર્યદક્ષ પ્રમુખ ભુપત બોદરે અબતકને જણાવ્યું હતું.

ચાલુ વર્ષે પડી રહેલા સચરાચર વરસાદથી અનેક જિલ્લાઓમાં વરસાદી તારાજીથી પ્રભાવિત થયાં છે. ઘણાં જિલ્લાઓમાં આ વરસાદી તારાજીથી મકાન, ઝૂંપડાઓને નુકશાન થવા પામ્યું છે તો ઘણાં ખેડૂતોના ખેતરોનું ધોવાણ અને જાન માલને નુકશાની થવા પામી છે. પરિણામે વરસાદી તારાજીથી પ્રભાવિત થયેલ જાન માલની નુક્શાનીના વળતર પેટે સરકાર તરફથી સહાય આપવાનું શરૂ કરાયું છે. સરકારી એજન્સીઓ દ્વારા જે વિસ્તારમાં જાન માલને નુકશાન થયેલ છે તેનો સર્વે કરાવી સહાય મળવા પાત્ર છે.ચાલુ સીઝનમાં રાજકોટ જિલ્લામાં પણ સારો વરસાદ નોંધાયો છે, પરંતુ નુકશાની થાય એવું કંઈ નહીં નોંધાવાને કારણે સરકાર તરફથી જોઈએ તેટલી મળવા પાત્ર સહાય રાજકોટ જિલ્લાને મળી શકી નથી.

આમ,રાજકોટ જિલ્લામાં વરસાદી નુક્શાનીનું વળતર આપવાનું થતું હતું તે સર્વે બાદ ચૂકવી અપાઈ છે.અષાઢી બીજથી સૌરાષ્ટ્રમાં મેઘ સવારી આવી પહોંચી હતી. અનેક વિસ્તારોમાં ભારે વરસાદથી ચોમાસુ પાકને ભારે નુકશાન થયુ હોય સરકારે સરવે કરાવી સહાય ચૂકવાશે તેવી જાહેરાત કરી હતી પરંતુ રાજકોટ જિલ્લામાં કર્યાંય ભારે વરસાદ કે પુરનાં પાણીથી નુકશાન થયું હોવાનાં કોઈ પ્રાથમિક અહેવાલ ખેતીવાડી વિભાગને મળ્યા નથી

જામકંડોરણા, ઉપલેટા સહિતનાં તાલુકામાં પૂરના પાણી ખેતરોમાં ઘુસ્યા હતા.રાજકોટ જિલ્લામાં ઉપલેટા સહિત ડેમો ઓવરફલો થવાથી અને ભારે વરસાદથી જામ કંડોરણા અને ધોરાજી તાલુકામાં થોડું નુકશાન નોંધાયું છે.
અનેક વિસ્તારોમાં વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા હતા પરંતુ કોઈ તાલુકા માંથી નુકશાનનાં અહેવાલ ન હોવાનુ જિલ્લા ખેતીવાડી વિભાગનાં અધિકારીઓએ જણાંવ્યુ હતુ. પ્રાથમિક અહેવાલ મુજબ દરેક તાલુકા માંથી વિગતો આંકડાઓ મેળવવામાં આવ્યા છે. જો કે ખેડૂત આગેવાનો કેટલાક વિસ્તારમાં નુકશાન થયાનો દાવો કરી રહયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.