- સખી મંડળો અથવા ખેડૂત ગ્રુપ, ગૌશાળા, પાંજરાપોળ, સહકારી સંસ્થાઓ કે એફપીઓને માળખાકીય સુવિધાના નિર્માણ માટે સહાય મળવાપાત્ર
- રાજયમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન, સહાય મળી રહે તે ઉદ્દેશ્ય સાથે રાજય સરકાર સતત પ્રયત્નશીલ
રાજયમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન, સહાય મળી રહે તે ઉદ્દેશ્ય સાથે રાજય સરકાર સતત કાર્યરત છે. ગુજરાત રાજય સરકાર દ્વારા ગૌશાળા, પાંજરાપોળ, સહકારી સંસ્થાઓ, સખીમંડળ અને ખેડૂત ગ્રુપ દ્વારા પ્રાકૃતિક કૃષિ માટે જરૂરી જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત વગેરે બનાવી ખેડૂતોને વિતરણ કરવા જરૂરી માળખાકિય સુવિધા માટે સંસ્થાઓ-ગ્રુપને પ્રોત્સાહન આપવા સહાય યોજના અમલી છે.
પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં જરૂરી જીવામૃત-ઘન જીવામૃત, બીજામૃત, પાક સંરક્ષણ શસ્ત્રો વગેરે બનાવવા માટે દેશી ગાય એ પાયાની જરૂરીયાત છે. દેશી ગાય ન રાખી શકતા હોય કે દેશી ગાય ન હોય ત્યારે અસરકારક રીતે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ મુજબ ખેતી થઇ શક્તિ નથી. આવું ન બને તે માટે રાજય સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે છે.
પ્રાકૃતિક કૃષિ માટે જીવામૃત ઘન જીવામૃત બનાવવા તથા વિતરણ માટે માળખાકીય સુવિધાના નિર્માણ માટે યોજના અન્વયેની જરૂરી વિગતો મુજબ, સખી મંડળો અથવા ખેડૂત ગ્રુપને ૫૦ ટકા સુધીની સહાય રૂ.60,000ની મર્યાદામાં મળવાપાત્ર થશે. જેમાં જીવામૃત બનાવવા માટે HDPE ટાંકી 5,000 લિટરની ક્ષમતાની બનાવવાની રહેશે. ઘન જીવામૃત બનાવવા માટે પાકું મજબૂત ૨૦૦ ચોરસ ફુટનું ભોંયતળિયું બનાવવાનું રહેશે. ઉપરાંત પ્લાસ્ટિકના 20 લીટરના 20 કેરબા, 5 નંગ ડોલ ટોકર અને 1 નંગ સ્ટરર વગેરે માળખાકીય સુવિધાઓને સાંકળી લેવાની રહેશે.
ગૌશાળા, પાંજરાપોળ, સહકારી સંસ્થાઓ કે એફપીઓએ પ્રાકૃતિક કૃષિ માટે જીવામૃત- ઘનજીવામૃત બનાવવા તથા વિતરણ માટે માળખાકીય સુવિધા માટે 10,000 લિટરની ક્ષમતા વાળી ટાંકી, 400 ચોરસ ફૂટનું પાંકુ ભોંયતળિયું વગેરે માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરવું. આ માટે 50 ટકા અથવા રૂ.1.20 લાખની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે.
ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધે તે માટે રાજ્યના ખેડૂતોને જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના પ્રાથમિક તબક્કે પ્રોત્સાહક પરિણામો જોતા રાજ્યના અનેક ખેડૂતો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવતા થયા છે. વધુ જાણકારી માટે પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા પ્રોજેકટની કચેરી, ખેડૂત તાલીમ કેન્દ્રનો સંપર્ક કરવો.