Abtak Media Google News

શાર્પ શુટરના મોબાઇલમાંથી પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઇ ઝડફીયાના ફોટા મળ્યા

રિલીફ રોડ પર હોટલ વિનસમાં ખોટા નામે રૂમ મેળવ્યો સ્થાનિક શખ્સોની મદદથી અમદાવાદ આવેલા શાર્પ શૂટરને પાકિસ્તાની શખ્સે હત્યાની સોપારી આપ્યાનો ઘટ્ટસ્ફોટ

એટીએસની ટીમ પર ફાયરિંગ કર્યુ: અન્ય ચાર શખ્સોની સંડોવણી ખુલતા શોધખોળ

અમદાવાદના રિલીફ રોડ પર આવેલી હોટલ વિનસમાં આવેલા શાર્પ શુટરને ઝડપી લેવામાં એટીએસની ટીમને સફળતા મળી છે. રાજકીય નેતાની હત્યાના ઇરાદે આવેલા મુંબઇથી અમદાવાદ આવેલા શાર્પ શુટરને ઝડપી લેવા માટે એટીએસની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો ત્યારે તેના પર ફાયરિંગ કર્યુ હતુ પરંતુ એટીએસની ટીમ દ્વારા તેનો પ્રતિકાર કરી ધરપકડ કર્યા બાદ કરેલી તપાસ દરમિયાન શાર્પ શુટરના મોબાઇલમાંથી ગૃહના પૂર્વ મંત્ર ગોરધનભાઇ ઝડફીયાના ફોટા મળી આવ્યા હતા અને તેને ગાંધીનગર ખાતે કેવલમમાં આટાફેરા કર્યાની ચોકાવનારી વિગતો બહાર આવતા સનસનાટી મચી ગઇ છે.

અમદાવાદની રિલીફ રોડ પર આવેલી વિનસ હોટલના રૂમ નંબર ૧૦૫માં શાર્પ શુટર આવ્યાની બાતમીના આધારે એટીએસની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો ત્યારે તેના પર શાર્પ શુટર દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. એટીએસની ટીમ દ્વારા તેની ધરપકડ કરી છે. શાર્પ શુટરની પૂછપરછ દરમિયાન તે મુંબઇનો હોવાનું અને તેનું નામ મોહમદ હસીફના નામે વિનસ હોટલમાં રૂા.૩૫૦ના ભાડેથી રૂમ રાખ્યો હતો હોટલમાં આવ્યો ત્યારે તેનો થેલો ચેક કરવામાં આવ્યો હતો પરંતુ તેની પાસે કોઇ હથિયાર જોવા મળ્યું ન હતું. પોતાને માતા સાથે ઝઘડો થતા તે હોટલમાં આવ્યાની અને બે-ત્રણ કલાક બાદ પોતાનો ભાઇ આવીને તેડી જશે તેમ જણાવ્યું હતું.

Ats

હોટલમાં આવેલા શકમદ મોહમદ હસીફ પોતાનો થેલો હોટલના રૂમમાં રાખ્યા બાદ તેને કોઇ મળવા આવતા બહાર ગયો હતો તે દરમિયાન તે પોતાની સાથે ઓટોમેટિક પિસ્તોલ સાથે લાવ્યાનું સુત્રો જણાવી રહ્યા છે. આ અંગે ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે શાર્પ શુટર મોહમદ હસીફ ખોટું નામ છે ખરેખર તેનું સાચુ નામ ઇરફાન શેખ હોવાનું અને તેને પાકિસ્તાનના શખ્સ દ્વારા રાજકીય નેતાની હત્યા માટે સોપારી આપવામાં આવતા તે મુંબઇથી અમદાવાદ આવ્યાની સતાવાર પુષ્ટી આપી હતી.

શાર્પ શુટર ઇરફાન શેખ ગાંધીનગર કેવલમ ખાતે રેકી કરી હોવાથી તે રાજકીય નેતાની હત્યાના ઇરાદે આવ્યાની અને તેના મોબાઇલમાંથી ગોરધનભાઇ ઝડફીયાના ફોટા મળી આવ્યા છે. તેમજ ઇરફાન શેખ સાથે અમદાવાદના જ કેટલાક સ્થાનિક શખ્સોની સંડોવણી હોવાનું અને જે રિક્ષામાં તે વિનસ હોટલ સુધી પહોચ્યો તે રિક્ષાની પોલીસ દ્વારા શોધખોળ હાથધરવામાં આવી છે. શાર્પ શુટર ઇરફાન શેખને હોટલ વિનસ ખાતે કોણ ઓટોમેટિક પિસ્તોલ આપી ગયું તે દિશામાં વિશેષ પૂછપરછ એટીએસના વડા હિમાન્શુ શુકલા અને ડીવાય.એસ.પી. ભાવેશ રોજીયો દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.

૨૦૦૨માં ગૃહ મંત્રી તરીકે રહી ચુકેલા ગોરફનભાઇ ઝડફીયા સહિતના રાજકીય નેતાઓની હત્યાની સોપારી લઇ હત્યા કરવાના ઇરાદે આવ્યાની ઘટના સામે આવતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. ગોરધનભાઇ ઝડફીયા સૌરાષ્ટ્ર અને નવસારીના પ્રવાસ દરમિયાન તેનો અજાણ્યા શખ્સ દ્વારા પીછો કરવામાં આવતો હોવાનું પોતાના કમાન્ડોનું ધ્યાન દોરવામાં આવ્યું હતું અને આ અંગે ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાને જાણ કરવામાં આવતા ગોરધનભાઇ ઝડફીયાની સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી હતી તેઓ હાલ સોમનાથ મહાદેવના દર્શન અર્થે આવેલા ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલની સાથે આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.