ગાંધીગ્રામમાં પૂર્વ કોર્પોરેટરના પુત્ર સહિત બે યુવાન પર હુમલો

 

આઠ દિવસ પહેલાં થયેલી બોલાચાલીના કારણે ચાર શખ્સોએ માર મારી કારમાં તોડફોડ કરી

 

અબતક,રાજકોટ

મકર સંક્રાતના દિવસે ગાંધીગ્રામ વિસ્તારમાં આઠેક દિવસ પહેલાં ગાળો બોલવા બાબતે થયેલા ઝઘડાના કારણે ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર સહિત બે યુવાન પર હુમલો થયો હતો જ્યારે બેડી ચોકડી પાસે પારકા ઝઘડામાં દરમિયાનગીરી કરવા જતા હોટલ સંચાલક સહિત બે યુવાનને માર પડયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા લાખના બંગલા પાસે રહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટર બાબુભાઇ (દેવરાજભાઇ) મકવાણાના પુત્ર વિજય અને તેના મિત્ર રાજદીપભાઇ અનકુભાઇ ખાચરને સંજય બારૈયા ઉર્ફે ભુરો, જયદીપ બારોટ ઉર્ફે નાનો ભુરો, કૃણાલ ચગ અને સમીર નામના શખ્સોએ તલવાર, પાઇપ અને ધોકાથી માર મારી કારમાં તોડફોડ કર્યા અંગેની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

ગાંધીગ્રામના અક્ષરનગરમાં રહેતા રાજદીપ ખાચરને આઠેક દિવસ પહેલાં સંજય બારૈયા સાથે ગાળો બોલવા બાબતે બોલાચાલી થઇ હતી જેના કારણે ચારેય શખ્સોએ વિજય દેવરાજભાઇ મકવાણા અને રાજદીપ ખાચર કાર લઇને માધાપર ચોકડી પાસેથી પસાર થતા હતા ત્યારે ચારેય શખ્સો બાઇક પર ઘસી આવ્યા હતા અને તલવારથી કારમાં તોડફોડ કરી બંનેને માર માર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ રવિભાઇ વાસદેવાણીએ ગુનો નોંધી ચારેય શખ્સોની શોધખોળ હાથધરી છે.