Abtak Media Google News

અમરેલી ‘મર્ડર મીસ્ટ્રી’ની ઘટનાની સીસીટીવી ફૂટેજ પોસ્ટમોર્ટમ રિપોર્ટ ભેદ ખોલી નાખ્યો

રાજકોટની પૂનમબેન જાતે પેટમાં છરીના ઘા ઝીંકયા હોવાની સાસરીયાએ જાહેરાત કરી ‘તી; પીઠ પાછળ છરીનો ઘા કોઈ જાતે મારી શકે નહીં તેવા પોસ્ટ મોર્ટમ રિપોર્ટે ભાંડો ફોડયો: પતિના પરસ્ત્રી સાથેના આડાસંબંધમાં આડખીલીરૂપ પત્નીનું નિવૃત્ત પોલીસ ઈન્સ્પેકટર સસરાએ કાસળ કાઢી નાખ્યું: પતિ-સાસુએ મદદગારી કરી

હત્યાની ઘટના રોજીદી અખબારોમાં વાંચવા મળતી હોય છે. લોકો આવી ઘટનાને વાંચીને બીજા દિવસે ભૂલી પણ જતા હોય છે. પરંતુ આવી જ એક ‘મર્ડરમીસ્ટ્રી’ની અમરેલી પોલીસ મથકમાં નિવૃત પી.આઈ. સહિતના ત્રણ શખ્સો સામે ગુનો નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અમરેલીના સહજાદનનગરમાં ગત સપ્તાહે પરણીતાએ પોતાની જાતે પેટમાં અને પડખામાં છરીના ઘા ઝીંકી દેતા સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જયાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજયા બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ઘટના સ્થળના સી.સી.ટીવી ફૂટેજ નિવૃત પોલીસ ઈન્સ્પેકટરના કરતુતનો ભાંડો ફોડી નાખતા પોલીસે ખૂનનો ગુનો નોંધી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

‘મર્ડર મીસ્ટ્રી’ની સનસનીખેજ જાણવા મળતી માહિતી મુજબ અમરેલી સહજાદનનગરમાં પતિ અને બે પાળકો સાથે રહેતી પૂનમબેન દેવેન્દ્ર વાઘેલા ઉ.33 નામની પરણીતાએ ગત તા. 6/8ના બપોરે પોતાના ઘરે જાતે પેટ અને પડખામાં છરીના ઘા ઝીંકી દેતા પ્રથમ અમરેલી અને ત્યારબાદ ગંભીર હાલતમાં રાજકોટની સીવીલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

જયાં તા. 8/8ના રાત્રેના 1.15 વાગ્યે તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતુ.પૂનમબેન વાઘેલાનું મૃત્યુ નિપજયા બાદ રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે તેનું પોસ્ટમોર્ટમ કરાયાબાદ મૃતદેહ તેના સાસરીયાને સોંપી દીધો હતો. અને જાણે કશુ બન્યું ન હોય તેમ નિવૃત પી.આઈ. સસરા ગીરીશભાઈ વાઘેલા, પતિ દેવેન્દ્ર વાઘેલા મૃતદેહને અમરેલી લઈ જઈ અંતિમવિધી પણ કરી નાખી હતી.

એક સપ્તાહ પહેલા બનેલી ઘટના બાદ ગઈકાલે અમરેલી પોલીસ સમક્ષ મૃતક પૂનમબેન વાઘેલાના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો હતો. જેમાં પોસ્ટમોર્ટમ કરનાર તબીબે સ્પષ્ટ અભિપ્રાય આપતા જણાવ્યું હતુકે, પુનમબેનની પીઠમાં રહેલ છરીનો ઘા પોતે પોતાની હાથે મારી શકે નહી જે શંકાસ્પદ હોવાનું જણાવ્યું હતુ.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શંકા દર્શાવતા અમરેલી પોલીસે સહજાદનનગરમાં જે દિવસે બનાવ બન્યો તે દિવસના સીસીટીવી ફૂટેજ ચકાસયાહતા જેમાં પૂનમબેન ઘરે એકલા હતા ત્યારે નંબર વગરના બાઈક પર નિવૃત પી.આઈ. ગીરીશભાઈ વાઘેલા ઘરે આવ્યા હતા. અને થોડા સમય ઘરમાં રોકાયા બાદ બહાર નીકળતા નજરે પડે છે.ત્યારબાદ મૃતક પૂનમબેનનો પુત્ર શિવ ટયુશનમાંથી ઘરે આવતો હોવાનું સીસીટીવી ફૂટેજમાં નજરે પડે છે. અને તેને સૌ પ્રથમ માતા પૂનમબેનને રૂમમાં લોહીથી લથબથ હાલતમાં જોયા બાદ પિતા દેવેન્દ્રભાઈને ફોન કરી જાણ કરે છે. બાદમાં પિતા દેવેન્દ્રભાઈ ઘરે આવે છે. અને એમ્બ્યુલન્સને જાણ કર્યા બાદ પૂનમબેનને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે.

આ સમગ્ર ઘટના પોલીસ તપાસમાં બહાર આવ્યા બાદ મૃતક પૂનમબેનના ભાભી રાજકોટના મવડી રોડ નવલનગર-9માં રહેતા ફાલ્ગુનીબેન સંજય મકવાણા ઉ.38ની ફરિયાદ પરથી પૂનમબેનના સસરા નિવૃત પોલીસ ઈન્સ્પેકટર ગીરીશભાઈ નટવરલાલ વાઘેલા, પતિ દેવેન્દ્ર ગીરીશભાઈ વાઘેલા અને સાસુ મધુબેન ગીરીશભાઈ વાઘેલા સામે હત્યાકરી પૂરાવાનો નાશ કરવા અંગેનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે રાજકોટની પુનમબેનના લગ્ન 13 વર્ષ પહેલા અમરેલી રહેતા અને શીતલ આઈસ્ક્રીમમાં ડ્રાયવર તરીકે નોકરી કરતા દેવેન્દ્ર વાઘેલા સાથે થયા હતા.

સુખી લગ્ન જીવન દરમિયાન પૂનમબેનને સંતાનમા બે દિકરા જૈમીન ઉ.12, શિવ ઉ.9ની પ્રાપ્તી થઈ હતી.લગ્ન બાદ પતિને અન્ય યુવતી સાથે આડો સંબંધ બંધાય જતા પત્ની ગમતી ન હોય પતિ, સાસુ-સસરા ત્રાસ આપી મારકૂટ કરતા હતા જે અંગે 2015માં પૂનમબેને રાજકોટ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી.પતિ, સાસરીયાના ત્રાસના કારણે પુનમબેન બે ત્રણ મહિનાથી સહજાનંદનગરમાં બંને બાળકો સાથે અલગ રહેતા હતા જયારે પતિ સહિતના સાસરીયા અમરેલી હનુમાનપરા અક્ષરપાર્ક ખાતે રહેતો હોવાનું જાણવા મળ્યું છે.ગત તા. 6/8ના સવારે સસરા ગીરીશભાઈએ વેવાણ ભારતીબેનને રાજકોટ ફોન કરી જણાવ્યું હતુ કે પૂનમને તેના પતિ વચ્ચે અવાર નવાર ઝઘડા થાય છે. તો તમે આવીને પૂનમને લઈ જાવ પરંતુ વેવાણ ભારતીબેને તેડવા આવવાની ના પાડી દીધી હતી આ વખતે નિવૃત પી.આઈ. ગીરીશભાઈએ વેવાણને કહેલ કે તો જે કોઈ પરિણામ આવે તે તમે જોઈ લેજો.

ત્યારબાદ તા.7/8 સવારે 7/30 વાગ્યે ગીરીશભાઈનો ફોન આવેલ જેમાં પુનમબેનને રાજકોટની સીવીલ હોસ્પિટલમાં દાખલ કરેલ છે. અને તેને પેટમાં દુ:ખતું હતુ જેથી ઓપરેશન કરેલ છે. તેમ જણાવતા પુનમબેનની માતા ભારતીબેન, ભાઈ સંજય ભાભી ફાલ્ગુનીબેન સહિતનાઓ સિવિલ હોસ્પિટલમાં ખબર કાઢવા ગયા ત્યારે પુનમબેન બેભાન હાલતમાં હતા અને માવતર પક્ષના સભ્યોને પુનમબેનને મળવા પણ દીધા નહોતા. બાદમાં તા. 8/8 રાત્રીનાં પુનમબેનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતુ.ક્રાઈમ થ્રીલરને આંટે તેવી આ મર્ડર મીસ્ટ્રીની ઘટનાનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ અને સીસીટીવી ફૂટેજે ભેદ ઉકેલી નાખ્યા બાદ અમરેલી સીટી પોલીસે ખૂન અને પૂરાવાનો નાશ કરવા અંગેનો ગુનો નોંધી વિશેષ તપાસ પી.આઈ. જે.જે. ચૌધરી સહિતના સ્ટાફ ચલાવી રહ્યા છે.

ઘટના આગલા દિવસે સસરાએ પરિણામ ભોગવવા તૈયાર રહેવાનું કહેલુ

અમરેલી મર્ડર મીસ્ટ્રીની ઘટનામા પોલીસમાં નોંધાયેલ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે પતિ, સાસુ, સસરાના ત્રાસથી એકલી રહેતી રાજકોટની પૂનમબેન પતિ સાથે અવાર નવાર ઝઘડા કરતી હોવાનું જણાવી બનાવના આગલા દિવસે સસરા ગીરીશભાઈએ વેવાણ ભારતીબેનને ફોન કરી તેડી જવા કહ્યું હતુ પરંતુ ભારતીબેને તેડવા આવવાની ના પાડતા ગીરીશભાઈએ પરિણામ ભોગવવા તૈયાર રહેવાનું કહ્યું હતુ અને બીજા દિવસે પૂનમબેને જાતે પેટમાં છરીના ઘા ઝીંકી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની સાસરીયાઓએ ખોટી સ્ટોરી ઉભી કરી પૂનમબેનને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડા, હતી.

સાસુ મધુબેને પોતુ મારી લોહીના ડાઘા સાફ કર્યા

બાળકો સાથે એકલી રહેતી પુનમબેનને લોહીથી ખરડાયેલ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાય બાદ સાસુ મધુબેન તેના ઘરે ગયા હતા. અને રૂમમાં રહેલા લોહીના ડાઘ પર પોતુ મારી લોહીના ડાઘ સાફ કરી પુરાવાનો નાશ કર્યો હતો.

નિવૃત્ત પી.આઈ.એ. ઘટના બાદ કપડા બદલાવી નાંખ્યા

રાજકોટની પુનમબેનની અમરેલી સાસરીયામાં થયેલી હત્યાની ઘટના પરથી પરદો ઉંચકાઈ ગયો છે. ત્યારે પોલીસે ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ ચેક કરતા મરનાર પુનમબેન ઘરે એકલા હતા. ત્યારે સસરા નિવૃત પોલીસ ઈન્સ્પેકટર ગીરીશભાઈ વાઘેલા નંબર પ્લેટ વગરનાં બાઈક પર ઘરે આવ્યા હતા. ત્યારે જે કપડા પહેરેલા હતા તે પુનમબેનને હોસ્પિટલે લઈ ગયા ત્યારે બીજા કપડા પહેરેલા હતા આમ બનાવ બાદ ગીરીશભાઈએ થોડા સમયમાં જ કપડા બદલાવી નાખ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.