રાજકોટમાં નિદ્રાધીન યુવતીની આબરૂ લુંટવાનો પ્રયાસ: પતિ જાગી જતા પાઇપ મારી પતાવી દીધો

મોતનું ચોકકસ કારણ જાણવા ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ કરાવાયૂં: યુવતીની ફરીયાદ પરથી ગુનો નોંધી આરોપીની ધરપકડ

અબતક, રાજકોટ

રાજકોટના શાસ્ત્રી મેદાનમાં પતિ અને બાળકો સાથે સુતેલી શ્રમીક યુવતિની આબરૂ લુંટવાના ઇરાદે નામચીન શખ્સના ભાણેજે હુમલો કર્યો હતો. આ વખતે દેકારો થતા જાગી ગયેલા યુવતિના પતિ પર પાઇપ વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતું. જો કે પોલીસે ખુનોનો ગુનો દાખલ કરવાના બદલે મૃતકના મૃતદેહને ફોરેન્સીક પી.એમ. માટે મોકલી આપ્યો હતો. જેનો અભિપ્રાય આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બીજી બાજુ યુવતિની આબરુ લુંટવાનો પ્રયાસ કરવા અઁગે તે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.આ ઘટના અંગેની પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ મુળ જામનગરના ધ્રોલના વતની અને સાતમ-આઠમ નીમીતે રાજકોટમાં રમકડા અને ફુગ્ગા વેચવા આવેલ શ્રમીક પરિવારની ર૩ વર્ષની પરણીતાએ એ. ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે નામચીન નિઝામનો ભાણેજ જાકીર નામના શખ્સનું નામ આપ્યું છે.પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે ફરીયાદી યુવતિ પતિ અને બાળકી સાથે રાજકોટમાં રમકડા વેચવા આવ્યા હતા અને શાસ્ત્રી મેદાનમાં સુતા હતા ત્યારે તા. ૩૧-૮ ના રાત્રીના અઢી વાગ્યે આરોપીએ ફરીયાદી યુવતિનું ઓઢવાનું ખેંચી વિભત્સ માંગણી કરી હાથ પકડી જો દેકારો કરશે તો તને અને તારા બાળકોને મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

યુવતિએ દેકારો કરી મુકતા બાજુમાં સુતેલ પતિ ભરત ધારશી (ઉ.વ.ર૬) જાગી જતાં ઉશ્કેરાયેલા આરોપીએ ફરીયાદી યુવતિ અને તેના પતિ પર છરી અને પાઇપ વડે હુમલો કરી નાશી છુટયો હતો. બીજીબાજુ ઇજાગ્રસ્ત ભરત ધારશીને સારવાર સર્વે સીવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતું.

શ્રમીક યુવાનને કોઇ બ્રાહ્ય ઇજા ન હોય પોલીસે ખુનનો ગુનો નોંધવાતા બદલે મોતનું ચોકકસ કારણ જાણવા ફોરેન્સીક નિષ્ણાંતો સમક્ષ પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું હતું. જેનો અભિપ્રાય આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

બીજી બાજુ પોલીસે શ્રમીક યુવતિની ફરીયાદ પરથી નિર્લજજ હુમલો કરી ધમકી આપ્વા અંગેનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આ બનાવની તપાસ એ ડીવીઝનના પી.એસ.આઇ. જે.ડી.વસાવા ચલાવી રહ્યા છે.