Abtak Media Google News

રાજકોટના જાણીતા સિનિયર ધારાશાસ્ત્રી અતુલભાઈ રમણીકલાલ સંઘવી  આજે મધ્યરાત્રીના  ફેસબુક લાઈવ દરમિયાન હાર્ટએટેક આવતા  ૬૧ વર્ષની વયે દુઃખદ અવસાન થયેલ છે. અતુલ સંઘવીનો જન્મ રાજકોટમાં તા.૩૦/૩/૧૯૬૧ નારોજ થયેલ. સંઘવી એ રાજકોટમાં પ્રાથમિક અને હાઇસ્કુલનું શિક્ષણ પ્રાપ્ત કરી રાજકોટની  સરકારી એ. એમ. પી. લો કોલેજ માં કાયદાનો અભ્યાસ પૂર્ણ કરી ૧૯૮૩ થી  વકીલાતના વ્યવસાયમાં જોડાયેલા હતા.

અતુલભાઈ માતાપિતાના ધર્મપરાયણતાના અને જીવદયાના સંસ્કારોના કારણે રાજકોટની અનેકવિધ સામાજીક, સેવાકીય અને જીવદયા ને લગતી સંસ્થા સાથે જોડાયેલા છે એટલું જ નહીં પરંતુ આ સંસ્થાઓના પ્રકલ્પોમાં તન; મન અને ધન થી જોડાયેલા હતા.

સંઘવી રાજકોટમાં અનેક રાષ્ટ્રીય કૃત બેંકો, સહકારી બેંકો, અને પ્રાઈવેટ બેંકોમાં એડવોકેટની પેનલ ઉપર વર્ષોથી કાર્યરત હતા.રાજકોટ ની જાણીતી સંસ્થા “બોલબાલા” ટ્રસ્ટ ની અનેકવિધ સામાજીક; સેવાકીય પ્રકલ્પોમાં જોડાયેલા હતા. રાજકોટ સિટી પોલીસ અને બોલબાલા ટ્રસ્ટના ટ્રાફિકના લગતા અનેક પ્રોજેક્ટમાં અગ્રેસર રહી  કો-ઓર્ડિનેટર તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા.

ગત વર્ષે કોરોનાના કારણે લોકડાઉન ના સમયે આશરે અઢી માસ સુંધી રાજકોટના પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ બોલબાલા ટ્રસ્ટ ના પ્રયાસોથી  અને રાજકોટના  દાતાઓના સહયોગથી બંને ટાઈમ હજારો લોકોને ભોજનનો પ્રબંધ કરવામાં સંઘવી અગ્રેસર રહ્યા હતા. સંઘવી ની આ સેવાઓ ધ્યાનમાં લઈને રાજકોટની જાણીતી સામાજીક સંસ્થા “દીકરાના ઘર” દ્વારા કોરોના  વોરિયર્સ તરીકે સન્માનિત કરેલ હતા.

સંઘવી રાજકોટ સિટી પોલીસની સુરક્ષા સેતુ સોસાયટીના અનેક મહત્વના પ્રોજેક્ટ સાથે જોડાયેલા હતા.રાજકોટ સિટી પોલીસના કર્મીઓ અને પરીવારના આશરે ૧૦,૦૦૦ વ્યક્તિનો બ્લડ ગ્રુપ નો ડેટા એકત્રિત કરવાના કાર્યક્રમમાં મહત્વનું યોગદાન રહેલ હતું.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.