ગીર સોમનાથ જિલ્લામાં 13 થી 15 ઓગસ્ટ “હર ઘર તિરંગા” અભિયાન

આયોજન અંગે કલેક્ટર રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

અબતક, અતુલ કોટેચા, વેરાવળ

ભારત જેવા મહાન રાષ્ટ્રની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આ ગૌરવપૂર્ણ પ્રસંગની ભવ્ય ઉજવણીનાં ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં તા. 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાનાર છે. આ અભિયાનનાં સુચારૂ આયોજન અંગે ગીર સોમનાથ જિલ્લામાં પણ જિલ્લા કલેકટર શ્રી રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને ઈણાજ, જિલ્લા સેવાસદન ખાતે બેઠક યોજાઇ હતી.

હર ઘર તિરંગા અભિયાન  અંતર્ગત દરેક ઘર, સરકારી કચેરીઓ, ઔદ્યોગિક એકમો, સ્કુલ-કોલેજો, પોલીસ સ્ટેશનો, સસ્તા ભાવની અનાજની દુકાનો, પેટ્રોલપંપ, હોટલો, દુકાનો  દૂધ મંડળીઓ, ખાનગી સંસ્થાઓ,  એ.પી.એમ.સી., સહકારી મંડળીઓ, સહિતનાં સ્થળોએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશપ્રેમ વ્યક્ત કરવામાં આવશે. ઝંડાના વેચાણ માટે ગુજરાત રાજ્યની ખાદી કામગીરી સાથે સંકળાયેલ સંસ્થાઓ દ્વારા ઝંડા ઉપલબ્ધ કરાવવામાં આવશે.