Abtak Media Google News

ઉસ્માન ખ્વાજા બેવડી ચૂક્યો: કેમરૂન ગ્રીને પણ સદી ફટકારી: ઓસ્ટ્રેલીયાનો સ્કોર 409/8

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની ટીમે જંગી જુમલો ખડકી ભારત પર મનોવૈજ્ઞાનિક દબાણ લાવી દીધું છે. ઓપનર ઉસ્માન ખ્વાજા બેવડી સદી ચુકી ગયો હતો. કેમરૂન ગ્રીને પણ આજે આકર્ષક સદી ફટકારી હતી. ચાના વિરામ સુધીમાં ઓસ્ટ્રેલિયાની ટીમે આઠ વિકેટ ગુમાવીને 409 રન બનાવી લીધા છે.

ગઇકાલે ભારત અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનની વિશેષ ઉ5સ્થિતિમાં શરૂ થયેલી ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના સુકાનીએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓપનર ઉસ્માન ખ્વાજાની સદીની મદદથી ઓસ્ટ્રેલીયાએ પ્રથમ દિવસની રમતના અંતે ચાર વિકેટના ભોગે 255 રન બનાવ્યાં હતાં. ગઇકાલે 49 રન સાથે અણનમ રહેલા કેમરૂન ગ્રીને આજે શાનદાર સદી ફટકારી હતી. તે 170 બોલમાં 114 રન બનાવી અશ્ર્વિનનો શિકાર બન્યો હતો. ખ્વાજા અને ગ્રીન વચ્ચે પાંચમી વિકેટ માટે 208 રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાઇ હતી. 378 રનના સ્કોરે ઓસ્ટ્રેલિયાની બે વિકેટો ધરાશાયી થઇ જતાં એવું લાગી રહ્યું હતું કે મેચ પર ભારત પકડ બનાવી લેશે.

પરંતુ એક છેડો સાચવીને ઉભેલો ઓપનર ઉસ્માન ખ્વાજા બેવડી સદી ભણી આગળ વધી રહ્યો હતો ત્યારે અક્ષર પટેલ ત્રાટક્યો હતો અને ઉસ્માનને 180 રને એલ.બી.ડબલ્યૂ કરી આઉટ કર્યો હતો. નાથન લાયન 6 અને ટોડ મરફી ઝીરો રન સાથે બેટીંગ કરી રહ્યા છે. આ લખાઇ રહ્યું છે ત્યારે ઓસ્ટ્રેલિયાએ આઠ વિકેટના ભોગે 409 રન બનાવી લીધા છે. ભારત તરફથી અશ્ર્વિને ચાર, મહમંદ શામીએ બે જ્યારે અક્ષર અને રવિન્દ્ર જાડેજાએ એક-એક વિકેટ ઝડપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.