Abtak Media Google News

તમારી લોકપ્રિયતાથી મને મુશ્કેલી થઇ રહી છે, અમેરીકામાં તમારી સાથેની ડિનર ઇવેન્ટમાં ભાગ લેવા માટે એટલી ભલામણો આવી કે અમે થાકી ગયા : બીડેને મોદી સમક્ષ વર્ણવી વાસ્તવિકતા

જેને જગત જમાદારનું બિરુદ મળ્યું છે તેવા દેશ અમેરિકાના સર્વેસર્વા એટલે કે ત્યાંના રાષ્ટ્રપ્રમુખ કરતા પણ મોદી વધુ લોકપ્રિયતા ધરાવે છે. ખુદ રાષ્ટ્ર પ્રમુખ બીડને આ વાત સ્વીકારી છે અને ત્યાં સુધી પણ કહ્યું કે મારે તમારો ઓટોગ્રાફ લેવાની જરૂર છે.

જાપાનમાં ક્વાડ મીટિંગ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અલ્બેનિસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાતચીત કરી હળવી પળો માણી હતી. રાષ્ટ્રપતિ બાઈડેન પીએમ મોદી પાસે આવ્યા અને કહ્યું હતું કે, સિડનીમાં તેઓના સ્વાગત માટેના સ્થળ પર 20 હજાર લોકોની ક્ષમતા છે, પરંતુ અહીં મોટી સંખ્યામાં લોકો આવવા માંગે છે.

બાઈડેનને કહ્યું હતું કે, તમે મારા માટે એક સમસ્યા ઊભી કરી રહ્યાં છો. આવતા મહિને અમે તમારા માટે વોશિંગ્ટનમાં ડિનર ઇવેન્ટ રાખીશું. સમગ્ર દેશમાં દરેક વ્યક્તિ આવવા માંગે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી માંડી સંબંધીઓ સુધી તમામ લોકોની આ કાર્યક્રમમાં સામેલ થવા માટે ભલામણ આવી રહી છે. આ ભલામણોએ મુશ્કેલી ઉભી કરી છે.

ઓસ્ટ્રેલિયન પીએમએ યાદ કર્યું હતું કે, કેવી રીતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 90,000થી વધુ લોકો તેમનું સ્વાગત કરવા માટે આવ્યા હતા. તેના પર જો બાઈડેને હસતા હસતા પીએમ મોદીને કહ્યું હતું કે, મારે તમારો ઓટોગ્રાફ લેવો જોઈએ.

બીજી તરફ બિડેને ક્વાડ સાથે ભારતના ગાઢ જોડાણ માટે મોદીની પણ પ્રશંસા કરી હતી. તેઓએ કહ્યું કે મિસ્ટર વડા પ્રધાન, ક્વાડમાં તમે નોંધપાત્ર અસર કરી છે. તમે આબોહવા પરિવર્તનમાં પણ મૂળભૂત પરિવર્તન કર્યું છે. ઈન્ડો-પેસિફિકમાં તમારો પ્રભાવ છે. તમે પરિવર્તન લાવી રહ્યા છો.

Papua New Guinea

પપુઆ ન્યુ ગિનીના વડાપ્રધાને મોદીના પગે પડી સ્વાગત કર્યું

સૂર્યાસ્ત બાદ કોઈનું સ્વાગત ન કરતા દેશે મહેમાન બનીને આવેલા વડાપ્રધાન મોદી માટે પોતાની પરંપરા તોડી

જાપાનમાં જી -7 શિખર સંમેલનમાં સામેલ થયા બાદ વડાપ્રધાન મોદી પાપુઆ ન્યૂ ગિની પહોંચ્યા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પાપુઆ ન્યૂ ગિની એરપોર્ટ પર યજમાન દેશના વડાપ્રધાન જેમ્સ મારાપેએ પીએમ મોદીના પગે લાગીને તેમનું સ્વાગત કર્યું. ભારત તરફથી નરેન્દ્ર મોદી પહેલા વડાપ્રધાન છે જે પાપુઆ ન્યૂ ગિનીની મુલાકાતે પહોંચ્યા હતા.

વડાપ્રધાન મોદીનું આ સ્વાગત એટલા માટે પણ ખાસ છે કેમ કે તે દેશનો નિયમ છે કે ત્યાં સૂર્યાસ્ત બાદ આવનારા કોઈ પણ નેતાનું ઔપચારિક સ્વાગત નથી કરાતું, પરંતુ વડાપ્રધાન મોદી પહોંચ્યા બાદ તેમનું ભવ્ય સ્વાગત કર્યું છે. વડાપ્રધાન મોદી તેઓ પહેલી વ્યક્તિ છે જેમના માટે આ દેશે પોતાની જૂની પરંપરા તોડી છે.

પ્રશાંત મહાસાગરમાં આવેલા આ દ્વીપ દેશ રાતના સમયમાં વિદેશી મહેમાનોનું રાજકીય સન્માન સાથે સ્વાગત નથી કરાતું પરંતુ ભારતનું મહત્વ અને વૈશ્વિક મંચ પર વડાપ્રધાન મોદીની વધતી સાખને જોતા અહીંની સરકારે પોતાની વર્ષો જૂની પરંપરા તોડી પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.