Abtak Media Google News

છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૯૮ તાલુકાઓમાં વરસાદ વરસ્યો સવારે જૂનાગઢના માંગરોળમાં ૧ ઈંચ અને વેરાવળમાં પોણો ઈંચ વરસાદ

રાજકોટમાં પણ પોણો ઈંચ વરસાદ: તીરૂપતિ નગરમાં ઘેઘુર વૃક્ષ ધરાશાયી થતા ચાર વીજપોલ તુટયા: શ્વાનનું મોત

દક્ષિણ ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું રવિવારે વિધિવત આગમન થઈ ગયું છે. આગામી ૪૮ કલાકમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના બાકી રહેતા વિસ્તારોમાં ચોમાસુ બેસી જાય તેવી હૈયે ટાઢક આજથી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દરમિયાન રવિવારે રાજ્યભરમાં મેઘરાજાએ મહેર ઉતારી હતી. સૌરાષ્ટ્રમાં અવિરત વરસાદ વરસવાનું ચાલુ જ છે. સુરેન્દ્રનગરના ચુડામાં ૪॥ ઈંચ અને લીંબડીમાં ૩ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. આજે સવારે પણ ૨૦ તાલુકામાં વરસાદ પડ્યો હોવાનું નોંધાય છે.

સવારે ૨ કલાકમાં જૂનાગઢના માંગરોળમાં ૧ ઈંચ અને વેરાવળમાં પોણો ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. હજુ બે દિવસ સૌરાષ્ટ્રમાં ભારે ગાજવીજ સાથે ૨ થી લઈ ૫ ઈંચ સુધી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

Dsc 1013

ગઈકાલે રવિવારે સવારથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં મેઘાવી માહોલ જોવા મળ્યો હતો. રાજકોટમાં પણ સવારે પોણો ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. સમી સાંજે ફરી મેઘાનું આગમન થયું હતું. મોડીરાત્રે ફરી ધોધમાર વરસાદ પડ્યો હતો. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યાનુસાર છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૯૮ તાલુકાઓમાં હળવા ઝાપટાંથી લઈ ૪॥ ઈંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. સૌથી વધુ વરસાદ સુરેન્દ્રનગરના ચુડામાં ૪॥ ઈંચ પડ્યો છે. જ્યારે અમદાવાદના ધંધુકામાં ૪ ઈંચ વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં લીંબડીમાં ૩, રાણપુરમાં ૨॥ વિંછીયા ૨, ગઢડા ૨, ગાંધીધામ ૨, વઢવાણ ૧॥ લોધીકા  ૧॥ રાપર ૧, બોટાદ ૧, ગોંડલ ૧, જસદણમાં ૧, વિસાવદર ૧, જામકંડોરણા, રાણાવાવમાં પોણો ઈંચ, અમરેલી, દસાડા પોણો ઈંચ, કુતિયાણા, ભચાઉ, ટંકારા, પડધરી, ધોરાજી, લખતર, લાઠી, ભુજ સહિતના તાલુકાઓમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. આજે સવારથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. સવારે ૬ થી ૮ના બે કલાકના સમયગાળામાં રાજ્યના ૨૦ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં ૧ ઈંચ, ગીર સોમનાથના વેરાવળમાં પોણો ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ગઢડા, માળીયા હાટીના, ચોટીલા, બરવાળા સહિતના સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં જોરદાર ઝાપટાં વરસી ગયા હતા.

આજે ૨ થી ૫ ઈંચ સુધી વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ચૂકયું છે. આગામી ૪૮ કલાકમાં સૌરાષ્ટ્ર અને રાજ્યના બાકી રહેતા વિસ્તારોમાં ચોમાસુ બેસી જાય તેવી આગાહી આપવામાં આવી છે. હાલ રાજસ્થાન ઉપર સાયકલોનિક સર્ક્યુલેશન છે. સાથે મહારાષ્ટ્ર ઉપર પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. ઈસ્ટ વેસ્ટ સીયર ઝોન હોવાના કારણે આગામી ૨ થી ૩ દિવસ સૌરાષ્ટ્રમાં ભારે ગાજવીજ સાથે ૨ થી લઈ ૫ ઈંચ સુધી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. પશ્ર્ચિમથી પૂર્વ ભારત સુધી સીયર ઝોન હોવાના કારણે સીબી ફોર્મેશન સર્જાશે અને તેના કારણે સતત વરસાદ ચાલુ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. રાજ્યમાં ચાલુ સાલ નિર્ધારીત સમય કરતા એક દિવસ વહેલુ ચોમાસુ બેસી ગયું છે અને પ્રિ-મોન્સુન એક્ટિવીટીના સમયમાં પણ સારો વરસાદ વરસી ગયો હોય ખેડૂતોમાં ખુશાલી જોવા મળી રહી છે. સારો વરસાદ આપે તેવી એક પછી એક સીસ્ટમો પણ સક્રિય થઈ રહી છે.

Img 20200615 092631

ભાદર સહિત સૌરાષ્ટ્રના ૧૬ જળાશયોમાં પાણીની આવક

રવિવારે રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ રહ્યો છે. ગઈકાલે સૌરાષ્ટ્રમાં પડેલા હળવા ઝાપટાંથી લઈ ૫ ઈંચ સુધી વરસાદના કારણે જળાશયોમાં પાણીની આવક થવા પામી છે. ભાદર સહિત ૧૬ ડેમમાં નવું પાણી આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમના જણાવ્યાનુસાર છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાદર ડેમમાં ૦.૩૦ ફૂટ, ફોફળમાં ૦.૫૯ ફૂટ, વેણુ-૨માં ૦.૬૬ ફૂટ, આજી-૨માં ૦.૭૨ ફૂટ, આજી-૩માં ૦.૧૩ ફૂટ, વેરીમાં ૦.૩૩ ફૂટ, ન્યારી-૧માં ૦.૬૬ ફૂટ, ફાડદંગ બેટીમાં ૦.૪૯ ફૂટ, ખોડાપીપરમાં ૫.૫૮ ફૂટ, ડેમી-૧માં ૦.૧૦ ફૂટ, ડેમી-૨માં ૦.૧૬ ફૂટ, બ્રાહ્મણી-૨માં ૦.૩૩ ફૂટ, ઉમિયા સાગરમાં ૦.૧૬ ફૂટ, વાસલમાં ૦.૪૯ ફૂટ, ત્રિવેણીઠાંગામાં ૦.૬૬ ફૂટ અને ધારીમાં ૨.૯૫ ફૂટ નવા પાણીની આવક થવા પામી છે.

પ્રિ-મોન્સુન એક્ટિવીટીના ભાગરૂપે પડેલા અગાઉના વરસાદમાં પણ જળાશયોમાં માતબર પાણીની આવક થવા પામી હતી. હજુ ધીમીધારે જળાશયોમાં પાણીની આવક થઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.