ગોલ્ડન બુક દ્વારા ડો.સંજય પંડયાને વર્લ્ડ રેકોર્ડ એનાયત

આખા વિશ્ર્વમાં ૯ માર્ચનો દિવસ વિશ્ર્વ કિડની દિવસ તરીકે ઉજવાય છે અને રાજકોટમાં આ ઉજવણી કંઈક અનોખી રીતે કરાઈ હતી. રાજકોટના સિનીયર નેફ્રોલોજીસ્ટ (કિડની નિષ્ણાત) ડો.સંજય પંડયા અને કિડની એજયુકેશન ફાઉન્ડેશન દ્વારા તેમની વેબસાઈટની વિશ્ર્વકક્ષાએ નોંધ લેવાય તે રીતે તેમની સિદ્ધિને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પાનામાં સ્થાન પમાડાવી અને વિશ્ર્વ કીડની દિવસની પૂર્વ સંધ્યાએ વિશ્ર્વ વિક્રમ સ્થાપી કિડની અંગેની જનજાગૃતિ ઝુંબેશને એક અલગ ઉંચાઈ પ્રાપ્ત કરાવી હતી.

ડો.સંજય પંડયા દ્વારા છેલ્લા ૧૨ વર્ષથી કિડની અંગે જન જાગૃતિ ફેલાવવા માટે કિડની એજયુકેશન ફાઉન્ડેશન નામે સંસ્થાની સ્થાપના કરી અને  www.kidney education.com  વેબસાઈટ બનાવી તેના પર નિ:શુલ્ક રીતે ૩૦ ભાષામાં કિડની અંગેની સંપૂર્ણ માહિતી સરળતાથી અને નિ:શુલ્ક પ્રાપ્ત થાય તે માટે પ્રસ્તુત કરવામાં આવી છે. આ સિદ્ધિને અમેરિકા સ્થિત ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા નોંધ લેવામાં આવી અને તેને એક જ વેબસાઈટ પર મહતમ ભાષામાં પુસ્તક પ્રાપ્ય હોય તેવી વેબસાઈટ તરીકેનો વિશ્ર્વ રેકોર્ડ એનાયત કરાયો. આ એવોર્ડ ફકત કિડની એજયુકેશન સંસ્થાનો જ ન હોય તેને રાજકોટ શહેર વતી રાજકોટના મેયર જયમન ઉપાધ્યાય, મેડિકલ આલમ વતી રાજકોટ આઈએમએના પ્રેસિડન્ટ ડો.દિલીપ પટેલ, કિડની એજયુકેશન ફાઉન્ડેશન વતી તેમના ચીફ મેન્ટર ડો.સંજય પંડયા, રાજકોટના સીનીયર સર્જન ડો.હેમાણી અને ફિઝીસિયન એસોસીએશનના પ્રમુખ ડો.પ્રતાપ જેઠવાણીએ તેનો સ્વિકાર કર્યો હતો. આ પ્રસંગે ડો.એન.વી.શાહ, ડો.ભરત કાકડીયા, ડો.ભરત પારેખ, ડો.યસુબેન શાહ, ડો.અમિત હાપાણી અને ડો.કલ્પીત સંઘવી હાજર રહ્યા હતા અને કાર્યક્રમનું સંચાલન જાણીતા કાર્ડીઓથેરાસિક સર્જન ડો.દેવેન્દ્ર ડેકીવાડીયાએ કરેલ હતું. તેમજ રાજકોટના અગ્રણી ડોકટરો અને શ્રેષ્ઠીઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ એવોર્ડને વધાવવા માટે ૪૦૦ થી વધુ લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.