સૌરાષ્ટ્રની અયોધ્યાનગરી એટલે ‘રામવન’

DCIM100MEDIADJI_0162.JPG

અર્બન ફોરેસ્ટમાં પગ મૂકતાની સાથે જ થશે ભગવાન શ્રીરામના સાક્ષાત્કારની અનુભૂતિ

રાજકોટવાસીઓને ટૂંક સમયમાં જ સર્વશ્રેષ્ઠ ફરવા લાયક સ્થળ પ્રાપ્ત થશે. આજી ડેમ પાસે કોર્પોરેશન દ્વારા 47 એકર જમીન પર વિશાળ રામવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જ્યાં પગ મૂકતાની સાથે જ સહેલાણીઓને ભગવાન શ્રીરામના સાક્ષાત્કારની અલૌકીક અનુભૂતિ થાય તેવો અદ્વિતીય માહોલ ઉભો કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આ રામવન સહેલાણી માટે ખૂલ્લુ મુકી દેવામાં આવશે. હાલ મોટાભાગની કામગીરી પૂર્ણતાની આરે છે.

કોર્પોરેશન દ્વારા આજી ડેમ પાસે અઢળક કુદરતી સૌર્દ્યના સાંનિધ્યમાં રામવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જ્યાં રૂ.7.63 કરોડના ખર્ચે સિવિલ વર્ક કરવામાં આવ્યું છે. જેમાં એમ્ફી થિયેટર, ફૂડ કોર્ટ, ગેઇટ, બે તળાવ, ઓફિસ, પાથ વે, કમ્પાઉન્ડ હોલ, રામસેતુ, બાર રાશિઓનું વન, 6 ગઝેબો, બાલક્રિડાંગણ અને ટોઇલેટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. મોટાભાગની કામગીરી હાલ પૂર્ણ થઇ જવા પામી છે. આ ઉપરાંત 47 એકરમાં નિર્માણ પામી રહેલા રામવનમાં રૂ.1.61 કરોડના ખર્ચે અલગ-અલગ 22 સ્કલ્પચર બનાવવા આવ્યા છે.

જેમાં મુખ્ય દરવાજો ભગવાન શ્રીરામના ધનુષ બાણ સાથે નિર્માણ પામ્યો છે. આ ઉપરાંત ભગવાન શ્રીરામની વિશાળ પ્રતિમા અને રામ અને કેવટ મિલનનું સ્કલ્પચર, રામ-સિતા અને લક્ષ્મણનું સ્કલ્પચર, જટાયું દ્વાર, રામ-લક્ષ્મણ અને શબરીનું સ્કલ્પચર, ચાખડી, રામ-સુગ્રીવ અને જામવનનું સ્કલ્પચર, રામસેતુ પાસે વાનર સેના, સંજીવની પહાડ સાથે હનુમાનજી, રામરાજ્યાભિષેક, વનવાસ પથ, સોફા ટાઇપ બેચ, સાદી બેચ, રેલીંગ, આર્ટ ગઝેબો, સાદા ગઝેબો, લાકડા જેવો પુલ, દિવાલ પર ક્લેડીંગ, યોગ કરતા પુતળા, પાથ પર મ્યુરલ કામ અને રામ-સીતાનો વનવાસ જેવા સ્કલ્પચરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

અર્બન ફોરેસ્ટ અર્થાત રામવનમાં પગ મૂકતાની સાથે સહેલાણીઓને જાણે અયોધ્યા નગરીમાં આવ્યા હોય તેવો અદ્ભૂત અહેસાસ થશે. બીજા શબ્દોમાં કહ્યે તો રામવન સૌરાષ્ટ્રવાસીઓ માટે અયોધ્યાનગરીની ગરજ સારશે. અહિં મુલાકાત દરમિયાન સતત લોકો ભગવાન શ્રીરામના સાંનિધ્યમાં હોય તે રીતે સતત રામધૂનનું ગાન ચાલુ રહેશે. હાલ રામવનના નિર્માણ કામ અંતિમ તબક્કામાં ચાલુ રહ્યું છે. સંભવત: આવતા મહિને 15મી ઓગસ્ટ આસપાસ તેને રાજકોટવાસીઓ માટે ખૂલ્લુ મુકી દેવામાં આવશે.

રામવનનું આકર્ષણ બનશે આ સ્કલ્પચર

*  ધનુષ-બાણ સાથેનો મુખ્ય દરવાજો

* ભગવાન શ્રીરામની વિશાળ કદની પ્રતિમા

* રામ અને કેવટનું સ્કલ્પચર

* રામ-સીતા-લક્ષ્મણનું સ્કલ્પચર

* જટાયુ દ્વાર

* રામ-લક્ષ્મણ-સબરીનું મિલન

* ચાખડી

* રામ-સુગ્રીવ અને જામવનનું સ્કલ્પચર

* રામસેતુ પાસે વાનર સેના

* સંજીવની પહાડ સાથે હનુમાનજી

* રામરાજ્યાભિષેક