Abtak Media Google News

વેરીફિકેશન કર્યા બાદ કાર્ડ કઢાવનાર સામે આકરી કાર્યવાહી

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પણ ૪૩૨ જેટલાં આયુષ્માન કાર્ડ શંકાસ્પદ નીકળ્યાં છે. જિલ્લાના ગરીબીરેખા હેઠળના ૧.૨૫ લાખ પરિવારના ૫.૬૦ લાખ સભ્યનો આયુષ્માન ભારત યોજનામાં સમાવેશ થશે, ત્યારે શંકાસ્પદ કાર્ડ નીકળતાં અનેક શંકાકુશંકા સેવાઈ રહી છે. રાજ્ય સ્તરેથી શંકાસ્પદ ૪૩૨ કાર્ડની યાદી જિલ્લાને અપાઈ છે. જિલ્લાના આરોગ્ય વિભાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર આ તમામ કાર્ડનું ભારતના ડીપીઈઓ અવનિ પ્રજાપતિ વેરિફિકેશન કરશે. ત્યાર બાદ બોગસ કાર્ડ કાઢી આપનાર અને કઢાવનાર સામે કાયદાકીય કાર્યવાહી કરાશે.

કેન્દ્ર સરકારે ૨૩ સપ્ટેમ્બર, ૨૦૧૮એ પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અમલી કરી છે. આયુષ્યમાન ભારતના નામે ઓળખાતી આ યોજના થકી વર્ષ ૨૦૧૧ની વસ્તીગણતરી સમયે ગરીબીરેખા હેઠળ નોંધાયેલા પરિવારોને રૂ. ૫ લાખ સુધીની સારવાર ખાનગી અથવા સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે મળે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આ યાદી મુજબ નોંધાયેલા ૧.૨૫ લાખ પરિવારોના ૫.૬૦ લાખ સભ્ય આ યોજનામાં સમાવિષ્ટ થનાર છે. અત્યાર સુધીમાં જિલ્લામાં ૨.૭૬ લાખ લોકોના આયુષ્યમાન કાર્ડ નીકળી ગયાં છે પરંતુ દેશ અને રાજયોના અન્ય ભાગોમાં બોગસ આયુષ્યમાન કાર્ડની ફરિયાદો ઊઠતાં આરોગ્ય વિભાગે સતર્ક બનીને તપાસ આરંભી હતી.

7537D2F3 3

૧ વર્ષ ૨૦૧૧ની યાદી મુજબ આયુષ્યમાનના ડેટામાં અમુક હાઉસ નંબર નીલ (કોઈનું નામ ન હોય તેવાં) બતાવાય છે. આ ઘરના નંબરોમાં કોઈ પણ વ્યક્તિ કે જેનું યાદીમાં નામ ન હોય તેનું નામ લખી બોગસ આયુષ્યમાન કાર્ડ બનાવાય છે. ૨ આયુષ્યમાનની યાદી મુજબ નીકળેલા કાર્ડમાં ભાણેજ, ભત્રીજાનું નામ ઉમેરી કાર્ડ બનાવાય છે. ત્યારબાદ નીકળેલા કાર્ડના દરેક લોહીના સબંધવાળા વ્યકિતઓના કાર્ડ એક પછી એક ઉમેરી બોગસ કાર્ડ બનાવવામાં આવે છે.

સરકારે આયુષ્યમાન કાર્ડ કાઢવા માટે સીએસસી કોમન સર્વીસ સેન્ટર શરૂ કર્યા છે. આ કોમન સર્વીસ સેન્ટર પર યાદીમાં નામ ન હોવા છતાં બોગસ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાની ફરિયાદો તંત્રને મળી છે. જેમાં બોગસ કાર્ડ કાઢવાના રૂપિયા ૨ થી ૫ હજાર લેવાતા હોવાની પણ ફરિયાદો મળી છે. અન્ય સ્થળોએ બોગસ કાર્ડની ફરિયાદોને આધારે તપાસ કરતાં ઝીંઝુવાડામાં એક જ આઇડીથી નીકળેલાં ૨૨ શંકાસ્પદ કાર્ડની તપાસ કરાઈ હતી, જેમાંથી ૧૬ કાર્ડ બોગસ હોવાનું ધ્યાને આવતાં બ્લોક કરી દેવાયાં છે. ઝીંઝુવાડા પીએચસીના પ્રધાનમંત્રી આરોગ્યમિત્ર જીતકુમારના આઇડીમાંથી બન્યા હોવાનું બહાર આવતાં તેમણે જ પોલીસ મથકે જાણવાજોગ અરજી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.