ચુસ્ત સુરક્ષા વચ્ચે બાબા બુઢ્ઢા અમરનાથની યાત્રાનો કાલથી પ્રારંભ : લેફટનન્ટ ગવર્નરે પ્રથમ બેચને લીલી ઝંડી આપી

કોરોનાના બે વર્ષ બાદ યાત્રા શરૂ થતાં વિક્રમી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાની પ્રબળ શકયતા

જમ્મુ અને કાશ્મીરના લેફટીનેન્ટ ગવર્નર મનોજ સિન્હાએ જમ્મુ બેઝ કેમ્પથી અમરનાથ યાત્રાના યાત્રીઓની પ્રથમ બેચને લીલી ઝંડી બતાવી. વાર્ષિક અમરનાથ યાત્રાઆવતીકાલે એટલે કે 30 જૂનથી ઔપચારિક રીતે શરૂ થઈ રહી છે. કોરોના રોગચાળાને કારણે બે વર્ષથી બંધ પડેલી આ યાત્રામાં આ વખતે વિક્રમી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાની આશા છે. યાત્રાને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર પ્રશાસને અનુમાન લગાવ્યું છે કે આ વખતે આઠ લાખથી વધુ શ્રદ્ધાળુઓ યાત્રા માટે આવી શકે છે.

અગાઉ, યાત્રાની સુરક્ષાની સમીક્ષા કરતી વખતે, એલજી સિંહાએ કહ્યું હતું કે કેન્દ્રશાસિત પ્રદેશના લોકો મુલાકાતી તીર્થયાત્રીઓને આવકારવા માટે ઉત્સાહિત છે. સિંહાએ ભગવતીનગરમાં યાત્રી નિવાસ બેઝ કેમ્પની મુલાકાત લીધી હતી અને યાત્રાની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. સિન્હાએ કહ્યું, સુરક્ષા દળો એલર્ટ પર છે. યાત્રાના સુચારુ આયોજન માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

અમરનાથ યાત્રા 30 જૂનથી બે રૂટમાં શરૂ થશે. પ્રથમ 48 કિલોમીટર લાંબો પરંપરાગત માર્ગ જે દક્ષિણ કાશ્મીરના પહેલગામથી શરૂ થાય છે. બીજો 14 કિલોમીટર લાંબો માર્ગ મધ્ય કાશ્મીરના બાલતાલથી શરૂ થાય છે. નોંધનીય છે કે 2019 માં, કલમ 370 ને કારણે યાત્રાને અધવચ્ચે અટકાવી દેવામાં આવી હતી અને પછી કોવિડ રોગચાળાને કારણે યાત્રા બે વર્ષ સુધી થઈ શકી ન હતી. અત્યાર સુધીમાં લગભગ ત્રણ લાખ શ્રદ્ધાળુઓએ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેમણે કહ્યું કે જમ્મુ શહેરમાં તીર્થયાત્રા માટે ઓછામાં ઓછા પાંચ હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવશે. શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ તીર્થયાત્રા કરવા ઈચ્છુક શ્રદ્ધાળુઓ માટે તમામ વ્યવસ્થા કરી રહ્યું છે. આ સાથે તેમણે જે લોકો મુસાફરી કરી શકતા નથી તેમના માટે ઓનલાઈન દર્શનની પણ વ્યવસ્થા કરી છે. બોર્ડે મુસાફરી કરવા ઇચ્છુક લોકોને આધાર કાર્ડ અથવા અન્ય બાયોમેટ્રિક પ્રમાણિત દસ્તાવેજો લાવવા જણાવ્યું છે. આ યાત્રા 30 જૂને શરૂ થશે અને રક્ષાબંધનના દિવસે 11 ઓગસ્ટે સમાપ્ત થશે.