Abtak Media Google News

કોરોના વાયરસની બીજી લહેર હજુ સમી નથી ત્યાં હવે વાયરસની ત્રીજી લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે. કોરોના મહામારીના બીજા તબક્કાએ દેશભરમાં હાહાકાર મચાવી દીધો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો, ઉપરાંત ડોક્ટર-વૈજ્ઞાનિકોએ આ સામે લડવા ઘણા મહત્વપૂર્ણ પગલાંઓ લીધા છે. બીજી લહેર હવે અંત તરફ હોય તેવું દેખાય રહ્યું છે. આ લહેરના અંત સાથે આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં ત્રીજી લહેરનું આગમન થવાની દહેશત ઉભી થઇ છે. વૈજ્ઞાનિકોના મંતવ્ય મુજબ, ત્રીજી લહેર બાળકો માટે વધુ ઘાતકી સાબિત થઈ શકે છે. પ્રથમ લહેરે વરિષ્ઠ નાગરિકો, બીજી લહેરે યુવાનો તો હવે ત્રીજી લહેર બાળકોને પોતાના ભરડામાં લઈ લે તેવી દહેશત છે.

વાઇરોલોજીસ્ટ ડો. વી રવિએ કોરોનાની ત્રીજી લહેર અંગે ચેતવણી આપતા કહ્યું કે, ‘Covid-19ની ત્રીજી લહેર બાળકો માટે ખુબ ખતરનાક સાબિત થશે, વધુ પ્રમાણમાં બાળકોના મૃત્યુ થઈ શકે છે. અત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેએ ઓક્ટોબર અને ડિસેમ્બર વચ્ચે આવનારી ત્રીજી લહેરનો કેવી રીતે સામનો કરવો તે અંગેની વ્યૂહરચના, વ્યવસ્થા અને ઉપાયો બાબતે અત્યારથી જ તૈયારી કરવી જોઈએ. નહીંતર પરિણામ ગંભીર આવી શકે છે.

School Child
ડો.રવિએ વધુમાં જણાવતા કહ્યું કે, ‘સરકારે આગામી સમયમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવા બાબતે તેમના અભિગમ અંગે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવા જોઈએ, કારણકે ત્રીજી લહેર બાળકોને વધુ અસર કરશે. બાળકોએ રસી લીધી નથી. તેથી તેના માટે આપણે પહેલેથી સાવચેતીના પગલાં લેવા જોઈએ. પશ્ચિમી દેશો જેવી રીતે પરીક્ષણ કરે છે, તેવી રીતે આપણે પણ આ બાબત પર પરીક્ષણ કરવા જઈ રહ્યા છીએ.

ડો.રવિ કર્ણાટકની કોવિડ તકનીકી સલાહકાર સમિતિના સભ્ય છે, તેમણે કોવિડ ચેપગ્રસ્ત બાળકોની સારવાર માટે તબીબી માળખાકીય સુવિધા વિકસાવવાની જરૂર પર ભાર મુકતા કહ્યું કે, ‘આપણી પાસે બાળચિકિત્સા કોવિડ કેર સેન્ટરો અને બાળરોગ માટેના પૂરતા એકમો નથી. આ વસ્તુ પર ધ્યાન આપી તાત્કાલિક તેના ઉપાયો પર અમલીકરણ થવું જોઈએ.’ બીજી લહેરના અંત પછી, સરકારે લોકોની ભીડ ભેગી ના થાય તે બાબતે કેટલાક સખત પગલાં લેવા જોઈએ. કોઈપણ રાજકીય અને ધાર્મિક કાર્યક્રમોને મંજૂરી આપવી જોઈએ નહીં. લગ્ન અથવા બીજા અન્ય ફંકશન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. આપણે આવા કટોકટીમાં આજીવિકા અને અર્થવ્યવસ્થાને પુરેપુરી પ્રાધાન્યતા આપવી ના જોઈએ. ત્રીજી લહેર આવે તે પહેલા આપણે જાગૃત રહેવું પડશે.’

Child 3
Covid-19ની બીજી લહેરનો વ્યાપ કેવી રીતે વધ્યો તે બાબતે ડૉ.રવિ એ કહ્યું કે, ‘સરકાર તકનીકી નિષ્ણાતોની બાબતે થોડી કાચી પડી. ભારતે પ્રથમ લહેરને જે રીતે નિયંત્રિત કરી હતી તે પ્રશંસનીય વાત છે, પરંતુ તે પછી નિષ્ણાતોએ આપેલી બીજી લહેર અંગેની ચેતવણીને ગંભીરતાથી લેવામાં આવી ન હોતી અને આજની પરિસ્થિતિની પાછળનું તે પણ એક કારણ છે.’

ડો. રવિએ થોડા સમય પહેલા બીજી લહેર અંગે આગાહી કરતા કહ્યું હતું કે, ‘મે માસના મધ્યમાં બેંગલુરુમાં બીજી લહેર ટોચ પર હશે અને ત્યારબાદ કેસ ઘટતાં ચાર-છ અઠવાડિયા લાગશે. આ સાથે બેંગલુરુમાં બીજી લહેરનું પ્રમાણ ઓછું થતા પછી પણ અન્ય જિલ્લાઓમાં કેસ વધતા રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.