Abtak Media Google News

અબતક,રાજકોટ

જોડિયા તાલુકાના રસનાળ ગામે રહેતા અને ખેતી કામ કરતા યુવાનને રાજકોટમાં રહેતી કુખ્યાત ટોળકીએ હનીટ્રેપમાં ફસાવી રૂ.1.50 લાખ પડાવી લીધા હતા.જે અંગે યુવાને કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બે મહિલા સહીત ચાર સામે ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જોડિયા તાલુકાના રસનાળ ગામે ખેતીકામ કરતા હર્ષદ કેશવજીભાઇ અઘારા નામના યુવાને કુવાડવા રોડ પોલીસમથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, થોડા દિવસ પૂર્વે તેના મોબાઇલમાં અજાણ્યા નંબર પરથી વીડિયોકોલ આવ્યો અને કટ થઇ ગયો હતો. થોડી વાર બાદ તે નંબર પર સામેથી ફોન કરતા કોઇ યુવતીએ ફોન ઉપાડ્યો હતો. શું કામ છે તેવું પૂછતા તે યુવતી તેની બહેનપણીને લગાવતી હતી અને તમને ભૂલથી લાગી ગયાની વાત કરી હતી.

રાજકોટ બોલાવી નિવસ્ત્ર કરી ધમકી આપી પૈસા પડાવ્યા:
બે મહિલા સહીત ચાર સામે કુવાડવા પોલીસમાં નોંધાતી ફરિયાદ

જેથી તે યુવતીએ મીઠી મીઠી વાત શરૂ કરી પોતે કુંવારા હોવાનું જાણી પોતે પણ કુંવારી હોવાનું કહી લગ્ન કરવાની વાત કરી હતી. ત્યાર બાદ રોજ મોબાઇલ પર વાત કરતા હતા. આ સમયે તે યુવતીનું નામ બેબી હોવાનું કહ્યું હતું. દરમિયાન ગત તા.14ના તેને યુવાનને કુવાડવા ગામે મળવા માટે બોલાવ્યો હતો, પરંતુ પોતે કામમાં રોકાયા હોવાથી જઇ શક્યા ન હતા. બાદમાં બેબીનો તા.15ના ફરી ફોન આવી યુવાનને નવાગામની રંગીલા સોસાયટીમાં સોમનાથ રેસિડેન્સીમાં બપોરે મળવા માટે આવવા કહ્યું હતું. જેથી તે બેબીને મળવા માટે પોહચી ગયો હતો.

આ સમયે બેબી તેના ઘરમાં એકલી હોય અને રૂમમાં લઇ મીઠી મીઠી વાતો શરૂ કરી ચેનચાળા કરી યુવાનના કપડાં કઢાવ્યા હતા. આ જ સમયે એક મહિલા સહિત 3 શખ્સ રૂમમાં ધસી આવી તેઓ બેબીના કાકા-કાકી હોવાનું કહી તું ભત્રીજી સાથે ખરાબ કામ કરે છે તેમ કહી લાકડીથી માર માર્યો હતો. અને છરી બતાવી પોલીસ ફરિયાદ કરવાની વાત કરી હતી. પોલીસ ફરિયાદની વાત કરતા પોતે ગભરાઇ ગયો હતો અને સમાજમાં બદનામ થવાના ડરે આજીજી કરી હતી. ત્યારે બેબીના કાકાએ રૂ.4 લાખ આપ તો જવા દેવાની વાત કરી હતી, પરંતુ એટલા રૂપિયા ન હોવાનું કહ્યું હતું. જેથી તેઓ 1.50માં માની ગયા હતા. જે પૈસા મિત્ર પાસે આંગડિયા મારફતે મગાવ્યા હતા.દોઢ લાખની રકમ બેબીના કાકાએ આંગડિયામાંથી મેળવી લીધા બાદ પોતાને છોડી મુક્યો હતો. બનાવમાં પોતાને શંકા જતા મિત્રને વાત કરતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ બાદ કુવાડવા રોડ પોલીસમથકના પીઆઇ એન.એન.ચુડાસમા, પીએસઆઇ પી.જી.રોહડિયાએ અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂકેલા આરોપીઓના ફોટા દેખાડતા ત્રણ ફોટાને ઓળખી બતાવ્યા હતા.

જેમાં હનીટ્રેપમાં ફસાવનાર ઝીન્નત ઉર્ફે બેબી રફિક મકવાણા હોવાનું, જ્યારે કાકા-કાકીની ઓળખ આપનાર વિહા લખમણ કટારિયા અને હંસા સિંધુ અઘોલા હોવાનું તેમજ એક અજાણ્યો શખ્સ હોવાનું પોલીસે જણાવ્યું હતું. અગાઉ કલ્યાણપુરમાં પકડાયેલી કુવાડવાની હંસાને સકંજામાં લઇ પૂછપરછ શરૂ કરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.