Abtak Media Google News

સોરઠ પંથકમાં આ વર્ષે વાતાવરણ અનુકૂળ ન હોય અને કેશોદ પંથકમાં થીપસ નામની જીવાતો આવતા, કેરીનો પાક બગડી રહ્યા હોવાની ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે ત્યારે ગત વર્ષે જે આંબાવાડીમાં બે લાખનું કેરીનું ઉત્પાદન થયું હતું ત્યાં આ વર્ષે માત્ર 50 હજારનું જ કેરીનું ઉત્પાદન થશે તેવી ભીતિ વર્તાઈ રહી છે જેના કારણે આ વર્ષે કેરીનું ઉત્પાદન ઘટશે અને કેરીના સ્વાદ રસિયાઓને મોંઘા ભાવે રસ મધુર કેસર કેરી ખરીદી કરવી પડે તેવા માઠાં સમાચારો મળી રહ્યા છે.સોરઠમાં તાલાળા બાદ જુનાગઢ નજીકના મેંદરડા, વંથલી અને કેશોદ પંથકમાં કેરીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે છે, અને અહીં કેરીની મોટી મોટી બાગો આવેલી છે. પરંતુ જો આ વિસ્તારના કેરીના ખેડૂતોની વાત માનીએ તો, દર વર્ષ કરતા આ વર્ષે વાતાવરણ કેરીના ઉત્પાદનને માફક આવે તેવું ન હોય જેના કારણે દર વખતે જે કેરીનો ઉતારો આવતો હતો તેના બદલે 50 ટકાથી ઓછો ઉતારો આવે તેવું લાગી રહ્યું છે.

તો વંથલી તાલુકાના કણજા ગામના ખેડૂત લખમણભાઇ ભીમાણીના જણાવ્યા અનુસાર તેનો આંબાનો બગીચો 10 વીઘામાં આવેલો છે, જેમાં બે લાખથી વધુનું કેરીનું ઉત્પાદન ગત વર્ષે થવા પામ્યું હતું. પરંતુ આ વખતે થીપશ નામની જીવાત આવી જતા, કેરી બગડી જવા પામી છે, જેને લઇને માત્ર 50 હજાર જેટલું કેરીનું ઉત્પાદન થાય તેવું લાગી રહ્યું છે. જો કે, અન્ય બાગ ધરાવતા ખેડૂતોના જણાવ્યા અનુસાર આ પરિસ્થિતિ માત્ર  એક બાગ પૂરતી નહીં પરંતુ આસપાસની અનેક બાગોમાં પણ જીવાત થઈ જતાં કેરીનો ઉતારો ઓછો આવે તેવી મૂંઝવણ ખેડૂતો અનુભવી રહ્યા છે.આ અંગે જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના વેપારીના જણાવ્યા અનુસાર દર વર્ષ કરતા આ વર્ષે કેરીનો ઉતાર ઓછો આવે તેવું લાગી રહ્યું છે અને સોદા પણ મોંઘા ભાવમાં પડી રહ્યા છે, ત્યારે આ વર્ષે કેરીના સ્વાદ રસિયાઓને મોંઘા ભાવે રસ મધુર કેસર કેરી ખરીદી કરવી પડે તેવી પરિસ્થિતિ હાલમાં વર્તાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.