બોલના મત: વર્ષ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં સરકારી રૂ. ૪૫૦ કરોડનો ખર્ચ થશે !!!

રાજકીય પક્ષો, ઉમેદવારોનો ખર્ચ ધ્યાને લેવાય તો કુલ ચૂંટણી ખર્ચ રૂ. ૧ હજાર કરોડને આંબે તેવો અંદાજ

ગુજરાત સરકાર આ વર્ષના અંત સુધીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે રૂ. ૪૫૦ કરોડ ખર્ચે તેવી શક્યતા છે. આ રકમ અધિકૃત એજન્સીઓ દ્વારા ચૂંટણી યોજવામાં કરવામાં આવેલ ખર્ચનો અંદાજ છે. નોંધનીય છે કે, આ રકમમાં રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા કરવામાં આવનાર ખર્ચનો સમાવેશ થતો નથી.સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૨૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કુલ ખર્ચ રૂ. ૧ હજાર કરોડથી વધુ થશે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાજ્યની મુખ્ય ચૂંટણી આયોગે રાજ્ય સરકારને વિનંતી કરી છે કે, જ્યારે લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણીઓ યોજાય ત્યારે એક વર્ષમાં બજેટની જોગવાઈ કરવામાં આવે.  વાસ્તવિક ખર્ચ સામાન્ય રીતે બજેટમાં કરવામાં આવેલી કામચલાઉ ફાળવણી કરતાં વધી જાય છે.

૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી માટે અમે ગુજરાત સરકારને વર્ષ ૨૦૨૨-૨૩ માટે રાજ્યના બજેટમાં ૩૮૭ કરોડ રૂપિયાની જોગવાઈ કરવા વિનંતી કરી છે.

વર્ષ ૨૦૧૭ ની વિધાનસભાની ચૂંટણી માટે બજેટમાં રૂ. ૨૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ વાસ્તવિક ખર્ચ રૂ. ૩૨૬ કરોડ થયો હતો. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રાથમિક અંદાજની સામે રૂ. ૩૮૭ કરોડના વાસ્તવિક ખર્ચને ધ્યાનમાં રાખીને અંદાજ મેળવવામાં આવે તો ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી યોજવા માટે રૂ. ૪૫૦ કરોડનો સરકારી ખર્ચ થઈ શકે છે.

ચૂંટણી સ્ટાફ, લોજિસ્ટિક્સ વાહનો, વધેલા મતદાન મથકો અને મહેનતાણુંના ખર્ચમાં ૨૦૧૭ થી નોંધપાત્ર વધારો થયો છે. કામચલાઉ અંદાજમાં કોવિડ -૧૯ પ્રોટોકોલ લાગુ કરવાને કારણે વધારાના નાણાકીય બોજનો સમાવેશ થતો નથી તેવું સૂત્રોએ જણાવ્યું હતું.  ૨૦૨૨ની ચૂંટણીમાં કોવિડ-૧૯ પ્રોટોકોલ લાગુ કરવા પડશે, વધુ બૂથ, સ્ટાફ અને અન્ય સંસાધનોની ફાળવણી કરવી પડશે, ખર્ચને વધુ આગળ ધકેલવો પડશે.ખર્ચનો નવો અંદાજ ચૂંટણી પહેલા જ શક્ય બનશે.

ગુજરાતમાં ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીઓ કરવા માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા આશરે રૂ. ૧૭૫ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ૨૦૧૭ માં વાસ્તવિક ખર્ચ વધીને રૂ. ૩૨૬ કરોડ થયો હતો જે હવે રૂ. ૪૫૦ કરોડના આંકડાને વટાવી જવાનો અંદાજ છે.

જ્યાં સુધી રાજકીય પક્ષોની વાત છે ત્યારે ૨૦૧૭ ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રૂ. ૧૧૧ કરોડનો સતાવાર ખર્ચ દર્શાવ્યો હતો, જ્યારે કોંગ્રેસે રૂ. ૧૮.૪૭ કરોડનો ખર્ચ દર્શાવ્યો હતો.  ચૂંટણી પંચની નવી માર્ગદર્શિકા મુજબ ઉમેદવાર દીઠ ખર્ચ મર્યાદા રૂ. ૨૮ લાખથી વધારીને રૂ. ૪૦ લાખ કરવામાં આવી છે.  કોઈપણ રાજકીય પક્ષ દ્વારા તેમના ઉમેદવારો માટે ખર્ચની કોઈ મર્યાદા નક્કી કરાઈ નથી.