Abtak Media Google News

બળવંતભાઈ મણવરને ૭૫ વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવની શાનદાર ઉજવણી

ઉપલેટા તાલુકાનાં સામાન્ય ડુમિયાણી ગામે ૩૮ વર્ષ પહેલા શિક્ષણી મિશાલ પ્રગટાવનાર અને ગરીબોનાં બેલીનું બિરુદ પામેલ પૂર્વ મંત્રી અને પૂર્વ સાંસદ બળવંતભાઈ મણવરની ૭૫મી વર્ષગાંઠ નિમિતે વ્રજભૂમિ આશ્રમ પરિવાર દ્વારા ગુજરાતભરનાં સામાજીક, રાજકીય, શિક્ષણવિદોની ઉપસ્થિતિમાં અમૃત મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી તેમાં ૫૧ જેટલી નાની-મોટી સંસ્થાઓ દ્વારા બળવંતભાઈ મણવરનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

8

અમૃત મહોત્સવમાં વ્રજભુમિ આશ્રમ શાળાની બાળાઓ દ્વારા સ્વાગત રાસ રજુ કરી આવેલા મહેમાનોનું સ્વાગત કરેલ હતું. જયારે અમૃત મહોત્સવમાં પધારેલા મહેમાનોનું શબ્દરૂપી સ્વાગત અને પરિચય વ્રજભૂમિ આશ્રમ શાળા પરિવારનાં દિલીપભાઈ કોરડીયા દ્વારા કરવામાં આવેલ હતું. આ અમૃત મહોત્સવનાં પ્રમુખ સ્થાને વિશ્ર્વ ઉમિયા પાટીદાર પરિવાર અમદાવાદનાં પ્રમુખ સી.કે.પટેલ ખાસ ઉપસ્થિત રહેલ હતા. આ અમૃત મહોત્સવને ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલ તેમજ ઉપસ્થિત મહેમાનોનાં હસ્તે દિપ પ્રાગટય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જયારે ગરીબોનાં બેલી અને પૂર્વ મંત્રી, સાંસદ બળવંતભાઈ મણવરનાં સામાજીક, રાજકીય અને શૈક્ષણિક કાર્યોને ઉજાગર કરતો ગ્રંથ પરિશ્રમનો વિરડોનું વિમોચન ગોંડલ સ્ટેટનાં જયોર્તિમયસિંહજીકુમારનાં વરદ હસ્તે કરવામાં આવેલ હતું.

9 1

આ અમૃત મહોત્સવનાં પ્રમુખ સ્થાનેથી બોલતા વિશ્ર્વ ઉમિયા પાટીદાર પરિવારનાં પ્રમુખ સી.કે.પટેલે જણાવેલ કે, અત્યારનાં સમયમાં રાજકીય માણસો ગાંધીવાદી જીવન હોય તેમાં બળવંતભાઈ મણવર પણ સામેલ છે. ઉપલેટા તાલુકાનાં નાના એવા ડુમિયાણી ગામને કર્મભૂમિ ગણી આજે વિશાળ આશ્રમમાં કોઈ પણ નાત-જાતનાં ભેદભાવ તમામ સમાજનાં બાળકો આશ્રમ શાળાની કુલ ૧૨ જેટલી ફેકલ્ટીમાં પ્રાથમિક શાળાથી માંડી માસ્ટર ડિગ્રી સુધીનાં અભ્યાસ માત્ર સૌરાષ્ટ્રમાં વ્રજભૂમિ આશ્રમ શાળામાં આપવામાં આવે છે.

6

રાજય અને દેશનાં કાયદાઓ જયાં ઘડાય છે તેવા વિધાનસભા અને લોકસભામાં જઈ ચુકેલ માણસ આજે આશ્રમ શાળામાં ગાંધીવાદી જીવન જીવી રહ્યા છે. બળવંત મણવરને શારીરિક તકલીફ હોવા છતાં ગરીબ માણસોને કઈ રીતે ઉપયોગી બનવું સાથે સાથે ખેડુતો અને આમ સમાજનાં કચડાયેલા વર્ગ માટે સતત સતા સામે લડત લડી ન્યાય અપાવે છે. આ માણસનાં જીવનમાંથી સંઘર્ષ, નિડરતા અને સાદગીભર્યા જીવનની પ્રેરણા લેવા જેવી છે.

7 1

આ તકે ગોંડલ સ્ટેટનાં રાજવી જયોર્તિમયસિંહજીએ પરિશ્રમ વિરડો ગ્રંથનું વિમોચન કરતા જણાવેલ કે આજે ગોંડલ સ્ટેટની ભગવતસિંહજીની પાંચમી પેઢીને આવા સાદગીભર્યા જીવન જીવતા પૂર્વ મંત્રી બળવંતભાઈ મણવર ભુલ્યા નથી તેજ તેની કામ કરવાની અને તમામ સમાજ સાથે હળીમળીને રહેવાની ઓળખ બતાવે છે. ગોંડલ રહેતા ડુમિયાણી ગામે ભગવતસિંહજીની વિચારો જેવું શિક્ષણ સાદગીભર્યું જીવન અને ઉચ્ચ વિચારો આ આશ્રમ શાળામાં જોવા મળ્યા છે. આ તકે મહારાજા ભગવતસિંહજીને યાદ કરીને સમાજલક્ષી રચનાત્મક કાર્ય માટે બળવંતભાઈ મણવરને બિરદાવું છું. અમૃત મહોત્સવમાં ૭૫મી વર્ષગાંઠની જેના માનમાં ઉજવણી કરવામાં આવી હતી તેવા વ્રજભૂમિ આશ્રમ શાળા પીપલ્સ વેલફેર સોસાયટી ડુમિયાણી શૈક્ષણિક સંકુલનાં આદ્યસ્થાપક બળવંતભાઈ મણવરે અભિવાદનનો પ્રત્યુતર આપતા જણાવેલ કે, આજે પીપલ્સ વેલફેર સોસાયટી દ્વારા મારા ૭૫મી વર્ષગાંઠની રાજકારણથી પર રહીને જે ઉજવણી કરવામાં આવેલ છે તેનો મને ખુબ આનંદ થયો છે. તેમજ ઉમિયા પાટીદાર સમાજનાં સી.કે.પટેલ, ગોંડલ સ્ટેટનાં રાજવીર જયોતિમયસિંહજી કુમાર, ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટનાં જયેશભાઈ પટેલ સહિત સૌરાષ્ટ્રનાં ધારાસભ્યો, શિક્ષણવિદો, સામાજીક સંસ્થા, રાજકીય સંસ્થા, વિવિધ સમાજનાં પ્રમુખો સહિત સૌરાષ્ટ્ર, ગુજરાતનાં ૧૦૦ કરતા વધારે આગેવાનો પોતાનો કિંમતી સમય ફાળવી મારી ૭૫મી વર્ષગાંઠની ઉજવણીમાં સહભાગી થયેલ તેમજ જુદી-જુદી ૫૧ જેટલી સંસ્થાઓ દ્વારા આજે કોઈપણ જાતની અપેક્ષા વગર મારું સન્માન કરેલ છે તે તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું. મને આપેલી શુભેચ્છાઓ હું માથે ચડાઉ છું.  આ તકે આશ્રમ શાળામાં અગાઉ અભ્યાસ કરી વિવિધ ઉંચી પોસ્ટ સુધી પહોંચેલા ચોટીલાનાં ધારાસભ્ય ઋષિકેશ મકવાણા સહિત ૫૧ વિદ્યાર્થીઓનું મોમેન્ટો આપી વિવિધ આગેવાનોનાં હસ્તે સન્માનિત કરાયા હતા.

10

આ અમૃત મહોત્સવની સંઘ્યાએ સુપ્રસિઘ્ધ લોકસાહિત્યકાર ડો.રણજીતભાઈ વાંક, લોકગાયિકા જાગૃતિબેન ગોહિલ, લોક સાહિત્યકાર દેવરાજભાઈ ગઢવી, બાળ લોક કલાકાર નિશાંતકુમાર સોલંકીએ બળવંતભાઈ મણવરનાં ૭૫ વર્ષનાં સંઘર્ષ જીવનની ઝાંખી કરાવેલ હતી. આ અમૃત મહોત્સવમાં પ્રભુચરણ આશ્રમ હળવદનાં મહંત પ્રભુચરણદાસજી, મોરબી રામધન આશ્રમનાં મહંત ભાવેશ્ર્વરી માં, સમાજ શ્રેષ્ઠી સી.કે.પટેલ, જયેશભાઈ પટેલ, ગોંડલ સ્ટેટનાં રાજવી જયોર્તિમયસિંહજી, ધારાસભ્ય લલીતભાઈ વસોયા, વિક્રમભાઈ માડમ, ભીખાભાઈ જોષી, ઋત્વિકભાઈ મકવાણા, મહેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજીત્રા, રણમલભાઈ વારોતરીયા, નંદકિશોરભાઈ દવે, ભીખાભાઈ બાંભણીયા તેમજ સામાજીક આગેવાનો ખેતશીભાઈ પટેલ, શહેતાજબેન બાબી, કનુભાઈ કાલાવડિયા, ભરતભાઈ દવે, મનુભાઈ જાવિયા, ડો.સંજયભાઈ બાનપરા, સુનિલભાઈ સિણોજીયા, દિપલભાઈ ફળદુ, અતિતભાઈ મંતલીયા, કે.યુ.જાડેજા, કમલભાઈ ધામી, ડો.ઉવર્શીબેન ખાનપરા, એકતાબેન ફળદુ, ઝાંખીબેન પટેલ, રેશ્માબેન સિણોજીયા, લાખાભાઈ પરમાર સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતનાં ૭૦૦૦ હજાર જેટલા શુભેચ્છકો હાજર રહેલ હતા.

3

આ કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટી મંડળનાં સવિતાબેન મણવરની આગેવાનીમાં શામજીભાઈ સેજાણી, પાર્થભાઈ મણવર, દિલીપભાઈ કોરડીયા, યોગેશભાઈ ભાલોડિયા, મનોજભાઈ સોલાધરા, બાલાભાઈ સાંડપા, પ્રો.ભરાડ, કિશોરભાઈ આરદેશણા, અશ્ર્વિનભાઈ મણવર, સંજયભાઈ ભટ્ટ, અશ્ર્વિનભાઈ રાઠોડ, નટવરભાઈ ઝાટકિયા સહિત પીપલ્સ વેલફેર સોસાયટીનાં સ્ટાફે જહેમત ઉઠાવેલ હતી. આ કાર્યક્રમનું સંચાલન પ્રો.ભરાડ, દિલીપભાઈ કોરડીયા અને કિશોરભાઈ આરદેશણાએ પોતાની મધુરવાણીમાં કરેલ હતું.

અમૃત મહોત્સવમાં ‘અબતક’ છવાયું

1 3

ડુમિયાણી ગામે ગરીબોનાં બેલી અને લોકોનાં પ્રહરી એવા બળવંતભાઈ મણવરની ૭૫મી વર્ષગાંઠનાં અમૃત મહોત્સવની ઉજવણીમાં ગુજરાત તેમજ સૌરાષ્ટ્રભરમાંથી વિવિધ સમાજ શ્રેષ્ઠીઓ, રાજકીય આગેવાનો, સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ‘અબતક’ સાંધ્ય દૈનિક છવાઈ ગયું હતું.

2 2

‘અબતક’ દૈનિકની આવૃતિનું રસપૂર્વક વાંચન કરતા ગોંડલ સ્ટેટનાં રાજવી જયોતિમયસિંહજી કુમાર, ધારાસભ્ય લલીતભાઈ વસોયા, ધારાસભ્ય ભીખાભાઈ જોષી સહિતનાં નજરે પડે છે.

દીકરી વ્હાલનો દરિયાનું હૃદયસ્પર્શી ઉદ્બોધન

5 1

બળવંત મણવરનાં ૭૫મી વર્ષગાંઠની ઉજવણી અમૃત મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત સાત હજાર શુભેચ્છકો શુભ ચિંતકોને ઉદબોધન કરતા બળવંતભાઈ મણવરની જેષ્ઠપુત્રી ડો.ઉવર્શીબેન ખાનપરાએ જણાવેલ કે મારા પિતાએ બહુ નાનપણથી સંઘર્ષ કરી પોતાની જીંદગીમાં અનેક છાંયડા-તડકા જોયા છે. મારા પિતાને પુત્ર ન હોવા છતાં અમને ચારેય દિકરીઓને પુત્ર સમાન રાખી ઉચ્ચ શિક્ષણ આપી અમોને સમાજ શ્રેષ્ઠી પરિવારનાં ઘરોમાં વરાવેલ. આજે પણ પિતાની સંઘર્ષ ગાંઠા જોઈએ દિકરી તરીકે મારું હૃદય ભરાઈ આવે છે. જયારે મારા પિતા ઉપર જીવલેણ હુમલો થયો ત્યારે એ સમય પિતા માટે બહુ કપરો હતો. હુમલાને કારણે પગમાં વિકલાંગતા આવી ગઈ છતાં પિતાએ ગરીબ માણસો માટે લડત ચાલુ રાખી એ સમાજ આજે પણ યાદ કરે છે.

21

આજે મને મારા પિતા કેટલા દયાળુ અને કોમળ હૃદયનાં છે એ વાતનો ખ્યાલ મને ત્યારે મને આવ્યો જયારે પિતા ઉપર છરીથી સાત-સાત ઘા કરી જીવલેણ હુમલો કર્યો છે તેવા બંને લોકોને પિતાએ હુમલાખોરનાં પરિવારને ધ્યાનમાં રાખી માફ કરી દીધા આજે પિતા તેની ઉપર હુમલો કરનારા સાથે ઓફિસમાં બેસી ચા પીવે છે ત્યારે મને મારા પિતાનાં કોમળ હૃદયનાં દર્શન થાય છે. અમારી ચારેય બહેનોની ઈચ્છા એવી છે કે પિતાની કરોડો રૂપિયાની સંપતિ ગરીબ માણસોનાં શિક્ષણ માટે વપરાય અને આ વ્રજભૂમિ આશ્રમ પિતાનું હૃદય છે તેથી વ્રજભૂમિ આશ્રમમાં વધુ સેવાની મિશાલ પ્રગટતી રહે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.