Abtak Media Google News

દિપાવલીના તહેવારોમાં ફટાકડાના ઉત્પાદન, વેચાણ તથા ફટાકડા ફોડવા અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ

દિવાળીનાં તહેવાર તથા અન્ય તહેવારો નિમિતે જાહેર જનતાને ભયજનક હાનિકારક પર્યાવરણ તથા ધ્વની પ્રદુષ્ણની વિપરીત અસરથી રક્ષણ આપવા માટે ફટાકડાના ઉત્પાદન, વેચાણ તથા ફટાકડા ફોડવા બાબતે દિશાનિર્દેશોના અમલીકરણ માટે તથા દિવાળીના તહેવારો દરમ્યાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ન બને અને જાહેર જનતાની સલામતી માટે અને  અગવડ ન પડે તે માટે સમગ્ર રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ફટાકડાના ખરીદ, વેંચાણ તથા ઉપયોગ ઉપર નિયંત્રણ રાખવા અધિક જીલ્લા કલેકટર કે.બી.ઠકકર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. સુપ્રિમકોર્ટની ગાઈડલાઈન મુજબ દિવાળીના અને અન્ય તહેવારો દરમ્યાન ફટાકડા ફોડવાના સમય દરમ્યાન જ ફટાકડા ફોડી શકાશે. રાત્રીનાં 10 થી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે નહીં.

સીરીઝમાં જોડાયેલા ફટાકડા (ફટાકડાની લુમ)થી મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી શકાશે નહી, ફોડી શકાશે નહિ કે વેંચાણ કરી શકાશે નહીં . હાનિકારક ધ્વનિ પ્રદુષણ રોકવા માટે માત્ર પેટ્રોલિયમ એન્ડ એક્સપલોઝીવ સેફટી ઓર્ગેનાઇઝેશન દ્વારા અધિકૃત બનાવટ વાળા અને માન્ય ધ્વનિ સ્તર (ડેસિબલ,લેવલ) વાળા જ ફટાકડા ઉત્પાદન વેચાણ કરી શકાશે. કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહીં કે રાખી શકાશે નહી અથવા વેચાણ કરી શકાશે નહીં. ઈ-કોમર્સ વેબસાઈટ, ફલીપકાર્ટ, એમેઝોન સહીતની કોઈ પણ ઈ-કોમર્સ વેબસાઈટ ફટાકડાના વેચાણ માટે ઓનલાઈન ઓર્ડર લઈ શકશે નહી કે ઓનલાઈન વેચાણ કરી શકશે નહી.

નેશનલ હાઈવે-8(બી) પર આવેલ શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીઝ વિસ્તાર તથા મેટોડા જી.આઈ.ડી.સી. વિસ્તારની 500 મીટરની હદમાં તથા જવલનશીલ પદાર્થના સંગ્રહના સ્થળથી 100 મીટરની હદમાં દારૂખાનુ કે ફટાકડા ફોડવા નહી. કોઈપણ પ્રકારના સ્કાય લેન્ટર્ન (ચાઈનીઝ તુકકલ આતશબાજી બલુન)નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહી તેમજ કોઈપણ સ્થળે ઉડાડી શકાશે નહી. જાહેર રસ્તા/રોડ તથા ફુટપાથ ઉપર દારૂખાનું, ફટાકડા, બોમ્બ, રોકેટ, હવાઈ તથા અન્ય ફટાકડા કે જેનો સમાવેશ દારૂખાનામાં થતો હોય તેવા ફટાકડા કે આતશબાજી ફોડવા સળગાવવા કે કોઈ વ્યકિત ઉપર ફેંકવા નહીં. હોસ્પિટલ, નર્સીંગ હોમ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોના 100 મીટરના ત્રીજયાના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં.આ જાહેરનામું પોલીસ કમિશનર, રાજકોટ શહેર,  ની હકુમત સિવાયના સમગ્ર રાજકોટ ગ્રામ્ય જિલ્લાનાં વિસ્તારમાં 9 નવેમ્બર સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.