- ખેડા જિલ્લામાં ડીજે પર નવો નિયમ
- રાત્રે 10થી સવારે 6 સુધી લાઉડસ્પીકર-ડીજે પર પ્રતિબંધ, 4 ઝોનમાં વિભાજન
રાજ્યભરમાં દિવસે ને દિવસે ધ્વનિ પ્રદૂષણ, હવા પ્રદૂષણ, પાણી પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણમાં વધારો જોવા મળે છે. તો જાણો ધ્વનિ પ્રદૂષણને અંકુશમાં લાવવા અને જનતાના જીવનધોરણની ગુણવત્તાની જાળવણી માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ ડીજે અને અન્ય યંત્રોના અવાજને અંકુશમાં રાખવા ખેડા જિલ્લા કલેક્ટરે જાહેરનામુ બહાર પાડયું છે. જેમાં જાહેરનામુ ભંગ કરનારા ડીજે સંચાલક સામે PSI કે ઉચ્ચ અધિકારીઓ સીધી કાર્યવાહી કરી શકશે તેવી પણ જોગવાઈ છે.
તંત્રએ જિલ્લાને ચાર વિભાગમાં વહેંચ્યો છે. આ વિભાગોમાં ઔધોગિક, વ્યાપારિક, રહેણાંક અને શાંતિ વિસ્તારનો સમાવેશ થાય છે. સવારના 6થી રાત્રીના 10 વાગ્યા સુધી નિર્ધારિત ડેસિબલ મર્યાદામાં જ લાઉડસ્પીકર કે ડીજે વગાડી શકાશે.
જાહેરનામા જણાવ્યા અનુસાર, ડીજે સંચાલકો ચોક્કસ વિસ્તારો મુજબ ચોક્કસ અવાજ રાખી માત્ર સવારે 6 વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધી જ ડી.જે. વગાડી શકાશે. એટલે કે રાતના 10 વાગ્યા બાદ સવારના 6 વાગ્યા સુધીમાં ડીજે વગાડી શકશે નહીં. જો ડીજે વગડવામાં આવશે તો કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. વિભિન્ન પાર્ટી પ્લોટ, જાહેર સંસ્થાઓ, ખાનગી માલિકોના ફાર્મ તથા અન્ય જગ્યાઓએ મોટા અવાજ કરતા યંત્રો વગાડીને જાહેર જનતાને નુકસાન થાય તેવી રીતે વર્તતા હોય છે.
સરઘસો, રેલીઓ અને વરઘોડામાં માઈક, લાઉડ સ્પીકર તથા ડી.જે. સિસ્ટમ વગાડનારાઓ લાંબા સમય સુધી જાહેર માર્ગો ૫૨ ઉભા રહી ટ્રાફિકને અડચણ કરી ટ્રાફિક જામ કરે છે અને વધુ ધ્વનિ તીવ્રતાથી મોટા કર્ણભેદી અવાજે ઘોંઘાટમય સંગીત, ગીતો રેલાવી વિદ્યાર્થીઓના અભ્યાસમાં, દર્દીઓના આરામમાં, સિનિયર સીટીઝન અને લોકોના સ્વાસ્થ્યને નુકસાન કરી તબીબોના કામમાં ખલેલ પહોંચાડે છે.
તેમજ માઈક, લાઉડ સ્પીકર તથા ડી.જે. સિસ્ટમના અનિયંત્રિત પ્રયોગથી કોમી દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારોમાં સાંપ્રદાયિક અથડામણોના બનાવો પણ બની શકે છે. આ ઉપરાંત તેના પરિણામે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વિપરીત અસર થવાની સંભાવનાઓ વધી જાય છે. આ માટે જિલ્લા પ્રશાસને કાયદાની જોગવાઈઓને ધ્યાને લઈ ડીજેને નિયંત્રણમાં લેવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
ડીજે સંચાલકોના ઉશ્કેરણીજનક વાક્યો બોલવા કે સ્પર્ધા પર પ્રતિબંધ
છેલ્લા કેટલાક સમયથી નડિયાદ અને તેના આસપાસના કેટલાક ચોક્કસ ગામોમાં ડી.જે. સંચાલકો વચ્ચે ખૂબ તીવ્ર સ્પર્ધા ચાલી રહી છે. આ ઉપરાંત માઈકોથી એકબીજાને ઉશ્કેરવા માટેના ખાસ સ્લોગન બોલવામાં આવે છે. તેમજ અનેકવાર મામલો મારામારી સુધી અને બાદમાં ફરિયાદો થવા સુધી પહોંચ્યો છે. ત્યારે તેવા સંજોગોમાં હવે નવા જાહેરનામા મુજબ ડી.જે. સંચાલકો ઉશ્કેરીજનક વાક્યો બોલી શકશે નહીં અને સ્પર્ધા પણ કરી શકશે નહીં. આમ કરનાર સંચાલકો સામે સીધી જ કાર્યવાહી કરવામાં આવશે.