Abtak Media Google News

ગુજરાતમાં દરરોજ 15 લાખ લોકોને રસી આપવાની સરકારની યોજના

કોરોનાના વાયરસને નાબુદ કરી મહામારીમાંથી ઉગરવાનાં દરેક દેશો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે બ્રિટન, અમેરિકા, રશિયા બાદ હવે, ભારતમાં પણ જાન્યુઆરી માસથી રસીકરણ અભિયાન શરૂ થવાનું છે. તેમ સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને માહિતી આપી છે. ગુજરાતમાં રસીકરણ ઝુંબેશની વાત કરીએ તો, સમગ્ર રાજયમાં રસી માટેના ‘બેન્ડ, બાજા, બારાત’ તૈયાર થઈ ગયા છે. હવે, રાહ છે તો માત્ર વરરાજા સ્વરૂપ ‘રસી’ની.

સરકાર દ્વારા જણાવ્યા અનુસાર, ગુજરાતમાં દરરોજ ૧૫ લાખ લોકોને રસીના ડોઝ અપાશે. આ માટે તમામ વ્યવસ્થા પુરી કરી દેવાઈ છે. એક કેન્દ્ર પર આશરે ૧૦૦ થી ૨૦૦ લોકોને રસી અપાશે. રસીના સંગ્રહ અને ટ્રાન્સપોર્ટ માટે દેશના પ્રથમ પ્લાન્ટને ગુજરાતમાં બનાવવાની પણ કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. જે આગામી થોડા સમયમાં કચ્છના મુંદ્રા ખાતે ઉભુ થશે. આ માટે કુલીંગ બોકસ બનાવવા માટે લકઝમબર્ગ કંપની સાથે કરાર કરવામાં આવ્યા છે.

ગુજરાતના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રસીના સ્ટોકનો પૂર્ણ ક્ષમતાએ ઉપયોગ કરવામાં આવે તો દરરોજ 15 લાખ લોકોને આપી શકાશે. અત્યારે સ્ટોક મર્યાદિત છે પરંતુ રસીનો સ્ટોક તબકકાવાર આપવાની ગણતરી છે.

કોરોના રસી આપવા માટે તાલીમ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. જીલ્લા આરોગ્ય અધિકારીઓને તાલીમ આપી દેવામાં આવી છે જેઓ તાલુકા-ગ્રામ્ય સ્તરે તાલીમ આપશે. આરોગ્ય મંત્રાલયમાં ટ્રેનિંગ વિભાગના ડાયરેકટર ડો. જે.ઓ. માઢકે કહ્યું કે 15000 આરોગ્ય કર્મી ઉપરાંત કોવિડ કામગીરીમાં સંકળાયેલા અન્યોને પણ તાલીમ આપવામાં આવી રહી છે જે ચાલુ સપ્તાહના અંતે પૂર્ણ થઇ જશે. કુલ 1.45 લાખ કર્મચારીઓને તાલીમબધ્ધ થશે.

રાજ્યના કોરોનાની રસી પ્રથમ તબકકે કોને આપવી તે વિશે પ્રાથમિકતા તૈયાર કરી લેવામાં આવી છે. પ્રથમ તબકકે ચાર લાખ હેલ્થવર્કરને રસી આપવામાં આવનાર છે. બીજા તબકકે પોલીસ સેનીટેશન સ્ટાફને અપાશે.ત્રીજા તબકકે 50 વર્ષથી વધુની ઉંમરના અને અન્ય બિમારી ધરાવતા લોકોને કોરોના રસી અપાશે. આવા 85 લાખ લોકો નોંધાયા છે. સર્વેનો ફાઇનલ રીપોર્ટ આવતા આંકડો એક કરોડથી વધુ થઇ શકે છે.ચોથા તબકકામાં કો-મોર્ડીડ (અન્ય બિમારી) ધરાવતા 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને રસી અપાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.