Abtak Media Google News

કનિકા આહુજા અને રિચા ઘોષની તોફાની બેટિંગે બેંગ્લોરને વિજય અપાવ્યો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને આખરે મહિલા પ્રીમિયર લીગ 2023 સીઝનમાં તેમની પ્રથમ જીત મેળવી હતી. સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપમાં આરસીબીએ પોતાની 6 મેચમાં આ પ્રથમ જીત નોંધાવી છે. આરસીબીએ યુપી વોરિયર્સને 5 વિકેટે હરાવીને શાનદાર જીત નોંધાવી હતી. વાસ્તવમાં આ મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા યુપી વોરિયર્સની ટીમ 135 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ તરફથી ગ્રેસ હેરિસે 32 બોલમાં 46 રનની તોફાની ઇનિંગ રમી હતી.

એલિસ પેરીએ આરસીબી માટે બોલિંગમાં તોફાન મચાવ્યું હતું. તેણે 16 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી.  જ્યારે સોફી ડિવાઈન અને શોભના આશાએ 2-2 વિકેટ લઈને યુપી વોરિયર્સની ટીમને ઓછા સ્કોર પર સમેટી લીધી હતી. 136 રનના ટાર્ગેટના જવાબમાં આરસીબીની ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. ટીમે માત્ર 14 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ અહીંથી હીથર નાઈટ અને કનિકા આહુજાએ ઈનિંગ્સને સંભાળી હતી. હીથરે 24 અને કનિકાએ 30 બોલમાં 46 રન બનાવ્યા હતા.

કનિકાએ પોતાની ઇનિંગમાં એક સિક્સર અને 8 ફોર ફટકારી હતી.ત્યાર બાદ રિચા ઘોષે પણ પોતાનો આક્રમક અંદાજ જાળવી રાખ્યો અને સટાસટી બોલાવી હતી. હવે બાકી રહેતા મેચોમાં આરસીબીની ટીમ જો જીત હાંસલ કરે તો હવે એક છેલ્લી તક પ્લે ઓફમાં પહોંચવાની બાકી રહે છે એટલું જ નહીં સામે અન્ય ટીમોના પ્રદર્શન ઉપર પણ બેંગ્લોર ની પ્લેઓફમાં પહોંચવાની આશા નિર્ધારિત રહેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.