Abtak Media Google News

અર્થતંત્રની સાથે બેંકીંગ ક્ષેત્રની પણ બ્લલે… બ્લલે… થઈ રહી છે. કોરોનાને કળ વળતા બજારમાં તરલતા વધતા બેંકિંગ ક્ષેત્ર પણ વધુ મજબૂતાઈ સાથે આગળ ધપી રહ્યું છે. કોરોનાના કપરાકાળમાં પણ ભારતીય બેંકોએ અધધ… નફો રળ્યો છે. નાણાકીય વર્ષ 2021માં, બેન્કિંગ ક્ષેત્રે સૌથી વધુ રેકોર્ડબ્રેક  1,02,252 કરોડ નફો મેળવ્યો છે. જે દર્શાવે છે કે ભારતીય અર્થવ્યવસ્થા હવે કેટલી ઝડપે વિકાસ અને લાંબા ગાળાની વૃધ્ધિ માટે આગળ ધપી રહી છે.

જણાવી દઈએ કે નાણાકીય વર્ષ 2019માં બેન્કિંગ ક્ષેત્રને આશરે 5000 કરોડ રૂપિયાની નુકસાની વેઠવી પડી હતી. જે તાજેતરની સ્થિતિની તુલનામાં  એક મોટો અને નોંધપાત્ર પલટો છે. સૌથી વધુ કમાણી કરવાની હરોળમાં બે બેંકો- એચડીએફસી બેંક અને એસબીઆઈ સૌથી આગળના ક્રમે છે. સમગ્ર બેન્કિંગ ક્ષેત્રના નફામાં અડધો ફાળો આ બે બેંકોનો જ છે. એચડીએફસી બેંકે રૂ. 31,116 કરોડનો નફો રળી કુલ નફામાં હિસ્સો 30% કર્યો છે, જે પાછલા વર્ષ કરતા 18% વધ્યો છે. જ્યારે વાત કરીએ દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની લેણદાર બેંક એસબીઆઈની તો તેનો કુલ નફામાં હિસ્સો 20% છે અને 20,410 કરોડ રૂપિયા નફો હાંસલ કર્યો છે.

ત્રીજી સૌથી વધુ નફો રળતી બેંક આઈસીઆઈસીઆઈ બની છે, જેણે રૂ. 16,192 કરોડની આવક કરી છે, જે પાછલા વર્ષે જે કમાણી કરી હતી તેના કરતા બમણી છે. સૌથી મોટો સુધારો પીએસબી એટલે કે જાહેર ક્ષેત્રની બેંકોમાં જોવા મળ્યો છે. જેણે છેલ્લા પાંચ વર્ષમાં પ્રથમ વખત સામૂહિક ચોખ્ખો નફો નોંધાવ્યો છે. PSUની 12માંથી માત્ર બે બેન્કો – પંજાબ અને સિંધ બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાને નુકસાની થઈ છે. ખાનગી ક્ષેત્રમાં યસ બેંક કે જેણે 3462 કરોડની ચોખ્ખી ખોટ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.